તિરુમાલા : આંધ્રપ્રદેશના તિરુમાલામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં અલીપિરી-તિરુમાલા ફૂટપાથ પાસે એક ચાર વર્ષના છોકરા પર દીપડાએ હુમલો કર્યો અને તેને જંગલમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. ગુરુવારે રાત્રે બનેલી આ ઘટનામાં સ્થાનિક લોકો, શ્રદ્ધાળુઓ, સુરક્ષાકર્મીઓ અને પરિવારજનોની સતર્કતાના કારણે દીપડો બાળકને છોડીને ભાગી ગયો હતો. જેના કારણે બાળકનો જીવ બચી ગયો હતો.
આવી રીતે બની ઘટના : કુર્નૂલ જિલ્લાના ઇડોનના રહેવાસી દંપતી તેમના પુત્ર કૌશિક સાથે પગપાળા અલીપીરીથી તિરુમાલા ગયા હતા. તે પ્રથમ ઘાટ રોડ પર પ્રસન્ન અંજનેયસ્વામી મંદિર પાસે બેસીને ભોજન કરી રહ્યા હતા. તેમનો છોકરો તેમની બાજુમાં રમી રહ્યો હતો. ત્યારે અચાનક એક દીપડો બાળક પર હુમલો કરી બાળકોને ઉપાડી જંગલ તરફ ભાગી ગયો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. દુકાનદાર અને છોકરાના માતા-પિતા અને ત્યાં હાજર સુરક્ષા કર્મચારીઓએ બૂમો પાડી દીપડાની પાછળ દોડ્યા હતા. તેથી દીપડો બાળકને છોડીને ભાગી ગયો હતો.
બાળક ખતરાથી બહાર : દીપડાના હુમલામાં બાળકને ગંભીર ઇજા પહોંચી હતી. સ્થાનિક પોલીસે ઘાયલ બાળકને પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી. ત્યારપછી ઘાયલ કૌશિકને એમ્બ્યુલન્સની મદદથી તિરુપતિની પદ્માવતી ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. TTDના EO ધર્મા રેડ્ડી સારવાર લઈ રહેલા છોકરા અને તેના પરિવારને મળ્યા હતા. બાળકને કાન પાછળ અને માથામાં અન્ય જગ્યાએ ઊંડા ઘા છે. જોકે, ડોક્ટરોએ કહ્યું કે કૌશિકના જીવને કોઈ ખતરો નથી.
સ્થાનિકોમાં ભયનો માહોલ : ઉલ્લેખનીય છે કે, અવારનવાર જંગલી પ્રાણીઓના હુમલાના બનાવો બનતા હોય છે. પરંતુ સામાન્ય રીતે તે ફક્ત પશુનુ મારણ કરતા હોય છે. દીપડા જેવા હિંસક પ્રાણી રાતના અંધારામાં શિકાર કરવાનુ પસંદ કરે છે. પરંતુ આવી રીતે દિવસે બાળક પર દીપડાના હુમલાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.