ન્યૂઝ ડેસ્કઃ હૃદય અને રક્તવાહિનીઓને લગતી બીમારીઓ તેમજ તેના નિવારણ અને તેની વૈશ્વિક અસર અંગે લોકોમાં જાગરૂકતા વધારવા માટે દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હૃદય દિવસ - વર્લ્ડ હાર્ટ ડે મનાવવામાં આવે છે. વર્લ્ડ હાર્ટ ફેડરેશન (WHF) વર્લ્ડ હાર્ટ ડેનું આયોજન કરે છે, જે દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવનારું આંતરરાષ્ટ્રીય અભિયાન છે. સ્ટ્રોક્સ સહિતની કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝીસ (CVD) એટલે કે હૃદયને લગતી બીમારીઓ અડધોઅડધ બિનસંક્રમિત બીમારીઓ માટે જવાબદાર છે. જેને પગલે તે વિશ્વમાં મોતનું સૌથી મોટું કારણ બની છે.
ઈતિહાસ અને મહત્ત્વ
- વર્ષ 1999માં વર્લ્ડ હાર્ટ ફેડરેશન (WHF)એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) સાથે મળીને વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી શરૂ કરી હતી. આ દિવસની ઉજવણીનો વિચાર વર્ષ 1997-1999 દરમિયાન વર્લ્ડ હાર્ટ ફેડરેશનના પ્રમુખ એન્ટોની બેય્સ દ લ્યુનાને આવ્યો હતો. આ અગાઉ વર્ષ 2011 સુધી વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી સપ્ટેમ્બરના છેલ્લા રવિવારે કરવામાં આવતી હતી અને સૌપ્રથમ ઉજવણી 24 સપ્ટેમ્બર 2000ના રોજ થઈ હતી.
- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના અનુમાન મુજબ વિશ્વમાં દર વર્ષે 1.79 કરોડથી વધુ લોકો હૃદયને લગતી બીમારીઓને કારણે મૃત્યુ પામે છે. આ સંખ્યા વિશ્વમાં દર વર્ષે થતાં કુલ મૃત્યુનો 31 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. આમાંના એક તૃતિયાંશ મૃત્યુ સમય કરતાં વહેલા (70 વર્ષથી ઓછી વયે) હોય છે. હૃદયને લગતી તમામ બીમારીઓના આશરે 80 ટકા બીમારીઓ હૃદય રોગના હુમલા કે સ્ટ્રોક્સ સ્વરૂપે હોય છે અને 70 ટકા કેસો ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોના હોય છે.
હૃદયને લગતી બીમારીઓ અને તેનાં કારણો
- WHOના જણાવ્યા પ્રમાણે, હૃદયને લગતી બીમારીઓએ હૃદય અને રક્ત વાહિનીઓના કામકાજમાં એક કરતાં વધુ ગરબડ - અવ્યવસ્થાને કારણે સર્જાય છે. તેમાં કોરોનરી હાર્ટ ડિસીઝ, સેરેબ્રોવાસ્ક્યુલર ડિસીઝ, રુમેટિક હાર્ટ ડિસીઝ અને કોન્જેનિટલ હાર્ટ ડિસીઝ વગેરે બીમારીઓ સામેલ છે.
- વર્ષ 2016માં હૃદયને લગતી બીમારીઓથી અંદાજે 1.79 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા, જે વિશ્વના કુલ મૃત્યુનો 31 ટકા હિસ્સો છે. તેમાંથી 85 ટકા મૃત્યુ હાર્ટ એટેક (હૃદય રોગના હુમલા) અને સ્ટ્રોકને કારણે થયાં હતાં.
- વર્ષ 2015માં 1.7 કરોડ વહેલા મૃત્યુ પામેલા (70 વર્ષથી ઓછી વયે) લોકો બિનસંક્રમિત બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા હતા, જેમાંથી 82 ટકા લોકો ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોના હતા અને 37 ટકા લોકો હૃદયને લગતી બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા હતા.
- આ બીમારીઓ મોટાભાગે બિનઆરોગ્યપ્રદ આહાર, શારીરિક નિષ્ક્રિયતા, તમાકુનો વપરાશ અને દારૂનું વધુ પડતું સેવન જેવી જીવનશૈલીની પસંદગીઓ સાથે જોડાયેલી છે અને એટલે જ તેને કેટલેક અંશે અટકાવી શકાય તેમ છે.
- જીવનશૈલીની આવી પસંદગીઓ બ્લડ પ્રેશર વધારે છે, બ્લડ ગ્લુકોઝ (ડાયાબિટીસ) વધારે છે અને સ્થૂળતા વધારે છે. આને કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક અને એવી અન્ય જટિલતાઓ વિકસવાનું જોખમ વધે છે.
ભારતમાં હૃદયની બીમારીને કારણે મૃત્યુ
- વર્ષ 1990થી 2016 દરમ્યાન અમેરિકામાં હૃદયને લગતી બીમારીઓને કારણે થતાં મૃત્યુનો દર 41 ટકા જેટલો નોંધપાત્ર રીતે ઘટ્યો છે.
- જો કે, ભારતમાં આ જ ગાળામાં હૃદયને લગતી બીમારીઓનો દર 34 ટકા વધ્યો છે અને પ્રતિ એક લાખની વસ્તીએ હૃદયને લગતી બીમારીથી 115.7 મૃત્યુનો આંક વધીને 209.1 મૃત્યુ થયો છે.
- કુલ મૃત્યુમાં ઈસ્કેમિક હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોકને કારણે થતાં મૃત્યુનો હિસ્સો ભારતમાં આશરે 15-20 ટકા, જ્યારે અમેરિકામાં 6-9 ટકા હોવાનો અંદાજ છે.
- આ ઉપરાંત, પંજાબ, કેરળ અને તામિલનાડુમાં પ્રતિ એક લાખની વસ્તીએ ઓછામાં ઓછા 5000 લોકોને હૃદયને લગતી બીમારી છે. મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ - આ બે એવાં રાજ્યો છે, જેમાં હૃદયને લગતી બીમારીપ્રતિ એક લાખ લોકોએ 3000 કરતાં પણ ઓછા લોકોને છે.
ભારતમાં હૃદયને લગતી બીમારી વધવાનાં કારણો અને તેના માટે જવાબદાર પરિબળો
- આ ઝડપભેર વધતા જતા બોજ માટે અનેક કારણો જવાબદાર છે. જેમાં આનુવંશીય પરિબળો, ગર્ભ નિર્માણ અને પ્રારંભિક જીવનના પ્રભાવો સામેલ છે. આ પાછળનું જોખમ રોગચાળાના ઝડપી સંક્રમણ, વસ્તીનું વૃદ્ધત્વ અને વસ્તીવિષયક સંબંધિત બદલીઓ, ઝડપી અને બિનઆયોજિત શહેરીકરણ તેમજ તેને પગલે થતી નકારાત્મક અસરો અને છેલ્લે આર્થિક વિકાસને પગલે બદાયેલી જીવનશૈલી જેવાં સામાજિક પરિબળોને કારણે વધે છે.
- ભારતીયોનો આહાર આખા અનાજ, પ્રોસેસ કર્યા વિનાના અને તાજા ખોરાક જેવા એક ખેડૂતના આહારમાંથી બદલાઈને પોલિશ કરેલા ચોખા અને મિલમાંથી ઘેર લાવેલા ઘઉં જેવા મોટા પાયે પ્રોસેસ થયેલા ખોરાકનો થઈ ગયો છે. આવાં અત્યંત પ્રોસેસ થયેલા ખોરાકનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ (ખોરાકમાંથી ગ્લુકોઝને વધુ ઝડપથી શોષી લેવો) ઘણો ઊંચો હોય છે અને તેમાં ફાયબર્સ નથી હોતાં, ડીપ-ફ્રાઇડ ખોરાકમાં ટ્રાન્સફેટનું પ્રમાણ ભારોભાર હોય છે, ફેટ - ચરબીનું આ સ્વરૂપ અત્યંત હાનિકારક છે અને ખોરાકમાં પ્રોટિનનું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે. છેલ્લાં 50 વર્ષોમાં હૃદયની તંદુરસ્તીને જાળવી રાખનારી શારીરિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
- ઊંચું બ્લડ પ્રેશન અને ડાયાબિટીસ જેવા રૂઢિગત જોખમી પરિબળોનું પ્રમાણ છેલ્લાં 30 વર્ષમાં અનેકગણું વધ્યું છે. ભારતમાં 20.7 કરોડ લોકોને હાયપરટેન્શન અને 7.3 કરોડ લોકોને ડાયાબિટીસ છે. તમાકુનો વપરાશ સતત વધતો જાય છે અને દર વર્ષે તમાકુ સંબંધિત બીમારીઓને કારણે દેશમાં લગભગ 10 લાખ લોકો મોતને ઘાટ ઉતરે છે. કેટલાંક રાજ્યોમાં દારૂનું સેવન સતત વધી રહ્યું છે. આ ઉપરાંત, હવાનું પ્રદૂષણ, પર્યાવરણનું પ્રદૂષણ વગેરે જેવી નવી અને ઉભરતી સમસ્યાઓને કારણે ભારતમાં હૃદયને લગતી બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે.
WHOના પગલાં
WHOના નેતૃત્ત્વ હેઠળ તમામ સભ્ય દેશો (194 દેશો) વર્ષ 2013માં નિવારી શકાય તેવી બિનસંક્રમિત બીમારીઓનું પ્રમાણ ઘટાડવા વૈશ્વિક વ્યવસ્થાંત્ર અંગે સહમત થયા હતા, જેમાં "ગ્લોબલ એક્શન પ્લાન ફોર ધ પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ એનસીડીઝ 2013-2020" સામેલ હતો. આ યોજનાનું ધ્યેય વર્ષ 2025 સુધીમાં નવ જેટલા સ્વૈચ્છિક વૈશ્વિક લક્ષ્યાંકો મારફતે બિનસંક્રમિત બીમારીઓને કારણે થતાં વહેલા મૃત્યુની સંખ્યા 25 ટકા ઘટાડવાનું છે.