- લાલ કિલ્લા પરની હિંસામાં 500થી વધુ પોલીસ જવાન ઈજાગ્રસ્ત થયા હતાં
- દિલ્હી પોલીસ દ્વારા 50થી વધુ FIR નોંધવામાં આવી હતી
- પોલીસે લાખા સિધાનાના સંબંધી ગુરદીપસિંહની કરી પૂછપરછ
નવી દિલ્હી: 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા સહિત અનેક જગ્યાએ કિસાન ટ્રેક્ટર રેલીમાં આવેલા લોકો દ્વારા હિંસા કરવામાં આવી હતી. આમાં 500થી વધુ પોલીસ જવાન ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાઓ અંગે દિલ્હી પોલીસ દ્વારા 50થી વધુ FIR નોંધવામાં આવી હતી. તેમાં મોટી સંખ્યામાં શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી અને દિલ્હી અને આજુબાજુના રાજ્યોથી અત્યાર સુધીમાં લગભગ 160 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં દિલ્હી પોલીસ ધરપકડ માટે ફરાર લાખા સિધાનાની શોધ કરી રહી છે.
આ પણ વાંચો:લાલ કિલ્લાની હિંસામાં તલવારથી હુમલો કરનારા આરોપીની ધરપકડ
પોલીસકર્મીઓ લાખા સિધનાની શોધમાં ગયા હતા
લાખા સિધાનાની શોધમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ 8 એપ્રિલે પટિયાલા પહોંચી હતી. તેની વિરુદ્ધ એક વિશેષ સેલમાં કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં તેની શોધ ચાલુ હતી. પોલીસને લાખા સિધાનાનો સંબંધી ગુરદીપસિંહ ઉર્ફે મુંડી મળી આવ્યો હતો. પોલીસ ટીમે લાખા સિધાનાની હાજરી અંગે તેની પૂછપરછ કરી હતી. આ પછી પોલીસે તેને છોડી મુક્યો હતો. આ દરમિયાન પોલીસે તેમને કહ્યું હતું કે, જરૂર પડે તો પૂછપરછ માટે તેણે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલમાં આવવું પડશે. આ કેસમાં સંપૂર્ણ તપાસ કાયદાને અનુલક્ષીને કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:દિલ્હી હિંસા મામલે પોલીસે પંજાબમાંથી આરોપી ઈકબાલ સિંઘની ધરપકડ કરી
એક પણ આરોપી ઉપર ગેરવર્તનનો આરોપ લગાવ્યો નથી
દિલ્હી પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, તેમના દ્વારા પકડાયેલા 160 આરોપીઓમાંથી કોઈએ પણ તેમના પર ગેરવર્તણૂક કે હુમલાનો આરોપ મૂક્યો નથી. આ કિસ્સામાં, ગુરદીપસિંહને ગેરકાયદેસર અપહરણ કરીને તેમની પર હુમલો કરવાનો આરોપ સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો છે. આ ચાર્જ ફક્ત પોલીસ ટીમમાં દબાણ માટે કરવામાં આવી રહ્યો છે.