સુરત: દિવાળીની રજામાં લોકો પોતાના ઘર-મકાનને તાળા મારી અને વાહનોને પાર્કિંગમાં પાર્ક કરી ફરવા માટે ગયા છે, પરંતુ સુરત શહેરના ઉધના વિસ્તારથી જે સમાચાર આવી રહ્યા છે, તેના કારણે લોકોને ચોક્કસથી ચિંતા થશે, કારણ કે સુરત શહેરના ઉધના વિસ્તાર ખાતે આવેલા અક્ષર કુંજ એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં રહેલાં 16 વાહનોને કોઈક અસામાજિક તત્વોએ સળગાવી નાખ્યા હતાં અને આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
અસામાજીક તત્વોની અવળચંડાઈ: છેલ્લા ઘણા સમયથી સુરત શહેરના ઉધના વિસ્તારમાં અસામાજિક તત્વો સ્થાનિકોને હેરાન કરી રહ્યા છે, અગાઉ પણ આ વિસ્તારમાં આવી ઘટના બની ચૂકી છે. ઉધનામાં વિસ્તારમાં આવેલા અક્ષરકુંજ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આ ઘટના બનતા સ્થાનિકો પણ ભયભીત થઈ ગયા છે. કારણ કે જો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી હોત તો અપાર્ટમેન્ટના ફ્લેટમાં પણ આગ લાગી શકી હોત. જોકે આગની ઘટનાની જાણ થતા જ સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયર વિભાગના કર્મચારીઓ આવીને આગને ઓલવવા માટેની કામગીરી હાથ ધરી હતી.
ઇલેક્ટ્રિક મીટર સળગીને ખાખ: પોલીસ ઇન્સ્પેકટર એસ.એન દેસાઇએ જણાવ્યુ હતું કે, ઉધના સ્થિત અક્ષરકુંજ એપાર્ટમેન્ટ ના પાર્કિંગ માં ઉભેલા 16 વાહનોને કેટલાંક અજાણ્યા લોકોએ એક સાથે 20 ઇલેક્ટ્રિક મીટર સળગાવી નાખ્યાં હતા. 13 તારીખે સવારે 4 વાગ્યાના અરસામાં અજાણ્યા ઈસમો વાહનોને આગ લગાવી હોવાનું જાણવા મળ્યુ છે.આગ માં 16 વાહનો અને જીઇબીના 20 ઇલેક્ટ્રિક મીટર સળગીને ખાખ થઈ ગયા. હાલ તો પોલીસે અજાણ્યા લોકો સામે ફરીયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.