- સોનાના વાયદા ભાવમાં ઘટાડો
- સોનાની વધુ આયાત છતા માંગ ઓછી રહી
- તહેવારોની સીઝનમાં ગ્રાહકો વધશે તેવી ડીલરોને આશા
હૈદરાબાદ: આજે સ્થાનિક બજારમાં સોનાના વાયદા ભાવમાં (Gold prices in the domestic market) સતત બીજા દિવસે ઘટાડો થયો છે. MCX પર સોનાનો વાયદા ભાવ 0.35 ટકા ઘટીને 46,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. ચાંદી 0.6 ટકા નીચે 60,623 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગઈ. સોનું ગત વર્ષે ઉચ્ચત્તમ સ્તર (56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ)થી હજુ પણ 9,600 રૂપિયા નીચે છે.
ઓગષ્ટમાં સોનાની ભૌતિક માંગ નબળી રહી
ઑગસ્ટમાં સોનાની વધુ આયાત (imports of gold) છતાં ભારતમાં સોનાની ભૌતિક માંગ નબળી રહી. સ્થાનિક ડીલરોને આશા છે કે તહેવારોની સીઝનમાં વધુ ગ્રાહકો આવશે. ગત સત્રમાં સોનામાં 0.8 ટકાની તેજી આવી હતી, જ્યારે ચાંદીમાં 0.65 ટકાનો ઉછાળો આવ્યો હતો.
ડોલર ઇન્ડેક્સ 2021ની ઉચ્ચ સપાટીની નજીક
વૈશ્વિક બજારોમાં મજબૂત ડોલર અને ઉચ્ચ અમેરિકન ટ્રેજરીના દબાણમાં આજે સોનાની કિંમતોમાં ઘટાડો આવ્યો. આ અઠવાડિયાના અંતમાં આવનારા મહત્વપૂર્ણ યુએસ નોન-ફાર્મ પેરોલ ડેટા પહેલા રોકાણકારો સાવધ રહ્યા. સ્પોટ સોનું 0.3 ટકા ઘટીને 1,755.05 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ડોલર ઇન્ડેક્સ 2021ની ઉચ્ચ સપાટીની નજીક હતો. અન્ય કિંમતી ધાતુઓમાં ચાંદી 0.9 ટકા ઘટીને 22.46 ડોલર પ્રતિ ઔંસ થઈ છે.
રત્નો અને આભૂષણોની નિકાસ વધી
અસમાન વૈશ્વિક આર્થિક સુધારો અને ડૉલરની સરખામણીએ રુપિયામાં ઉતાર-ચઢાવથી કિંમતી ધાતુઓની કિંમત પ્રભાવિત થઈ છે. સોનાને ફુગાવા અને ચલણના અવમૂલ્યન સામે બચાવ તરીકે જોવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે દેશની રત્નો અને આભૂષણોની નિકાસ ઓગષ્ટ, 2021માં વધીને રેકોર્ડ 24,239.81 કરોડ રૂપિયા થઈ ગઈ.
તહેવારોની સીઝનમાં માંગમાં વધારો
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)એ જણાવ્યું હતું કે, તહેવારોની સીઝનમાં માંગમાં વધારો અને પ્રવેશ પ્રતિબંધ હટાવવાને કારણે નિકાસ વધી છે. જેમ એન્ડ જ્વેલરીની નિકાસ ઓગષ્ટ, 2020 માં 13,160.24 કરોડ રૂપિયા અને ઓગષ્ટ, 2019 માં 20,793.80 કરોડ રૂપિયા હતી. GJEPCના ચેરમેન કોલિન શાહે કહ્યું કે, જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ ફ્રન્ટ 2021-22માં અત્યાર સુધી તંદુરસ્ત રિકવરી દર્શાવે છે.
આ પણ વાંચો: સપ્તાહના ત્રીજા દિવસે આજે Share Marketની મજબૂત શરૂઆત, નિફ્ટી 17,800ને પાર
આ પણ વાંચો: LPG Price Hike : સામાન્ય માણસને આંચકો, LPG સિલિન્ડરની કિંમત વધી, જાણો કેટલી થઇ કિંમત?