રાજસ્થાન : બાલોતરા જિલ્લામાં એક મોટી રેલ દુર્ઘટના સર્જાતા પહેલા ટળી હતી. સમદડી રેલવે સ્ટેશન પાસે એક પેસેન્જર ટ્રેનનું પૈડું પાટા પરથી ઉતરી ગયું હતું. ટ્રેનના લોકો પાયલટે સમજદારી દાખવીને ઈમરજન્સી બ્રેક લગાવી હતી. જેના કારણે મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી અને ટ્રેનમાં બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણકારી મળતા જ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, ટ્રેનની સામે એક પ્રાણી આવી ગયું હતું, જેના કારણે અકસ્માત સર્જાયો હતો.
ટ્રેનનું વ્હીલ ટ્રેક પરથી ખડ્યું : મળતી માહિતી અનુસાર આ ટ્રેન જોધપુરથી પાલનપુર તરફ જઈ રહી હતી. આ દરમિયાન સમદડી રેલ્વે સ્ટેશનથી થોડે દૂર પેસેન્જર ટ્રેનની સામે એક પશુ આવતા એન્જિનના પાછળના ડબ્બાનું એક વ્હીલ પાટા પરથી ઉતરી ગયું હતું. રેલવે પાયલોટને કંઈક અજુગતું થતું હોવાનો અંદાજ આવી જતાં તેણે સમજદારી દાખવી ઈમરજન્સી બ્રેક લગાવી દીધી હતી. જેના કારણે ટ્રેનમાં બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જોકે આ ઘટનાથી ટ્રેનમાં બેઠેલા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન ઘટનાની માહિતી મળતાં જ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ટ્રેનના પાયલટની સમજદારીના કારણે મોટી દુર્ઘટના ટળી છે. ટ્રેનની બ્રેક સિસ્ટમમાં ક્ષતિ હતી. તેને રિપેર કરાવ્યા બાદ ટ્રેનને હટાવી દેવામાં આવશે. બસ દ્વારા ટ્રેન મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. -- પંકજ સિંહ (ડિવિઝન રેલવે મેનેજર, જોધપુર રેલવે ડિવિઝન)
મોટી દુર્ઘટના ટળી : ટ્રેનમાં બેઠેલા મુસાફરોના જણાવ્યા અનુસાર આ ટ્રેન જોધપુરથી રવિવારે સાંજે 7 વાગ્યે રવાના થઈ હતી. સમદડી રેલ્વે સ્ટેશન પહેલા થોડા અંતરે અચાનક ટ્રેનનો જોરદાર અવાજ આવ્યો અને બ્રેક લગાવવાને કારણે આંચકો પણ લાગ્યો હતો. અચાનક ટ્રેન રોકાવાના કારણે મુસાફરો ડરી ગયા હતા. જ્યારે મુસાફરો નીચે ઉતર્યા ત્યારે તેઓએ જોયું કે ટ્રેનના એક ડબ્બાનું એક વ્હીલ ટ્રેક પરથી નીચે ઉતરી ગયું હતું. જોકે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી.
શું બન્યું ? જોધપુર રેલવે ડિવિઝનના ડિવિઝન રેલવે મેનેજર પંકજ સિંહના જણાવ્યા અનુસાર ટ્રેનના લોકો પાયલટે તેમને ઘટના વિશે જણાવ્યું કે, સમદડી રેલ્વે સ્ટેશન પહેલા રેલવે ટ્રેક પર એક પ્રાણી આવી ગયું હતું. સલામતીના પગલાં રૂપે પાઇલટે ઇમરજન્સી બ્રેક લગાવી હતી. જોકે પ્રાણી ટ્રેનની નીચે ફસાઈ ગયું હતું, જેના કારણે એક પૈડું પાટા પરથી નીચે ઉતરી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.