પૂણેઃ ગુરુવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પૂણાના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશન સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતને ઝાટકો લાગ્યો છે. ભારતીય ઓલરાઉન્ડ હાર્દિક પંડ્યા તેની પહેલી ઓવર નાંખી રહ્યો હતો તે દરમિયાન તેની ઘૂંટીમાં ઈજા પહોંચી છે. આ ઈજાને પરિણામે તેમણે મેદાન છોડી દેવું પડ્યું છે.
કેવી રીતે થઈ ઈજા?: આ ઘટના ઈનિંગ્સની 9મી અને હાર્દિક પંડ્યાની પહેલી ઓવરના ત્રીજા બોલ વખતે બની હતી. જયારે બાંગ્લાદેશના બેટ્સમેન લિટ્ટનદાસે સ્ટેટ ડ્રાઈવ માર્યો. હાર્દિકે આ બોલને પોતાના જમણા પગથી રોકવાનો પ્રયાસ કર્યો. આમ કરતી વખતે હાર્દિક પંડ્યા લપસી પડ્યો હતો. જ્યારે હાર્દિકની નીચેથી બોલ પસાર થયો ત્યારે હાર્દિક પંડ્યાની ઘૂંટી વળી ગઈ. જેનાથી હાર્દિક પંડ્યા સંતુલન ખોઈ બેઠો અને જમીન પર પડ્યો. હાર્દિક પંડ્યાને ઊભા થવામાં બહુ મુશ્કેલી પડી અને તેમની ઘૂંટીની પાટાપીંડીમાં બહુ વિલંબ થયો. હાર્દિક ઊભો તો થઈ શક્યો પણ ઓવરના બાકી બચેલા બોલ ફેંકી શક્યો નહીં. હાર્દિક ફિઝિયોની સાથે મેદાનની બહાર જતો રહ્યો.
કોહલીએ પૂરી કરી બાકીની ઓવરઃ સ્ટાર બેટ્સમેન અને ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાની ઓવરના બાકી રહેલા ત્રણ બોલ નાંખ્યા હતા. તેમની જગ્યાએ આક્રામક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ મેદાનમાં આવ્યા હતા. હાર્દિક પંડ્યા મેચમાં રમી શકે છે કે નહીં તે જોવું રહ્યું. હાર્દિક પંડ્યાએ 3 બોલ ફેંક્યા તેમાં 8 રન આપ્યા હતા. જ્યારે કોહલીએ ઓવર પૂરી કરવા માટે હાથ ઊંચો કર્યો ત્યારે હાજર પ્રેક્ષકો ખુશીથી ઝુમી ઉઠ્યા. કોહલીએ હાર્દિકની બાકી બચેલી ઓવર એટલે કે ત્રણ બોલમાં માત્ર 2 જ રન આપ્યા.