GSTNની GSTના અમલમાં મોટી ભૂમિકા છે. તે કેન્દ્રનાં કરદાતાઓ, રાજ્ય સરકારના કરદાતાઓ અને અન્ય પક્ષોને GST માટે માળખાગત સુવિધાઓ અને આવશ્યક સુવિધાઓ પ્રદાન કરે છે. કુમારે કહ્યું હતું કે, GSTના અમલીકરણથી અપ્રત્યક્ષ કર ક્ષેત્રની જટિલતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
GSTના અમલથી વેપારીઓ દ્વારા ભરનાર ફોર્મની સંખ્યા ઘટીને માત્ર 12 થઈ ગઈ છે. જ્યારે આ પહેલા વિવિધ કેન્દ્રિય અને રાજ્ય કાયદા હેઠળ 495 જેટલા ફોર્મ ભરવાના હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે, પરોક્ષ વેરા વહીવટ હવે આયકર વિભાગ સાથે પણ ડેટા શેર કરે છે. સરકારની આ પહેલથી કરચોરી પકડવામાં મદદ મળશે. GST હેઠળ હાલમાં 1 કરોડ 23 લાખ કરદાતાઓ નોંધાયેલા છે.
GST પરિષદ વિશે કાઉન્સિલના વિશેષ સચિવ રાજીવ રંજને જણાવ્યું હતું કે, GSTથી ઉદ્યોગપતિઓને ધંધા માટે જરૂરી વિવિધ સુવિધાઓના ખર્ચમાં ઘટાડો થયો છે. આ સાથે જ નવી પરોક્ષ વેરા પ્રણાલીમાં વિવિધ માલના દરમાં ઘટાડો કરવાથી કિંમતમાં પણ ઘટાડો થયો છે અને મોંઘવારી નિયંત્રણમાં આવી છે.