ચેન્નાઈઃ દ્રમુક નેતા અને તમિલનાડુના પ્રધાન ઉદયનિધિ સ્ટાલિને મદ્રાસ હાઈકોર્ટમાં કહ્યું કે સનાતન ધર્મ વિવાદ મુદ્દે તેમને પ્રધાન પદ પર ન રહેવું તેવી અરજી દાખલ કરાઈ છે. આ અરજી વૈચારિક મતભેદોને લીધે કરવામાં આવી છે. આ અરજી એક દક્ષિણપંથી હિન્દુ સંગઠન તરફથી કરવામાં આવી છે.
સ્ટાલિનના વકીલની દલીલોઃ ઉદયનિધિ સ્ટાલિનના વકીલ પી. વિલ્સને કહ્યું કે બંધારણના અનુચ્છેદ 25 અનુસાર કોઈપણ નાગરિકને ધર્મને અપનાવવા અને પ્રચાર માટે અધિકાર છે. આ ઉપરાંત નાગરિકોને નાસ્તિક બનવા અને તેના અનુસરણ માટે પણ અધિકાર છે. વિલ્સને સોમવારે ન્યાયાધીશ અનિતા સુમંત સમક્ષ દલીલ કરી કે અનુચ્છેદ 19(1)એ(અભિવ્યક્તિ માટેની સ્વતંત્રતા)ને સાથે રાખનારા અનુચ્છેદ 25 ઉદયનિદિના ભાષણને નિર્દોષ સાબિત કરે છે.
અરજીકર્તા પક્ષઃ દક્ષિણપંથી હિન્દુ સંગઠન મુન્નાનીએ ગયા મહિને એક કાર્યક્રમ દરમિયાન સનાતન ધર્મ વિરુદ્ધ નિવેદન બદલ ઉદયનિધિને પ્રધાન પદ પર ન રહેવા માટે અરજી કરી હતી. વિલ્સને બચાવમાં જણાવ્યું કે અરજીકર્તાઓ અને ડિએમકે વચ્ચે વૈચારિક મતભેદને લીધે આ અરજી દાખલ કરવામાં આવી છે.
વૈચારિક મતભેદઃ ડીએમકે દ્રવિડ વિચારધારા ઉપરાંત આત્મ-સમ્માન, સમાનતા, તર્કસંગત વિચાર અને ભાઈચારાનું અનુસરણ કરે છે. જ્યારે વિરોધી સંપ્રદાય જાતિ આધારિત ભાગલાની વાત કરે છે. ન્યાયાધીશે અરજીકર્તાને ઉદયનિધિએ જે કાર્યક્રમમાં કથિત વિવાદાસ્પદ ટીપ્પણીઓ કરી તેનું આમંત્રણ અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લોકોની યાદી રજૂ કરવા કહ્યું છે. આ મામલે હાઈ કોર્ટે આગામી સુનાવણી 31 ઓક્ટોબરે કરવાનું નક્કી કર્યુ છે.