નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, નાણાંપ્રધાને ગુરુવારે આ સેવાની ઔપચારિક શરૂઆત કરી હતી. સીબીડીટીએ કહ્યું કે, આ સુવિધા એ પાન અરજદારોને મળશે, જેની પાસે માન્ય આધાર નંબર છે અને તેમનો મોબાઇલ નંબર આધાર સાથે જોડાયેલો છે.
નાણાંપ્રધાન નિર્મલા સીતારામને આધારની વિગતો આપીને ગુરુવારે પાન નંબર આપવાની સેવા શરૂ કરી હતી. 2020-21ના બજેટમાં આધાર વિગતો દ્વારા તાત્કાલિક પાન આપવાની પ્રણાલી રજૂ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. વિગતવાર એપ્લિકેશન ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. જેની પાછળનો ઉદ્દેશ પાન ફાળવણીની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.
સીબીડીટીએ કહ્યું કે, 25 મે, 2020 સુધીમાં કરદાતાઓને 50.52 કરોડ પાન આપવામાં આવ્યાં છે. જેમાંથી 49.39 કરોડ વ્યક્તિગત લોકોને જાહેર કરવામાં આવ્યાં છે, જેમાંથી 32.17 કરોડ આધાર સાથે જોડાયેલા છે. પાન સાથે આધારને જોડવાની છેલ્લી તારીખ 30 જૂન 2020 છે.