ન્યૂઝ ડેસ્ક: 15મા નાણાં પંચના ચેરમેન એન.કે. સિંહે જણાવ્યું હતું કે તેમનો ઇરાદો વિકાસશીલ રાજ્યોને વધારે વિકસિત કરવાનો હતો અને ધીમા પડેલા રાજ્યોને રાષ્ટ્રીય સરેરાશ સુધી લઈ જવાનો હતો. પરંતુ આ વર્ષના બજેટમાં દક્ષિણના રાજ્યોને નુકસાન થયું છે. 15મા નાણા પંચની વેરાની આવકની વહેંચણીની નવી પદ્ધતિને કારણે 20 રાજ્યોને વધારે ભંડોળ મળશે. પરંતુ બાકીના 8 રાજ્યોને મળતા સ્રોતોમાં ઘટાડો થશે.
આ નસીબદાર 20 રાજ્યોની મહેસૂલી આવકમાં 33,000 કરોડ રૂપિયાનો વધારો થશે, પણ કમનસીબ 8 રાજ્યોને 18,389 કરોડ રૂપિયાનું નુકસાન થશે. તામિલનાડુનો સમાવેશ 20 નસીબદાર રાજ્યોમાં થાય છે, પરંતુ બાકીના દક્ષિણના રાજ્યોને કુલ 16,640 કરોડ રૂપિયાનું નુકસાન થશે. એક જ નાણાકીય વર્ષમાં આટલું નુકસાન થવાનું હોય તો આગામી પાંચ વર્ષમાં થનારું નુકસાન કલ્પના બહારનું છે.
નાણાં પંચે મહેસૂલમાં રાજ્યોનો હિસ્સો 14મા પંચના 42 ટકાથી ઘટાડીને 41 ટકા કરવામાં આવ્યો હતો. નાણાં પંચે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરને હવે બે રાજ્યોમાં વહેંચી દેવાયું છે અને એક ટકા ઘટાડો કરાયો છે તેનો ઉપયોગ તેની સુરક્ષા માટે કરવામાં આવશે. હિસ્સામાં ઘટાડો થયો તેના કારણે રાજ્ય વિકાસના ઇન્ડેક્સમાં પાછળ પડે તો તેના માટે કોણ જવાબદાર?
ફેબ્રુઆરી 2015માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે તેમનો એજન્ડા દરેક રાજ્યને સ્વાવલંબી બનાવવાનો છે, જેથી તેઓ પોતાના કલ્યાણની યોજનાઓ કરી શકે. વડા પ્રધાને રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને જણાવ્યું હતું કે 14 નાણાં પંચની ભલામણો સ્વીકારીને 15મા નાણાં પંચની રચના કરવામાં આવી રહી છે.
1976માં 7મા નાણાં પંચની રચના થઈ ત્યારથી લઈને 14મા નાણાં પંચ સુધી 1971ની વસતિ ગણતરીના આંકડાં ધ્યાનમાં લેવાયા હતા. તેના આધારે વેરાની આવકની વહેંચણી કરવામાં આવતી હતી. 14મા નાણાં પંચે 1971ની વસતિ ગણતરીના આંકડાંને 17.5 ટકા વેઇટેજ અપાયું હતું અને 10 ટકા વેઇટેજ 2011ની વસતિ ગણતરીને અપાયું હતું, તેનો વાંધો લેવાયો નહોતો. હાલમાં 2011ની વસતિ ગણતરીને 15 ટકા, આવકમાં રહેલા ગેપ માટે 45 ટકા વેઇટેજ, વસતિ નિયંત્રણના પગલાં માટે 12.5 ટકા અને વેરાની વસૂલીના પ્રયાસો માટે 2.5 ટકા વેઇટેજ આપવામાં આવે છે.
આવી રીતની ગણતરીને કારણે ઘણા રાજ્યોને નુકસાન થયું છે. આંધ્ર પ્રદેશ, જે મહેસૂલી આવક મોટા પ્રમાણમાં ગુમાવી રહ્યું છે, તેને વધારાનું 1,521 કરોડ રૂપિયાનું નુકસાન આ વર્ષે થશે. તેલંગાણા રાજ્યને આ વર્ષે 2,400 કરોડ રૂપિયાનું થશે. એવું લાગે છે કે વસતિ નિયંત્રણ માટેની ફાળવણીમાં નાણાં પંચે કાપ મૂક્યો છે. કેન્દ્ર સરકાર હવે રાજ્યોને કામગીરીના આધારે ફાળવણી કરવાનું વિચારી રહી છે, ત્યારે આગામી પાંચ વર્ષમાં દક્ષિણના રાજ્યોને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે.
15મા નાણાં પંચનો કાર્યકાળ પાંચ વર્ષનો છે અને તે દરમિયાન કુલ 175 લાખ કરોડ રૂપિયાની મહેસૂલી આવકનો અંદાજ છે. પરંતુ હાલની મંદીના કારણે અર્થતંત્રને નુકસાન થઈ રહ્યું છે. સરકાર એવી વ્યવસ્થા કરવા માટે આગળ વધી રહી છે કે રાજ્ય પર વેરો નાખવો અને મહેસૂલ કેન્દ્ર તરફ લઈ જવી. દરખાસ્ત અનુસાર રાષ્ટ્રીય સુરક્ષા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સરખી જવાબદારી ઉપાડે. કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય સુરક્ષા નિધિ માટે એક ચોક્કસ રકમ અનામત રાખવા માગે છે. બાકીનું ભંડોળ રાજ્યોના વિકાસ તરફ વાળવા માગે છે.
જો આવું થશે તો રાજ્યોને મળતા કેન્દ્રીય ભંડોળમાં ઘટાડો થશે, રાજ્યોની આવક ઘટશે. રાજ્યો ખેડૂતોના દેવાની માફીના કારણે અને વીજ કંપનીઓની પુનઃરચનાના કારણે દેવાનાં બોજમાં છે. આરબીઆઈના ઑક્ટોબરના અહેવાલમાં જણાવાયું હતું કે 2017-19 દરમિયાન મૂડીરોકાણ ઘટ્યું છે. હાલના નાણાંકીય અહેવાલોમાં જણાવાયું છે કે રાજ્યોને કેન્દ્ર તરફથી મોટું ભંડોળ મળ્યું છે અને તેના કારણે રાજ્યોમાં વેરાની આવક અને બિનવેરાની આવક પર ધ્યાન કેન્દ્રીત થઈ રહ્યું નથી.
કેન્દ્ર સરકારે લોકોના હિતમાં નીતિઓ તૈયાર કરી શકાય તે માટે નાણાં પંચની રચના કરી હતી, પણ કેન્દ્ર જ હવે નાણાં પંચની ભાવનાને હાની કરી રહ્યું છે. મંદી કરતાં પણ આ જોખમ વધારે મોટું છે.