નવી દિલ્હી: સરકારે આંતરરાષ્ટ્રીય નાણાંકીય સેવાઓ કેન્દ્રો (આઈએફએસસી)માં તમામ નાણાંકીય સેવાઓ નિયમન માટે આંતરરાષ્ટ્રીય નાણાંકીય સેવાઓ કેન્દ્ર સત્તાધિકારની સ્થાપના કરી છે. આ એકીકૃત સત્તાનું મુખ્ય મથક ગુજરાતના ગાંધીનગરમાં રેહશે.
હાલમાં ઘણા નિયમનકારો-આરબીઆઈ, સિક્યોરિટીઝ અને એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) અને ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (આઈઆરડીએઆઇ) - આઈએફએસસીમાં બેંકિંગ, મૂડી બજારો અને વીમા ક્ષેત્રને નિયંત્રિત કરે છે.
એક સૂચના અનુસાર, "કેન્દ્ર સરકારે 27 એપ્રિલ, 2020ના રોજ આંતરરાષ્ટ્રીય નાણાંકીય સેવાઓ કેન્દ્ર સત્તામંડળની સ્થાપના કરી છે અને આ સત્તાનું મુખ્ય કાર્યાલય ગાંધીનગર ગુજરાત ખાતે રહેશે."
ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપના સીઇઓ તપન રાયે ગાંધીનગરમાં આઈએફએસસી ઓથોરિટીનું મુખ્ય મથક સ્થાપિત કરવાના સરકારના નિર્ણયને આવકાર્યો છે.