ઈમ્ફાલઃ મણિપુરના બે યુવકોના મૃત્યુ અને તેમના મૃતદેહોના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ફરીથી મણિપુર સળગી ઉઠ્યું છે. વિદ્યાર્થીઓની બેકાબુ ભીડે ઈમ્ફાલ પશ્ચિમના ડીસી ઓફિસમાં તોડફોડ કરી છે. તેમજ બે વાહનોને સળગાવી દીધા છે.
રસ્તાઓ બ્લોક કરાયાઃ બુધવાર રાત્રે વિરોધ પ્રદર્શન કર્તાઓ ઉરીપોક, યાઈસ્કૂલ, સાગોલબંધ અને તૈરા વિસ્તારોમાં સુરક્ષા દળો સાથે બાખડ્યા હતા. આ વિરોધીઓને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ ટીયર ગેસના ગોળા છોડ્યા હતા. વિરોધીઓએ સુરક્ષા દળોને રેસિડેન્શિયલ વિસ્તારોમાં આવતા રોકવા માટે રસ્તાઓ બ્લોક કરી દીધા હતા. રસ્તા પર ટાયર, બોલ્ટર અને અન્ય સામાન સળગાવીને રસ્તા બ્લોક કરી દીધા હતા. બેકાબુ ભીડે ડીસી ઓફિસમાં તોડફોડ કરી અને બે વાહનોને સળગાવી દીધા. સીઆરપીએફ જવાનોને પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા સફળતા મળી છે પણ ઈમ્ફાલ અને પશ્ચિમ એમ બંને જિલ્લાઓમાં ફરીથી કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે.
ભાજપ કાર્યાલય સળગાવ્યુંઃ થૌબલ જિલ્લાના ખોંગજામ વિસ્તારના ભાજપ કાર્યાલયને પણ સળગાવી દેવાયું છે. મણિપુર પોલીસ અનુસાર બેકાબુ ભીડે એક પોલીસ વાહનને આંતરી લીધું હતું. આ પોલીસ વાહન સળગાવી દીધું. પોલીસ જવાનોને માર માર્યો અને તેમના હથિયારો પડાવી લીધા હતા. આ કૃત્ય કરનારાઓને શોધવા માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. મંગળવારથી શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધી 65 વિરોધ પ્રદર્શન કર્તાઓ ઘાયલ થયા છે.
સુરક્ષા દળો માટે સૂચનાઃ આ દરમિયાન મણિપુર બાળ અધિકાર સંરક્ષણ આયોગે કેટલીક સૂચનાઓ જાહેર કરી છે. આ સૂચનાઓમાં સુરક્ષા દળોને ચેતવવામાં આવ્યું છે. સુરક્ષા દળોએ અચાનક વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ ન કરવો, ટીયર ગેસ અને રબર બુલેટનો પ્રયોગ ન કરવો. 3 મેના રોજ મણિપુરમાં જાતિય હિંસા ભડકી ત્યારથી અત્યાર સુધી કુલ 180 લોકો મૃત્યુ પામ્યા છે. તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઘાયલ થયા છે.
શા માટે ભડકી ઉઠી હિંસા?: મૈતઈ સમુદાય દ્વારા અનુસૂચિત જનજાતિના દરજ્જાની માંગણી બાદ સમગ્ર હિંસા ક્રમ શરૂ થઈ ગયો હતો. પહાડી જિલ્લાઓમાં 'આદિવાસી એકજુટતા માર્ચ'ના આયોજન બાદ હિંસા એવી ભડકી કે સમગ્ર મણિપુર સળગી ઉઠ્યું હતું. મણિપુરમાં મૈતેઈ સમુદાય ઈમ્ફાલ ખીણમાં વસે છે જેમનું પ્રમાણ 53 ટકા છે જ્યારે નાગા અને કુકી સહિતના આદિવાસી લોકો પહાડી જિલ્લામાં રહે છે જેમનું પ્રમાણ 40 ટકા છે.