નવી દિલ્હી: નાણામંત્રાલયે મંગળવારે કૃષિ, ઉત્પાદન અને સેવાઓ ક્ષેત્રમાં તાજેતરના "સુધારણાના સંકેતો" તરફ ઇશારો કર્યો અને કહ્યું કે, અર્થતંત્રમાં નવી નીતિનો સરકાર અને રિઝર્વ બેન્ક દ્વારા લેવામાં આવેલા ઝડપી નીતિપૂર્ણ પગલા દ્વારા અર્થવ્યવ્સ્થામાં નવી શક્તિનો સંચાર અને નુકસાન સીમિત રહેવામાં મદદ મળી છે.
મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, કૃષિ ક્ષેત્ર ભારતીય અર્થવ્યવસ્થાનો મૂળ પાયો બનેલો છે. વર્ષ દરમિયાન ચોમાસુ સામાન્ય રહેવાની ધારણાને ધ્યાનમાં રાખીને અર્થવ્યવસ્થાને વધુ વેગ મળશે તેવી અપેક્ષા છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "જોકે જીડીપી માં ક્ષેત્રનું યોગદાન ખૂબ મોટું નથી, પરંતુ કૃષિ ક્ષેત્રની વૃદ્ધિનો આ ક્ષેત્ર પર આધારિત મોટી આબાદી પર હકારાત્મક અસર પડે છે. "
વીજળી અને બળતણ વપરાશ, રાજ્યમાં અને આંતર-રાજ્યમાં માલની લેવડ-દેવડ, છૂટક નાણાકીય વ્યવસાયની માંગમાં વધારો થયો છે. આ સાથે, ભારત વિશ્વનો બીજો સૌથી મોટો પર્સનલ રક્ષણાત્મક સાધનો (પીપીઇ) કીટ ઉત્પાદક બન્યો છે. ભારતે ફક્ત બે મહિનામાં આ સ્થિતિ પ્રાપ્ત કરી છે અને આ ઉત્પાદન ક્ષેત્રની તાકાત બતાવે છે.
મંત્રાલયે કહ્યું હતું કે, "સરકાર અને રિઝર્વ બેન્કે નીતિ સ્તરે ઝડપી પગલાં લીધાં છે - જેમાં
- ટૂંકા ગાળાના અને લાંબા ગાળાનાં બંને પગલાં
- ઓછા નુકસાન સાથે અર્થતંત્રને પુનર્જીવિત કરવાનાં યોગ્ય પગલાં
- માળખાકીય સુધારાઓ અને સામાજિક કલ્યાણ પગલાં
આ દરેક સ્તરે સરકારની પ્રતિબદ્ધતા અર્થતંત્રમાં જોવા મળતા સુધારણાના સંકેતોને વધુ મજબૂત બનાવશે. "