ઉતરાખંડ: ઉત્તરાખંડમાં ગત રવિવારના રોજ મુસાફરોથી ભરેલી બસ ઉંડી ખીણમાં ખાબકતાં એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ સર્જાયેલી દુઘર્ટનામાં 35 પ્રવાસીઓમાંથી 7 લોકોના મોત નીપજ્યા હતા અને 27 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. રાજ્ય સરકાર ઉત્તરાખંડ સરકારના રાહત કમિશનર સાથે સતત સંપર્કમાં છે.
મૃતકોને અમદાવાદ લવાશે: ભાવનગર કલેકટર આર કે મહેતાએ માહિતી આપી હતી કે, 'ઉત્તરાખંડમાં મૃત્યુ પામનારને અમદાવાદ લાવવામાં આવશે. જેમાં 6 મૃતકોના મૃતદેહ ફ્લાઈટ દ્વારા સાંજે 6 વાગ્યે અમદાવાદ લવાશે. ત્યાંથી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ તેમના વતન મોકલશે. એક મહિલાના અંતિમ સંસ્કાર ઉત્તરાખંડમાં જ કરવામાં આવ્યા છે.
ઈજાગ્રસ્તોને એઈમ્સમાં અપાશે સારવાર: સમગ્ર ઘટના પર PMO દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. ઉત્તરાખંડ પ્રશાસનના સતત સંપર્કમાં રહેવા વડાપ્રધાન કાર્યાલયેથી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે તમામ ઈજાગ્રસ્તોને PMO દ્વારા હેલિકોપ્ટર મારફતે એઈમ્સમાં ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે મૃતકોને હેલિકોપ્ટર દ્વારા ભાવનગર તેમના વતન ખાતેે આજે લાવવામાં આવશે.
બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના નામ:
(1) મીનાબેન કે ઉપાધ્યાય, 52
(2) ગણપતરાય મેહતા, 61
(3) દક્ષા જી મેહતા, 57
(4) રાજેશ આર મેર, 40
(5) અનીરૂદ્ધ એચ જોશી, 35
(6) કરણજીત પી ભઠી, 29
(7) ગીગાભાઈ જી ભમ્મર, 40