નવી દિલ્હીઃ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીએ ભુક્કા બોલાવી દીધા છે. સતત વહેલી શિતલહેરને કારણે જનજીવનને સીધી અસર પહોંચી છે. આખો દિવસ ગરમ કપડાં પહેરીને બેસી રહેવું પડે એવા દિવસો ચાલી રહ્યા છે. દેશના હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આવાનારા પાંચ દિવસ સુધી આ ઠંડીથી કોઈ રાહત મળવાના સમાચાર નથી. તારખી 18થી 20 જાન્યુઆરી સુધી ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે. જેની અસર કાશ્મીરથી લઈને ગુજરાત સુધીના રાજ્યોમાં જોવા મળશે
આ પણ વાંચોઃ તૈયાર રહેજોઃ ઓખાથી લઈ ઉમરગામ સુધીના પંથકમાં અનંતનાગ જેવી ઠંડીના એંધાણ
હિમપવનોનો મારોઃ તે જ સમયે, જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશમાં વરસાદની સંભાવના છે. અન્ય સક્રિય પશ્ચિમી વિક્ષેપ પશ્ચિમ હિમાલયના પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ ભારતના અડીને આવેલા મેદાનોને 20મીની રાતથી અસર કરે તેવી શક્યતા છે. ખાસ કરીને દિલ્હી અને એનસીઆરના હાલ બેહાલ થઈ ચૂક્યા છે. જ્યારે માઉન્ટ આબુમાં પારો માઈનસમાં જતો રહ્યો છે. સોમવારે દિલ્હીમાં વર્ષનો સૌથી ઠંડો દિવસ અનુભવાયો હતો. ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી હતી. આવનારા દિવસોમાં પારો હજું પણ ગગડે એવી પૂરી શક્યતાઓ હવામાન ખાતાએ જણાવી છે.
આ પણ વાંચોઃ સરહદી વિસ્તારમાં ઠંડીનો ચમકારો, નલિયા રાજ્યનું શીતમથક બન્યું
ગુજરાત ઠંડુગારઃ ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાતમાં પણ હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. રાજ્યભરના લોકો સતત પાંચમા દિવસે ઠંડીનો માર સહન કરી રહ્યા છે. ગુજરાતના 12 શહેરમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી ચાર દિવસ સુધી કાતિલ ઠંડી પડવાના એંધાણ છે. નલિયા 2 ડિગ્રી સાથે સૌથી ઠુંડુ શહેર નોંધાયું છે. નલિયાના લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતા 8 ડિગ્રીનો સીધો ઘટાડો નોંધાયો હતો.
આ પણ વાંચોઃ રાજકોટ પોલીસે માનવતા મહેકાવી, ઠંડીમાં 500 ધાબળાનું કર્યું વિતરણ
અમદાવાદમાં કોલ્ડવેવઃ અમદાવાદમાં ઉત્તરાયણ પછી સામાન્ય રીતે તાપમાનમાં થોડો વધારો થાય છે. પણ આ વખતે એક ધડાકે પાંચ ડિગ્રીનો સીધો ઘટાડો થતા અમદાવાદમાં કોલ્ડવેવ અનુભવાઈ રહ્યા છે. અમદાવાદમાં 7.6 ડિગ્રી તાપમાન સોમવારે નોંધાયું હતું. જે છેલ્લા દસ વર્ષનું સૌથી નીચું પાંચમા ક્રમનું તાપમાન છે. તારીખ 9 જાન્યુઆરીએ અમદાવાદમાં તાપમાન 15.3 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 5.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દિવસભર રાજ્યનું પાટનગર ઠંડું રહેતા લોકોએ આખો દિવસ ગરમ કપડાં પહેરીને રાખ્યા હતા.
પાકને નુકસાનઃ ભારે ઠંડા પવનોને કારણે ઘઉં, જીરૂ, એરંડા અને રાયડાના પાકને નુકસાન થવાની ભીતિ છે. છેલ્લા પાંચ દિવસથી ઠંડા પવનોનું જોર વધે છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાના કિનારના શહેરમાં ઠંડીએ લોકોને રીતસરના ધ્રુજાવી દીધા છે. રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢમાં ઠંડીને કારણે લોકોએ બહાર જવાનું ટાળ્યું છે. જ્યારે જૂનાગઢમાં ગીરનાર પાસે માત્ર 1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આસપાસના વિસ્તારમાં જાણે હિમાલયની બાજુમાં રહેતા હોય એવો અહેસાસ થતો હતો.