મુંબઇ: યશ બેંકના સ્થાપક રાણા કપૂરની EDની કસ્ટડીમાં બુધવારે વિશેષ અદાલતે 16 માર્ચ સુધીનો સમય વધાર્યો હતો, જેને પૈસાના સોદાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન EDએ વિશેષ PMLA કોર્ટને જણાવ્યું હતું કે, કપૂરે તેમના કાર્યકાળ દરમિયાન વિવિધ કંપનીઓને 30,000 કરોડ રૂપિયાની લોન આપી હતી.
પ્રાઇવેટ બેંકના ભૂતપૂર્વ MD અને CEO 62 વર્ષીય કપૂરને રવિવારે ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેઓ તપાસમાં સહકાર નથી આપી રહ્યા.
અગાઉ તેમને માર્ચ 11 સુધી ઇડી કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. બુધવારે તેમનો રિમાન્ડ સમાપ્ત થતાં તેમને વિશેષ અદાલતના ન્યાયાધીશ પી પી રાજવૈદ્યા સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા.કોર્ટે તેમની ઇડી કસ્ટડી 16 માર્ચ સુધી વધારી દીધી હતી કારણ કે સેન્ટ્રલ ઇન્વેસ્ટમેંટ એજન્સીએ તેની વધુ તપાસ માટે માંગ કરી હતી.
યસ બેન્ક બંધ થયા પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી ઝડપી બની ગઈ છે. 20 કલાકની પૂછપરછ પછી રવિવારે વહેલી સવારે 3 વાગે યસ બેન્કના ફાઉન્ડર રાણા કપૂરની ધરપકડ કરાઈ હતી. ઇડીએ કપૂરની પત્ની અને પુત્રીઓના નિવાસ સ્થાને પણ દરોડા પાડ્યા હતા. કોર્ટે રાણા કપૂરને 11 માર્ચ સુધી રિમાન્ડ પર મોકલ્યા હતા. રાણાના વરલી સ્થિત સમુદ્ર મહેલ ઘરેથી 44 મોંઘા પેઇન્ટિંગ્સ, 2000 કરોડના રોકાણ અને 20થી વધુ શૅલ કંપનીના દસ્તાવેજ મળ્યાં છે. દરમિયાનમાં કપૂર પરિવાર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ હોવાથી તેમની પુત્રી રોશની કપૂરને રવિવારે સાંજે મુંબઈ એરપોર્ટ પરથી લંડન જતી અટકાવાઈ હતી.
સીબીઆઈએ રાણા કપૂર, કપૂર પરિવારની કંપની ડ્યુએટ અર્બન વેન્ચર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને ડીએચએફએલના પ્રમોટર ડાયરેક્ટર કપીલ વાધવાન સામે ગુનાહિત કાવતરુ, છેતરપિંડી અને ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો છે. સીબીઆઈના સૂત્રોએ કહ્યું છે કે કપૂરે વાધવાનને યસ બેન્ક દ્વારા આર્થિક મદદ પહોંચાડવા માટે ષડયંત્ર રચ્યું અને બદલામાં વાધવાન પાસેથી ફાયદો મેળવ્યો હતો.