- વ્હાઇટ ગૂડ્સના ઉત્પાદન માટે 52 કંપનીઓએ અરજી કરી
- વિશ્વની ટોચની કંપનીઓએ AC અને LEDના ઉત્પાદન માટે PLI યોજના માટે અરજી કરી
- 5 વર્ષમાં દેશમાં 2.71 લાખ કરોડ રૂપિયાની વ્હાઇટ ગૂડ્સનું ઉત્પાદન થશે
નવી દિલ્હી: સરકારની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેંટિવ (PLI) યોજના હેઠળ વ્હાઇટ ગૂડ્સના ઉત્પાદન માટે 52 કંપનીઓ સહિત કેટલીક સૌથી મોટી વૈશ્વિક બ્રાન્ડ્સે દેશમાં એર કન્ડીશનરના પાર્ટ્સ અને એલઈડીના ઉત્પાદન માટે PLI યોજના હેઠળ આવેદન કર્યું છે. આ કંપનીઓએ 5,800 કરોડ રૂપિયાથી વધારેના રોકાણ કરવાની તૈયારી દર્શાવી છે.
2.71 લાખ કરોડ રૂપિયાની વ્હાઇટ ગૂડ્સનું ઉત્પાદન થશે
એક સત્તાવાર અનુમાન પ્રમાણે આનાથી આગામી 5 વર્ષમાં દેશમાં 2.71 લાખ કરોડ રૂપિયાના વ્હાઇટ ગૂડ્સનું ઉત્પાદન થશે. ઉલ્લેખનીય છે કે આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવનારી વસ્તુઓ જેવી કે AC, ફ્રીજ, વૉશિંગ મશીન અને વીજળીના ઘરેલૂ સાધનો વગરેને વ્હાઇટ્સ ગૂડ્સના નામથી ઓળખવામાં આવે છે.
આ ટોચની કંપનીઓએ અરજી કરી
અધિકારીઓએ કહ્યું કે, ડાઇકિન (Daikin), પેનાસોનિક (Panasonic), હિતાચી (Hitachi),મેટટ્યૂબ (mettube), વોલ્ટાસ (Voltas), બ્લૂસ્ટાર (Bluestar), હૈવેલ્સ (havells), આરકે લાઇટિંગ (RK Lighting) જેવી અનેક ટોચની કંપનીઓએ AC અને LED લાઇટ્સના જરૂરી પાર્ટ્સ બનાવવા માટે અરજી કરી છે.
80 કંપનીઓ 5 હજાર કરોડનું રોકાણ કરશે
80 કંપનીઓએ AC સ્પેરપાર્ટ્સના નિર્માણ માટે લગભગ 5,000 કરોડ રૂપિયાના રોકાણ માટે તૈયારી દર્શાવી છે અને 21 કંપનીઓએ LED માટે 871 કરોડ રૂપિયાના રોકાણ માટે તૈયારી દર્શાવી છે. એ પાર્ટ્સના ઉત્પાદન માટે પણ અરજીઓ દાખલ કરવામાં આવી છે જેનું ભારતમાં સારા પ્રમાણમાં નિર્માણ નથી થતું.
White Goods માટે PLI યોજના
આ વર્ષે એપ્રિલમાં સરકારે આગામી 5 વર્ષો માટે 6238 કરોડ રૂપિયાના બજેટ સાથે વ્હાઇટ ગૂડ્સ સેક્ટર માટે એક PLI યોજનાને મંજૂરી આપી હતી. DPIIT દ્વારા યોજનાને સૂચિત કરવામાં આવી હતી અને અરજી જમા કરવાની અંતિમ તારીખ ગઈકાલે (15 સપ્ટેમ્બર) હતી. સરકાર આ અરજીઓ પર બે મહિનાની અંદર નિર્ણય લેશે.
2 લાખ રોજગારીની તકો ઊભી થશે
વ્હાઇટ ગૂડ્સ માટે PLI યોજનાને ભારતમાં એર કન્ડીશનર અને LED લાઇટ ઉદ્યોગ માટે એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવવા અને દેશને વૈશ્વિક પુરવઠા સાંકળનો અભિન્ન ભાગ બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે. આ યોજના હેઠળ માત્ર એસી અને એલઇડી લાઇટના પાર્ટ્સ ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવશે. આ યોજનાથી આગામી 5 વર્ષમાં લગભગ 2 લાખ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગારીની તકો પેદા થવાની આશા છે અને ડૉમેસ્ટિક વેલ્યૂ એડિશન તૈયાર પ્રોડક્ટના મૂલ્યના હાલના 15-20% થી વધારીને 75-80% કરવાની અપેક્ષા છે.
વધુ વાંચો: મોદી સરકારના મોટા નિર્ણય, ટેલીકોમ સેક્ટરમાં 100% FDI, ઑટો સેક્ટર માટે PLI સ્કીમને પણ મંજૂરી
વધુ વાંચો: સરકારે 10683 કરોડ રૂપિયાની ટેક્સટાઇલ PLI સ્કીમને આપી મંજૂરી, સાડા સાત લાખ લોકોને મળશે રોજગારી