અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં જ્યારે કરિયાણા સહિતની દુકાનોને છુટછાટ આપવામાં આવી છે તો આ દુકાનોમાં હોલસેલ માર્કેટ બંધ હોવાને કારણે વસ્તુઓ ખુટી પડી હતી. જેને કારણે ભાવ આસમાને પહોંચ્યા હતા, ત્યારે વેપારીઓ દ્વારા રજૂઆત બાદ માર્કેટ ખોલવામાં આવ્યા હતા. અમદાવાદનું કાલુપુર ચોખા બજાર બુધવારથી ખોલવાનો નિર્ણય કરાયો છે, જોકે ચોખા માર્કેટને ખોલવાની પરવાનગી મળતા વેપારીઓને રાહત મળી છે.
ચોખા માર્કેટની દુકાનો સવારે 8 થી 1 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. મહત્વનું છે કે ગ્રેઈન મર્ચન્ટ એસોસિએશન અને એએમસી તંત્ર વચ્ચે બેઠક યોજાઈ હતી, અને આ બેઠકમાં કાલુપુર હોલસેલ અનાજ બજાર ખુલ્લુ રાખવા માટે મૌખિક મંજૂરી આપવામાં આવી છે. શહેરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે આ વધતા કોરોનાના કેસ વચ્ચે બજારોમાં રોનક પરત ફરી રહી છે. મંગળવારથી માધુપુરા માર્કેટ, કઠોળ બજાર અને ચોખા બજાર શરૂ કરાઇ છે. લોકડાઉનની વચ્ચે કઠોળ અને કરિયાણાના ભાવ વધી ગયા છે. જ્યારે છૂટક બજારોમાં સ્ટોકની અછત સર્જાઈ છે, જેના કારણે માધુપુરા માર્કેટ, ચોખા બજાર અને કઠોળ માર્કેટ શરૂ કરવાનો તંત્રએ નિર્ણય કર્યો છે.