જોશીમઠ(ઉત્તરાખંડ): હિમાલયની તળેટીમાં આવેલ જોશીમઠ શહેર એક વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આ શહેર જમીન ધસી પડવાની ઘડીઓ ગણી રહ્યું છે. જેના મુખ્ય કારણોમાં અનિયોજિત બાંધકામ, વધી રહેલું શહેરીકરણ, વધી રહેલ વસ્તીનો સમાવેશ થાય છે. આ કારણોને લીધે આ શહેર પોતાના જ વજન નીચે દબાઈ રહ્યું છે. છેલ્લા 3 વર્ષોમાં જમીન ધસી પડવાની સમસ્યા આ શહેરમાં ગંભીર બની રહી છે. જેનાથી જોશીમઠના લોકો સ્થળાંતરીત પણ થઈ રહ્યા છે. પર્યવારણ નિષ્ણાતો અને વિવિધ રિપોર્ટસમાં જોશીમઠમાં જમીન ધસી પડવાની સમસ્યાને નિવારવા જે પગલા ભરવામાં આવે છે તેને અપૂરતા ગણાવ્યા છે.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં પહાડો પર વસેલું છે જોશીમઠ શહેર. આ શહેર 6,107 ફીટની ઊંચાઈ પર સ્થિત છે. આ શહેરમાં અનેક પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓને આકર્ષતા મુખ્ય આકર્ષણમાં ધી ગ્લોબલ સ્કિઈંગ ડેસ્ટિનેશન ઓલી, બદ્રીનાથ મંદિર, હેમકુંડ સાહીબ અને ધી વેલી ઓફ ફલાવર્સ જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામી છે તેનો સમાવેશ થાય છે. જોશીમઠ વર્ષ 1962માં બહુ પ્રચલિત થયું, કારણ કે આ વર્ષમાં ભારત ચીન યુદ્ધ દરમિયાન ભારતીય સેનાએ જોશીમઠનો એક સ્ટેશનના રુપમાં ઉપયોગ કર્યો હતો.
આ શહેર જમીન ધસી પડતી હોય તેવા વિસ્તારમાં આવેલું છે. ઉત્તરાખંડ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (USDMA) અનુસાર આ શહેરમાં સૌથી પહલું ભૂ સ્ખલન 1976માં મિશ્રા સમિતિના રિપોર્ટમાં કરવામાં આવ્યું હતું. USDMA અનુસાર આ શહેરની ભૌગોલિક પરિસ્થિતિને લીધે વારંવાર ભૂ સ્ખલનની ઘટનાઓ ઘટે છે. જેમાં બારેમાસ વહેતી ધસમસતી નદીઓ, પહાડો પર થતી હિમવર્ષા તેમજ વારંવાર ધસી પડતા ખડકોનો સમાવેશ થાય છે.
વર્ષ 2021માં 17 ઓક્ટોબરના રોજ જોશીમઠમાં એક જ દિવસમાં 190 મિમી વરસાદ ખાબક્યો હતો. જેનાથી ભૂ સ્ખલન થવાની સંભાવનાઓ વધી ગઈ. વર્તમાનમાં સેટેલાઈટનો ડેટા દર્શાવે છે કે મુશળધાર વરસાદને પરિણામે પર્વતીય જળધારાઓએ પોતાનો માર્ગ બદલી કાઢ્યો છે અને આ માર્ગ પહોળો પણ થઈ ગયો છે. જેનાથી ઢાળવાળા આ વિસ્તારમાં જોખમ ખૂબ વધી ગયું છે.
સૌથી પહેલા વર્ષ 2021માં ગાંધીનગર અને સુનિલ વોર્ડના રહેવાસીઓને પોતાના મકાનમાં તિરાડો જોવા મળી હતી. વર્ષ 2022ના મધ્ય સુધીમાં રવિગ્રામ વોર્ડના મકાનોમાં તિરાડો પડવા લાગી. વર્ષ 2022માં USDMAના રિપોર્ટમાં વારંવાર ભૂ સ્ખલનના મુખ્ય કારણો પૈકીનું એક કારણ ખરાબ ડિઝાઈનવાળી ઈમારતોને ગણવામાં આવ્યું. રિપોર્ટમાં જણાવાયું કે, ઈમારતો સુધી પાણી પહોંચાડવામાં અને ડ્રેનેજ સીસ્ટમને લીધે સ્થિતિ બદતર થઈ ગઈ. પર્યાવરણ નિષ્ણાતોએ હિમાલય ક્ષેત્રને સત્વરે સંવેદનશીલ વિસ્તાર જાહેર કરવા અનુરોધ કર્યો છે જેથી આ વિસ્તારને સુરક્ષિત કરી શકાય.
સ્વદેશી જાગરણ મંચની ગોળમેજી પરિષદમાં આ સમસ્યાને લઈને એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં નિષ્ણાતોએ જોશીમઠમાં ભૂ સ્ખલન નિવારવા કરવામાં આવતા ઉપાયોને અપર્યાપ્ત ગણાવ્યા હતા. તેમણે ચાર ધામ રેલવે પરિયોજનાનું પુનઃઅવલોકન અને પુનઃ પરીક્ષણ કરવું જોઈએ તેમ જણાવ્યું હતું. આ યોજના અંતર્ગત માર્ગોને પણ પહોળા બનાવવામાં આવી રહ્યા છે જે ભૂ સ્ખલનના કારણ બની શકે છે તેથી આ યોજનાને મર્યાદિત કરવી બહુ જરુરી છે. આ પ્રસ્તાવમાં ચાર ધામ રેલવે યોજનાને ટૂરિઝમ આધારિત રાજ્ય ઉત્તરાખંડ માટે પ્રાકૃતિક સંતુલનને ખોરવતી અને નુકસાન પહોંચાડતી ગણાવાઈ છે.
આ પ્રસ્તાવમાં આગળ જણાવાયું છે કે, જોશીમઠ શહેરને ક્લાઈમેટિક કોમ્બિનેશન, જીયોમોર્ફિક અને ઈકો ટેક્ટોનિક જેવા પરિબળોને લીધે ભવિષ્યમાં ભૂ સ્ખલન જેવી ઘટનાઓનો સામનો કરવો પડશે. જોશીમઠ શહેર તેના લોકેશનને કારણે વારંવાર 5 રિક્ટર સ્કેલથી નીચેના ભૂકંપને સહન કરી રહ્યું છે. પર્યાવરણ વિદો અને સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલ હાઈ પાવર્ડ કમિટી(HPC)ના સભ્ય હેમંત ધ્યાની અનુસાર વિષ્ણુગઢ એચઈ પરિયોજનાના ભયાનક પરિણામો વિશે સરકાર જાણતી હોવા છતા જોશીમઠ અને તપોવનની આસપાસ હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી હતી.
વર્ષ 1976માં જોશીમઠની ધરતી પરના ઢોળાવને કાપવા અને વિસ્ફોટકોનો ઉપયોગ કરવા પર મિશ્રા સમિતિના રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી હતી. જોશીમઠ બચાવો સંઘર્ષ સમિતિના એક કાર્યકર્તા અતુલ સતીએ કહ્યું કે, જોશીમઠ અને તેની આસપાસ માર્ગો અને ડેમ નિર્માણમાં કોઈ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. આ સમિતિ 520 મેગાવોટની તપોવન વિષ્ણુગઢ હાઈડ્રો ઈલેક્ટ્રિક પરિયોજનાનો વિરોધ કરતી સંસ્થા છે. આ પ્રસ્તાવમાં વધુ જણાવાયું છે કે, જોશીમઠ ડૂબશે ત્યારે મોટી સંખ્યામાં નાગરિકોને સ્થળાંતર કરવું પડશે, તેમના પુનર્વાસ માટે પણ ઉપાયો કરવા પડશે.
જોશીમઠના માર્ગો પર આ શહેરના રહીશો ધસી પડતી ભૂમિની સમસ્યાને નિવારવા માટે અનેકવાર પ્રદર્શન કરી ચૂક્યા છે. જોશીમઠ બચાવો સંઘર્ષ સમિતિ અનુસાર અસરગ્રસ્ત લોકોને સહાય અને સ્થાયી પુનર્વસન માટેની જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી આ રેલી કરવામાં આવી હતી. પર્યાવરણ નિષ્ણાતો અને USDMA દ્વારા ભૂ સ્ખલનનું કારણ ભૂસ્તર જળની સપાટી ગણાવાઈ છે. સૌથી પહેલા પાણી માટે વૈકલ્પિક નિકાસી માર્ગ શોધવો બહુ જરુરી છે, કારણ કે સપાટી પર માનવીય ગતિવિધિઓને લીધે પાણીને જવા માટે માર્ગ મળતો નથી. બીજુ જોશીમઠમાં વપરાયેલ પાણી અને ડ્રેનેજ માટે કોઈ પ્રાથમિક માળખું જ નથી.
ઊંચાઈ પર હોટલો અને ઈમારતોના નિર્માણને કારણે સ્વચ્છતા જળવાતી નથી. જેનાથી જોશીમઠ વધુ અસ્થિર અને વજનદાર બનાવે છે. આ કારણોથી આજે જોશીમઠનું સમગ્ર ક્ષેત્ર ડૂબી રહ્યું છે અને તેને બચાવવા માટેનો કોઈ રસ્તો નથી. માનવીય લાલચમાં આવીને તથાકથિત વિકાસને મંજૂરી આપી શકાય નહીં. આ સમસ્યાનું કાયમી અને નક્કર નિરાકરણ લાવવું જ રહ્યું. આ નિરાકરણ કુદરતી આવાસ અને માનવો બંનેને બચાવી શકવા સક્ષમ હોવું જોઈએ. નિષ્ણાતો વધતા જતા ટૂરિઝમની વિરોધમાં નથી પરંતુ પર્યાવરણને નુકસાન પહોંચાડીને કમાણી કરવાથી મોટા કુદરતી નુકસાનનો ભોગ બનવાની વિરુદ્ધ છે.