અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉર વધુ આક્રમક બન્યું છે. જેથી વિદેશી રોકાણકારોએ સાવચેતી અપનાવી છે અને આજે પણ માર્કેટ ખુલ્યું ત્યારે સુધારા સાથે ખુલ્યું હતું, એક તબક્કે માર્કેટમાં સુધારો ઝડપી બન્યો હતો, પણ દરેક ઉછાળે વેચવાલી ચાલુ રહી હતી. જેથી સુધારો ધોવાઈ ગયો હતો. એફઆઈઆઈની સતત વેચવાલી ચાલુ રહી હતી. આ સાથે તેજીવાળા ખેલાડીઓએ ઉભા લેણના પોટલા છોડ્યા હતા. પરિણામે શેર્સના ભાવ ઝડપી ગબડ્યા હતા.
આજે સવારે હોંગકોંગ સિવાયના અન્ય એશિયાઈ સ્ટોક માર્કેટ ભારે વેચવાલીથી ઘટ્યા હતા. ચીન અને અમેરિકાના ટ્રેડવૉરને કારણે હાલ વિશ્વના સ્ટોક માર્કેટમાં અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. બીજી તરફ લોકસભાની ચૂંટણીમાં છ તબક્કાના મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ અને હવે સાતમો અને છેલ્લો તબક્કો 19 મેના રોજ છે. લોકસભામાં મોદી સરકારને સ્પષ્ટ બહુમતી નહી મળે તેવી ધારણાએ પણ તેજીવાળા અને મંદીવાળા ખેલાડીઓની ભારે વેચવાલી ફરી વળી છે. જેથી જ શેરબજારમાં એકતરફી મંદી જોવાઈ રહી છે.
આજે સનફાર્મા (9.39 ટકા), યસ બેંક (5.58 ટકા), તાતા સ્ટીલ (3.22 ટકા), ઈન્ડુસઈન્ડ બેંક (3.20 ટકા) અને તાતા મોટર્સ (3.09 ટકા) સૌથી વધુ ગગડ્યા હતા.