નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોની મૂળ કંપની જિયો પ્લેટફોર્મ્સને ફેસબુકથી કંપનીમાં 9.99 ટકા ભાગીદારી માટે 43,574 કરોડ રુપિયા પ્રાપ્ત થયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે મંગળવારે શેર બજારને આપેલી સૂચનામાં આમ જણાવ્યું હતું.
જિયો પ્લેટફોર્મ્સ અને ફેસબુકની વચ્ચે સમજૂતીની જાહેરાત 22 એપ્રિલે થઇ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કહ્યું કે, 'બધી જરુરી મંજૂરી મળ્યા બાદ કંપનીની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડને ફેસબુકની પૂર્ણ પેટાકંપની જાદૂ હોલ્ડિંગ્સ, એલએલસીથી 43,574 કરોડ રુપિયાની રકમ મળી છે.' ફેસબુકે જિયો પ્લેટફોર્મ્સમાં 4.62 લાખ કરોડ રુપિયાના ઉપક્રમ મૂલ્ય પર 9.99 ટકા ભાગીદારી કરી છે.
15 જૂલાઇએ થશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમ
રિલાયન્સની વાર્ષિક સામાન્ય સભા પર બધાની નજર ટંકાયેલી છે. આગામી અઠવાડિયે 15 જૂલાઇએ થનારી એજીએમમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણી કેટલીય જાહેરાત કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, તેમાં સાઉદી અરામકોની ડીલ, જિયોની આગળ વિસ્તાર યોજના અને તેના આઇપીઓ પર અંબાણી અમુક વાતો કરી શકે છે.