નવી દિલ્હી: કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે દેશમાં લાગુ 21 દિવસના લોકડાઉનને લીધે માર્ચ મહિનામાં ઇંધણ વપરાશમાં લગભગ 18 ટકાનો ઘટાડો થયો છે. એક દાયકા કરતા પણ વધુ સમયમાં દેશમાં ઇંધણના વપરાશમાં આ સૌથી મોટો ઘટાડો છે.
સત્તાવાર આંકડા મુજબ,છેલ્લા એક મહિના દરમિયાન ડીઝલ, પેટ્રોલ અને વિમાનના ઇંધણની માંગ ઘટી જવાને કારણે પેટ્રોલિયમ પેદાશોનો વપરાશ 17.79 ટકા ઘટીને 160.8 લાખ ટન થઈ ગઇ છે.
સૌથી વધુ વપરાશમાં લેવાતા ઇંધણ, ડીઝલની માંગમાં 24.23 ટકાનો ઘટાડો થયો છે અને તે 56.5 લાખ ટન પર આવી ગયો છે. મોટાભાગના ટ્રકો અને ટ્રેનો ઉભી રહી જવાના કારણે આ ઘટાડો થયો છે.
ડીઝલ વપરાશમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ઘટાડો છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન પેટ્રોલ વપરાશ 16.37 ટકા ઘટી 21.5 લાખ ટન પર આવી ગયું છે.