નવી દિલ્હી: ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ (સેબી)એ કહ્યું કે, કેપિટલ અને બોન્ડ માર્કેટ્સ સાથે સંકળાયેલા સર્વિસ પ્રોવાઇડર્સ લોકડાઉનના વિસ્તૃત સમયગાળા દરમિયાન પણ પોતોનું કામ ચાલુ રાખશે. મહત્વનું છે કે, સરકારે દેશમાં કોરોના લોકડાઉનને 17 મે સુધી લંબાવી દીધું છે.
કેન્દ્ર સરકારે શુક્રવારે 3 મે પછી બે અઠવાડિયા સુધી દેશભરમાં લોકડાઉન લંબાવાની જાહેરાત કરી છે. જે દરમિયાન આંતરરાજ્ય વાહનવ્યવહાર, હવાઈ અને રેલવે મુસાફરી સ્થગિત રહેશે. જો કે, કોરોના વાઈરસના પ્રભાવિત ક્ષેત્રને આધારે કેટલીક છૂટછાટ મળી છે.
ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ, સેબી અને તેના સૂચિત સ્ટોક, મૂડી અને બોન્ડ બજારો સંબંધિત સેવા પ્રદાન કરનારનું કામ વધતા લોકડાઉનમાં પણ ચાલુ રહેશે. સેટલમેન્ટ-ડિપોઝિટરી સાથે સંકળાયેલા વેપારીઓને અને શેર ટ્રાન્સફર એજન્ટોને હાલ રાહત આપવામાં આવી છે.
આ ઉપરાંત ક્રેડિટ રેટિંગ એજન્સીઓ, ડિબેંચર ટ્રસ્ટીઓ, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો, પોર્ટફોલિયો મેનેજર, વૈકલ્પિક રોકાણ ભંડોળ અને રોકાણ સલાહકારો પણ પોતાનું કામ ચાલુ રાખશે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ કહ્યું કે, આ ઓર્ડર 4 મે પછીના બે અઠવાડિયા માટે માન્ય રહેશે.