થિરુવન્થમપૂરમઃ કેરલ મુખ્ય પ્રધાન પિનારાઈ વિજયન શનિવારે વિંઝિજમ પોર્ટને કેરળના ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ગેમચેન્જર સાબિત થશે તેમ જણાવ્યું હતું. આ પોર્ટ વાર્ષિક દસ લાખ કન્ટેનર્સના સંચાલનનું લક્ષ્ય ધરાવે છે. જે સિંગાપોર પોર્ટ કરતા પણ વધુ છે. વિંઝિજમ પોર્ટ પર 15મી ઓક્ટોબરે 'જેન હુઆ 15'ને ડોક પર સેટ કરવામાં આવશે.
પોર્ટ ગેમચેન્જર બનશેઃ મુખ્ય પ્રધાન જણાવે છે કે આ પોર્ટની ક્ષમતાને લીધે કેરળના ઈન્ફ્રાસ્ટ્રકચર અને વિકાસમાં તે ગેમચેન્જર બનશે. વિંઝિજમ પોર્ટ વાર્ષિક 1 મિલિયન એટલે કે દસ લાખ કન્ટેનર્સના સંચાલનનું લક્ષ્ય ધરાવે છે. જે સિંગાપોર પોર્ટની ક્ષમતા કરતા પણ વધુ છે. આ નોંધનીય પ્રોજેક્ટને પરિણામે કેરળમાં રોકાણ વધશે, અનેક રોજગારીનું સર્જન થશે તેમજ દેશ માટે આ પોર્ટ ગૌરવ સમાન બની રહેશે.
શોર્ટ વીડિયો શેર કર્યોઃ કેરળ મુખ્ય પ્રધાન વિજયને આ પોર્ટનો એક શોર્ટ વીડિયો પણ શેર કર્યો હતો. આ વીડિયોમાં કેરળ રાજ્ય સરકાર 'જેન હુઆ 15' જહાજના સ્વાગતની તૈયારીઓ કરી રહી છે. આ જહાજ પોર્ટ પર ગુરુવારે આવી પહોંચ્યું હતું. આ જહાજમાં ચાયનાથી ક્રેન લાવવામાં આવી છે. આ જહાજને ટગ બોટ્સ દ્વારા ખેંચીને 7,700 કરોડના ખર્ચે તૈયાર થયેલ ડીપ વોટર ઈન્ટરનેશનલ પોર્ટ પર લાવવામાં આવ્યું હતું.
મોડું પહોંચ્યું જહાજઃ 'જેન હુઆ 15' ચાયનાથી નીકળ્યું હતું અને 4 ઓક્ટોબર સુધી કેરળના વિંઝિજમ પોર્ટ સુધી આવી પહોંચે તેવી ગણતરી હતી. તેને માર્ગમાં ખરાબ હવામાન પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો જેના લીધે તેના આગમનમાં વિલંબ થયો હતો. કેરળ રાજ્ય સરકારે ઓક્ટોબર અને નવેમ્બરમાં વધુ ત્રણ જહાજો આ પોર્ટ પર આવશે તેવું કહ્યું હતું.
પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ હેઠળ પોર્ટ બન્યુંઃ કેરળ રાજ્ય સરકારે ઉમેર્યુ હતું કે બ્રેકવોટરનું 75 ટકા કન્સ્ટ્રકશન પૂર્ણ થઈ ચૂક્યું છે. વિંઝિજમ પોર્ટનું નિર્માણ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ હેઠળ કરવામાં આવ્યું છે. વિંઝિજમ પોર્ટના વિકાસમાં અદાણી ગ્રૂપ પ્રાઈવેટ પાર્ટનર બન્યું છે. આ પોર્ટ વિશ્વનું એક વિશાળ ઈન્ટરનેશનલ પોર્ટ બનવા જઈ રહ્યું છે.
માછીમારોએ કર્યો હતો વિરોધઃ આ પ્રોજેક્ટ 2019માં પૂર્ણ થવાનો હતો, પરંતુ જમીન અધિગ્રહણમાં કેટલીક સમસ્યાઓને લીધે આ પ્રોજેક્ટ ડિલેડ થયો હતો. વિંઝિજમ પોર્ટને સ્થાનિક માછીમારોના હિંસક વિરોધને પણ સહન કરવો પડ્યો છે. આ પોર્ટને લીધે માછીમારોના જીવન જરુરી સંસાધનો પર અસર થશે તેવો આરોપ લગાડવામાં આવ્યો હતો. આ પોર્ટને લીધે કેટલાક પર્યાવરણના પ્રશ્નો પણ થાય તેવી શક્યતાઓ હતી. (PTI)