તાતા મોટર્સને 31 માર્ચેના રોજ પૂરા થયેલા ચોથા ત્રિમાસિકગાળાનો નફો 49 ટકા ઘટી રૂપિયા 1,108 કરોડ રહ્યો છે. તાતા મોટરની આવક ઘટી છે, તેમજ બ્રિટિશ કંપની જગુઆર લેન્ડ રોવરના બિઝનેસ સાથે જોડાયેલ વિશેષ જોગવાઈઓને કારણે ટાટા મોટરનો નફો ઘટ્યો છે. આ પરિણામ પછી મંગળવારે ટાટા મોટરના શેરના ભાવ ઘટાડો આવ્યો હતો.
તાતા મોટરના મુખ્ય નાણાંકીય અધિકારી પી.બી. બાલાજીએ પત્રકારોને કહ્યું કે, ત્રીજા ત્રિમાસિકગાળામાં ખોટ આવ્યા પછી ચોથા ત્રિમાસિકગાળામાં અમે ફરીથી નફામાં આવ્યા છીએ. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, નાણાંકીય વર્ષ 2018-19માં કંપનીને રૂપિયા 28,724.20 કરોડની કુલ ખોટ થઈ છે. જ્યારે તેની પહેલાના વર્ષે રૂપિયા 9,091.36 કરોડનો ચોખ્ખો નફો થયો હતો.
કંપનીની કુલ આવક ચાલુ નાણાંકીય વર્ષમાં રૂપિયા 3,04,903 કરોડ રહી હતી, જ્યારે તેની અગાઉના વર્ષ 2017-18માં રૂપિયા 2,96,298 કરોડ રહી હતી. કંપનીએ જણાવ્યું કે, ત્રિમાસિકગાળા દરમિયાન જેએલઆર દ્વારા સ્વૈચ્છિક સેવાનિવૃતિ કાર્યક્રમ ચલાવ્યો હતો, જેના માટે 1,367.22 કરોડના ખર્ચની અલગ જોગવાઈ કરવી પડી હતી,
તાતા મોટરના ચેરમેન એન ચંદ્રશેખરનનું કહેવું છે કે, બજારના પડકારોની વચ્ચે અમારો સ્થાનિક બિઝનેસ ટકેલો રહ્યો છે. અમે ઈનોવેશનની ગતિને ઝડપી કરી છે અને અમારા બજારની હિસ્સેદારીને વધારી છે અને નફામાં પણ વધારો કર્યો છે. અમારી બીજી રણનીતિ પણ યોગ્ય રીતે કામ કરી રહી છે. મને વિશ્વાસ છે કે, લાંબાગાળા માટે અમે સફળતા મેળવીશું. જેએલઆરના મામલામાં અમને ચીન તરફથી પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, પણ અમે તેની સામે લડી રહ્યા છીએ.
અત્રે નોંધનીય છે કે ઓટો સેકટરની હાલત બરાબર નથી. દેશમાં એપ્રિલ મહિનામાં ઓટો સેકટરનું વેચાણ 8 વર્ષમાં સૌથી નીચી સપાટીએ રહ્યું છે. દેશમાં પેસેન્જર વાહનો અને યાત્રી વાહનોનું વેચાણ એપ્રિલ મહિનામાં 17 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે.