નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં 13 સરકારી યુનિવર્સિટીમાં કુલપતિઓની નિમણુક અને શોર્ટ લિસ્ટિંગ માટે આવશ્યક એવી સર્ચ કમિટિ માટે લબ્ધ પ્રતિષ્ઠિત અને પ્રબુદ્ધ નાગરિકોના નામ માંગ્યા છે. જેમાં પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો, ટેકનોક્રેટ્સ, બ્યૂરોક્રેટ્સ, શિક્ષણવિદ, કાયદાવિદ તેમજ વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોના નામની યાદી માંગી છે.
પેનલમાં 3થી 5નામ આવશ્યકઃ પશ્ચિમ બંગાળની યુનિવર્સિટીઓનું કેવી રીતે સંચાલન થાય તેના પર રાજ્ય સરકાર અને રાજ્યપાલ સી.વી. આનંદ બોસના વિચારોમાં અંતર હતું. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે અલગ અલગ વિચારો અને દલીલો પર ધ્યાન આપ્યું હતું. ન્યાયાધિશ સૂર્યકાંત અને ન્યાયાધિશ દીપાંકર દત્તાની સંયુક્ત બેન્ચે 15 સપ્ટેમ્બરે કરેલા આદેશમાં કુલપતિઓના નામની અલગ અલગ પેનલ રજૂ કરવા જણાવ્યું હતું. આ પેનલમાં 3થી 5 નામ હોવા આવશ્યક હતા.
સર્ચ કમિટિની રચનાઃ આ મામલે 27 સપ્ટેમ્બરે વધુ એક સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં યુનિવર્સિટીઓના કુલપતિઓની નિમણુક માટે સર્ચ કમિટિની રચના કરવાનું નક્કી કરવામાં આવ્યું. જેમાં વિદ્વાન વકીલો નિષ્પક્ષ સલાહ આપે. આ માટે એક ચાર્ટમાં સમગ્ર માહિતી હોવી જોઈએ. જેમાં યુનિવર્સિટીઓમાં ભણાવવામાં આવતા વિષય, સર્ચ કમિટિના સભ્યોના નામ તેમજ વર્તમાનના દરેક પ્રાવધાનનો સમાવેશ હોવો જોઈએ.
આગામી સુનાવણી 6 ઓક્ટોબરેઃ સર્ચ કમિટિમાં સામેલ થનાર વ્યક્તિઓના નામ આપવા માટે હસ્તક્ષેપકર્તાઓ સ્વતંત્ર છે. તેઓ સર્ચ કમિટિમાં પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો, ટેકનોક્રેટ્સ, બ્યૂરોક્રેટ્સ, શિક્ષણવિદ, કાયદાવિદ તેમજ વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોના નામ આપી શકે છે. આ મામલે આગામી સુનાવણી 6 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.
કલકત્તા હાઈ કોર્ટના નિર્ણયને પડકારાયોઃ સુપ્રીમ કોર્ટે આજે કલકત્તા હાઈ કોર્ટે આ કેસમાં આપેલા નિર્ણય પર રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. જેમાં રાજ્યની યુનિવર્સિટીઓના કુલપતિની નિમણુકમાં રાજ્યપાલે કરેલા આદેશમાં કોઈ યોગ્યતા નહતી. તેનું કારણ આપતા રાજ્ય સરકારે જણાવ્યું કે રાજ્યપાલે યુનિવર્સિટીમાં કુલપતિની નિમણુક કરતા પહેલા ઉચ્ચ શિક્ષણ વિભાગ સાથે ચર્ચા-વિચારણા કરવી જોઈએ.