ન્યુઝ ડેસ્રઃ બે પ્રકારની આવક વેરાની પદ્ધતિનો વિકલ્પ કરદાતાને આપીને મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. પોતાની આવક અને બચતની પદ્ધતિ કઈ રીતની છે તેના આધારે વિકલ્પ પસંદ કરવા માટેની જોગવાઈ નાણાં પ્રધાને પોતાના નવા બજેટમાં આપી છે.
હાલમાં છે તે રીતે પણ વેરો ભરવાનું ચાલુ રાખી શકાય છે. તેમાં ઘણા બધા પ્રકારના રોકાણો બાદ મળે છે. પરંતુ તેમાં ઊંચો દર લાગે છે, ત્યારે નવા વિકલ્પમાં ઓછા દરે વેરાના સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે.
નવી પદ્ધતિ પ્રમાણે કરવેરાના આઠ સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે. તેમાં અઢી લાખ રૂપિયાની વાર્ષિક આવકથી શરૂ કરીને 15થી વધુની આવક સુધીના તબક્કાને આવરી લેવાયા છે.
નવા વિકલ્પમાં અઢી લાખ રૂપિયા સુધી કોઈ વેરો નથી. અઢી લાખથી પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર પાંચ ટકા વેરો લાગશે.
બીજી બાજુ પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર રિબેટ આપવામાં આવતી હોવાથી જૂની પદ્ધતિમાં પાંચ લાખ સુધી કોઈ વેરો ભરવાનો થતો નથી. પાંચ લાખ સુધીની આવક પર રિબેટ આ બજેટમાં પણ ચાલુ રાખી હોવાથી વાસ્તવમાં વેરો ભરવાનો થશે નહિ.
પાંચ લાખથી વધુની આવક પર નવી પદ્ધતિમાં તેમને નવા સ્લેબ દાખલ કર્યા છે. નવી પદ્ધતિમાં 5થી 7.5 લાખ રૂપિયાની આવક પર 10%, જ્યારે 7.5થી 10 લાખ રૂપિયા સુધીની આવક પર 15% ટકા ટેક્સ લાગશે. 10 લાખથી વધારે અને 12.5 લાખ રૂપિયા સુધી 20% અને 12.5 લાખથી 15 લાખ રૂપિયા સુધીની આવક પર 25% વેરો લાગશે. છેલ્લે 15 લાખ રૂપિયાથી વધુની આવક પર મહત્તમ 30%નો વેરો લાગશે.
જોકે આ નવા સ્લેબ પ્રમાણે ટેક્સ ભરવામાં આવે તેમાં કોઈ કરરાહત, રોકાણ બાકાત મળશે નહિ. ઘર માટેની લોન કે વીમા, પેન્શન યોજનાઓમાં રોકાણ વગેરે કોઈ કપાત મળશે નહિ.
“અગાઉની પદ્ધતિ પ્રમાણે કરદાતાએ 2.73 લાખ રૂપિયા સુધીનો ટેક્સ ભરવો પડતો હતો, તેણે હવે 1.95 લાખનો ટેક્સ ભરવાનો રહેશે,” એમ બજેટ ભાષણમાં નિર્ણલા સીતારમણે કહ્યું હતું.
“આ રીતે કરદાતાને 78,000 રૂપિયાનો ફાયદો વર્ષે થશે,” એમ નાણાં પ્રધાને ઉમેર્યું હતું.
-કૃષ્ણાનંદ ત્રિપાઠી, સિનિયર પત્રકાર