લખનઉ : વર્ષ 2023 દરમિયાન હેડલાઇન્સમાં રહેનાર વ્યક્તિઓમાં પ્રથમ નામ મથુરાના પ્રેમાનંદ મહારાજનું આવે છે, જેઓ દેશભરમાં આધ્યાત્મિક શક્તિની શરૂઆત કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ રેસલિંગ ફેડરેશનના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહ જેઓ મહિલા કુસ્તીબાજ વિવાદને કારણે સમગ્ર દેશ માટે ચર્ચાનો વિષય બન્યા હતા. ઉપરાંત પોલીસ કસ્ટડીમાં થયેલી હત્યા બાદ અતીક અને અશરફનું નામ દેશભરના લોકોની જીભ પર હતું. સતત હિંદુ-વિરોધી અને બ્રાહ્મણ-વિરોધી ઈમેજને લઈને વિવાદોમાં રહેતા સ્વામી પ્રસાદ મૌર્યે વિપક્ષ સહિત પોતાના લોકોના વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો. તેવી જ રીતે યુપીની રાજનીતિથી લઈને અન્ય ગતિવિધિઓમાં પણ કેટલાક ખાસ નામ આખા વર્ષ દરમિયાન સમાચારમાં રહ્યા હતા.
પ્રેમાનંદ મહારાજના દર્શનાર્થે વિરાટ અને અનુષ્કા :
ગત વર્ષના શિયાળામાં જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિરાટ કોહલી તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા સાથે મથુરામાં સંત પ્રેમાનંદના આશ્રમમાં પહોંચ્યા અને દર્શન કર્યા હતા. આ સાથે જ પ્રેમાનંદ મહારાજ સોશિયલ મીડિયાની સાથે-સાથે આધ્યાત્મિક ક્ષેત્ર ફેમસ થયા હતા. અગાઉ પણ હજારો લોકો તેમની દર્શન કરવા આવતા હતા. પરંતુ વિરાટ કોહલીની મુલાકાત બાદ આ સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે. તેનો વીડિયો ઈન્ટરનેટ પર એટલી ઝડપથી વાયરલ થયો કે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ અને બાંકે બિહારી મંદિર પછી જો મોટાભાગના લોકો ક્યાંક જવા માંગતા હોય તો તે પ્રેમાનંદ મહારાજનો આશ્રમ હતો. હવે તો મોટા નેતાઓ, મંત્રીઓ, ન્યાયાધીશો, ફિલ્મ સ્ટાર્સ અને સામાન્ય લોકો રાતના 1:30 વાગ્યાથી આશ્રમ બહાર રાહ જુએ છે. આ કારણોસર પ્રેમાનંદ મહારાજ વર્ષ 2023 દરમિયાન ઉત્તરપ્રદેશની વિશેષ વ્યક્તિઓમાંના એક રહ્યા છે.
બ્રિજભૂષણ શરણસિંહ VS મહિલા કુસ્તીબાજ :
ઓલ ઈન્ડિયા રેસલિંગ ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ અને કૈસરગંજના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહ કુસ્તી સંગઠનને લઈને સતત વિવાદો અને ચર્ચામાં રહ્યા હતા. કુસ્તીબાજોએ તેની સામે જોરદાર આંદોલન ચલાવ્યું હતું. ઘણી મહિલા રેસલરોએ બ્રિજભૂષણ શરણસિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યા બાદ ભારે વિરોધ થયો હતો. ત્યારબાદ સમગ્ર મામલો કોર્ટમાં ગયો હતો. ત્યાંથી બ્રિજભૂષણ શરણસિંહને રાહત મળતા મહિલા કુસ્તીબાજો એશિયાડમાં ગયા હતા જ્યાં તેમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. લાંબા સમયથી સ્થગિત કુસ્તી મહાસંઘ માટે નવેસરથી ચૂંટણી યોજાઈ અને બ્રિજભૂષણના નજીકના સંજય સિંહે પ્રમુખ પદ પર જીત મેળવી હતી. પરંતુ આ પછી કેન્દ્રીય રમત મંત્રાલયે આ મામલે એસોસિએશનને સસ્પેન્ડ કરી દીધું હતું. આખા વર્ષ દરમિયાન આ સમગ્ર મામલાને લઈને બ્રિજભૂષણ શરણસિંહ પક્ષ અને વિપક્ષ વચ્ચે રાષ્ટ્રીય સ્તરના પાત્ર તરીકે રહ્યા અને તેના પર રાજકીય ડ્રામા ચાલતો રહ્યો.
સ્વામી પ્રસાદ મૌર્યના વિવાદિત નિવેદન :
વર્ષ 2022 માં સ્વામી પ્રસાદ મૌર્ય સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. બાદમાં તેમને MLC બનાવવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા સાત-આઠ મહિનાથી સ્વામી પ્રસાદ મૌર્ય તેમના હિંદુ વિરોધી નિવેદનોને કારણે વિવાદમાં રહ્યા, ઉપરાંત તેમણે પોતાની સમાજવાદી પાર્ટીને પણ અવાચક કરી દીધી છે. પાર્ટીની અંદરથી જ તેમનો વિરોધ શરૂ થઈ ગયો છે. બે દિવસ પહેલા તેમણે દિલ્હીના જંતર-મંતર ખાતે પોતાના સંબોધનમાં હિંદુ ધર્મને વિશ્વાસઘાત ગણાવ્યો હતો. જે બાદ સપાના ઘણા નેતાઓ તેમની વિરુદ્ધ ઉભા થઈ ગયા છે.
ધોળા દિવસે અતીક અને અશરફની હત્યા :
માફિયા લીડર અતીક અહમદ અને તેના ભાઈ અશરફની પોલીસ કસ્ટડીમાં થયેલી હત્યા સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પ્રયાગરાજમાં ધોળા દિવસે રાજુ પાલ મર્ડર કેસના સાક્ષી ઉમેશ પાલની હત્યા બાદ અતીક અને અશરફ યુપી પોલીસના નિશાના પર હતા. રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે વિધાનસભામાં કહ્યું હતું કે, અમે આ માફિયાઓને જમીનદોસ્ત કરી દઈશું. અતીકના પુત્રનું યુપી પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં મોત થયું હતું. જ્યારે અતીકને અમદાવાદ જેલમાંથી યુપીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. દરમિયાન એક દિવસ જ્યારે તેમને મેડિકલ તપાસ માટે પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યા હતા, ત્યારે પત્રકારોના વેશમાં આવેલા બે હુમલાખોરોએ તેમની હત્યા કરી હતી. આ ઘટના ઇતિહાસમાં યાદ રહેશે અને વર્ષ 2023 ની સૌથી મોટી ઘટનાઓમાંની એક હતી.
ઓમપ્રકાશ રાજભરની ઘરવાપસી :
લોકસભા ચૂંટણી પહેલા જ યોગી કેબિનેટમાંથી રાજીનામું આપનાર સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે (બ્રિજભૂષણ શરણ સિંહ) જુલાઈમાં ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલાવી ગઠબંધન કર્યું હતું. આ વર્ષે રાજભરે એનડીએમાં પરત ફરીને રાજકીય હેડલાઈન્સમાં જગ્યા બનાવી હતી. તેઓ રાજ્ય કેબિનેટમાં સામેલ થવા માટેના શુભ સમય વિશે જણાવતા રહ્યા પરંતુ તેમની ઈચ્છા પૂરી થઈ શકી નહીં. તેમના મંત્રી ન બનવાને પણ ઉત્તરપ્રદેશની સૌથી મોટી ઘટના માનવામાં આવી રહી છે.
દારાસિંહ ચૌહાણનો પક્ષપલટો :
પૂર્વાંચલના નોનિયા ચૌહાણ સમુદાયને આકર્ષવા માટે ભાજપ સપાના ધારાસભ્ય દારાસિંહ ચૌહાણને તેની બાજુમાં લેવામાં સફળ રહી છે. દારાસિંહ ઘોસી વિધાનસભા સીટ પર સપા તરફથી ધારાસભ્ય હતા. પરંતુ જ્યારે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ ત્યારે યોગી સરકાર અને ભાજપ સંગઠનની સંપૂર્ણ સત્તા હોવા છતાં દારાસિંહની ચાલ પલટાઈ ગઈ હતી. ઓમપ્રકાશ રાજભરે પણ મંત્રી બનવા માટે જોર જોરથી પ્રચાર કર્યો હતો, હવે વર્ષ 2023 પૂર્ણ થવા પર છે, પરંતુ તેમની ઈચ્છા અધૂરી છે.
માયાવતીના ઉત્તરાધિકારી આકાશ આનંદ :
BSP સુપ્રીમો માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને તેમના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યો હતો. આકાશ આનંદનો જન્મ 1995 માં નોઈડામાં થયો હતો. નોઈડા અને ગુરુગ્રામમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યા પછી તેણે 2013 થી 2016 દરમિયાન લંડનની યુનિવર્સિટી ઓફ પ્લાયમાઉથમાંથી MBA કર્યું હતું. ભારત પરત આવ્યા પછી તેણે પોતાનો વ્યવસાય શરૂ કર્યો અને તેના પિતાનું કામ પણ સંભાળ્યું. આકાશે ઘણી મોટી કંપનીઓ સાથે પણ કામ કર્યું છે. ત્યારે હવે આકાશ આનંદે રાજકારણમાં આવવાનું નક્કી કર્યું છે. છેલ્લા ઘણા સમયથી આકાશ આનંદ પાર્ટીમાં સક્રિય છે. માયાવતીએ તેને તાજેતરમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની જવાબદારી સોંપી હતી. જેમાં તેણે વધુ સારું પ્રદર્શન કરીને પાર્ટીની વોટ ટકાવારીમાં વધારો કર્યો હતો. તેમજ રાજસ્થાનમાં સીટ જીતવામાં સફળતા મેળવી હતી. આ વર્ષે આકાશના લગ્ન રાજકીય પરિવારની પુત્રી સાથે થયા. તેમણે બીએસપીના પૂર્વ રાજ્યસભા સભ્ય અશોક સિદ્ધાર્થની પુત્રી ડો. પ્રજ્ઞા સાથે લગ્ન કર્યા છે. પુત્રવધુના રાજકારણમાં પ્રવેશને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે.
બળાત્કારી ધારાસભ્ય રામદુલાર ગોંડ :
સોનભદ્રની દદ્ધિ વિધાનસભા સીટના ભાજપના ધારાસભ્ય રામ દુલાર ગોંડને સગીરા પર બળાત્કાર કરવાના કેસમાં 25 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે ગોંડને બળાત્કારના કેસમાં દોષી ઠેરવી સખત સજા ફટકારી છે. વર્ષ 2023 માં કોઈ રાજકીય વ્યક્તિત્વને આટલી આકરી સજા મળી નથી. આ કારણે વર્ષ 2023 ઈતિહાસમાં મોટી અને આકરી સજા માટે પણ યાદ રહેશે.