મુઝફ્ફરપુર: મહિલા આરક્ષણ બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી છે. હવે આ એક્ટ કાયદો બની ગયો છે. પરંતુ આ મુદ્દે રાજકીય હોબાળો ચાલુ છે. RJDના મહાસચિવ અને વરિષ્ઠ નેતા અબ્દુલ બારી સિદ્દીકીએ મહિલા આરક્ષણ પર એક વિચિત્ર નિવેદન આપ્યું છે. જેને લઈને વિવાદ થયો છે. બિહારના મુઝફ્ફરપુરમાં એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે ' હવે બૉબ કટ અને લિપસ્ટિકવાળી મહિલાઓ આગળ આવશે.' સિદ્દીકીના આ નિવેદન બાદ બિહારમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે.
આરજેડી નેતા સિદ્દીકીનું વિવાદાસ્પદ નિવેદનઃ અબ્દુલ બારી સિદ્દીકી શુક્રવારે મુઝફ્ફરપુરમાં એક્સ્ટ્રીમલી બેકવર્ડ સેલના એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. જ્યાં તેમણે પછાત અને અત્યંત પછાત મહિલાઓ માટે અનામતની માંગણી પણ કરી હતી. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે "જો બૉબ કટ અને લિપસ્ટિક પાવડરવાળી મહિલાઓ સંસદમાં આવશે તો તમારી મહિલાઓને કોઈ અધિકાર નહીં મળે. જો આપવી જ હોય તો પછાત અને અતિ પછાત મહિલાઓને અનામત આપો. અતિ પછાત લોકો માટે પણ એક નિશ્ચિત ક્વોટા હોવો જોઈએ."
વિવાદ વધતાં સિદ્દીકીની સ્પષ્ટતાઃ જો કે, આરજેડી નેતા અબ્દુલ બારી સિદ્દીકીએ પોતાના કથિત નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું કે, 'આરજેડીના અત્યંત પછાત સેલની રેલી હતી, ગામની સેંકડો મહિલાઓ તેમાં આવી હતી. અમે તેમને સમજવા માટે આ ભાષાનો ઉપયોગ કર્યો. અમારો હેતુ કોઈને દુઃખ પહોંચાડવાનો નહોતો. અમારી ભાષાથી કોઈને ઠેસ પહોંચી હોય તો અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ.