નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અર્થતંત્ર પર કોરોના વાઇરસ રોગચાળાના પ્રભાવની સમીક્ષા કરી હતી. તેમણે નાણાપ્રધાન નિર્મલા સીતારામન સાથે અસરગ્રસ્ત વિસ્તારોને રાહત આપવા માટે અને અન્ય ઉત્તેજના પેકેજો માટેના સંભવિત પગલાઓ પર પણ ચર્ચા કરી હતી.
કોવિડ-19 રોગચાળા દ્વારા સર્જાયેલી પરિસ્થિતિએ નાના ઉદ્યોગોથી લઇને ઉડ્ડયનને ઘણું નુકસાન પહોંચ્યું છે, ત્યારે મોદીએ નાણાં પ્રધાન સીતારામન સાથે આ અંગે ચર્ચા કરી છે. આ રોગને રોકવા માટે પરિવહન સેવાઓ અને અન્ય કામ પર પ્રતિબંધ હોવાને કારણે લાખો નોકરીઓ ગુમાવવાની સંભાવના છે.
ગરીબ અને જરૂરીયાતમંદોની સમસ્યા ઓછી કરવા માટે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ગયા મહિને જ 1.7 લાખ કરોડના પ્રોત્સાહક પેકેજની જાહેરાત કરી હતી. જેમાં ત્રણ મહિના સુધી મફત રાશન અને રાંધણ ગેસ અને મહિલાઓ અને ગરીબ વરિષ્ઠ નાગરિકોને રોકડ સહાય પૂરી પાડવાની સહિતની અન્ય બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.