ઉત્તરપ્રદેશ : ઝાંસી મેડિકલ કોલેજમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બુધવારે મેડિકલ કોલેજમાં સફાઈ દરમિયાન કચરાના ઢગલામાંથી માનવ ખોપરી અને હાડકા મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. આ અંગે માહિતી મળતા જ પૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રદીપ જૈન આદિત્યના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીના સેંકડો કાર્યકરોએ મેડિકલ કોલેજના પોસ્ટમોર્ટમ હાઉસની બહાર વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું છે. પ્રદીપ જૈન આદિત્યે મેડિકલ કોલેજ પર માનવ અંગોની તસ્કરીનો આરોપ લગાવ્યો છે.
માનવ ખોપરી અને હાડકા મળ્યા : તાજેતરમાં જ ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના પોસ્ટમોર્ટમ હાઉસમાં મૃતદેહમાંથી આંખો અને ચહેરો ચૂંથી લેવાની ઘટના બની હતી. ત્યારે હાલ મેડિકલ કોલેજની સફાઈ દરમિયાન બુધવારે માનવ ખોપરી અને હાડકાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. અહીં પોસ્ટમોર્ટમ માટે આવેલા લોકો આ બનાવથી ભયભીત થઈ ગયા હતા. અહીં બે માનવ હાડપિંજર મળ્યાની માહિતી મળતા જ પૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રદીપ જૈન આદિત્યના નેતૃત્વમાં કોંગ્રેસના કાર્યકરો મેડિકલ કોલેજના પોસ્ટમોર્ટમ હાઉસની બહાર પહોંચી ગયા હતા.
માનવ અંગોની તસ્કરીનો આરોપ : પૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રદીપ જૈને આદિત્યે કોલેજ તંત્ર સામે માનવ અંગોની તસ્કરીનો આરોપ લગાવીને હંગામો મચાવ્યો હતો. તેમણે માનવ હાડપીંજરના અવશેષ મળવાને ખૂબ જ ગંભીર મામલો ગણાવતા કહ્યું કે, આ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરીને પોસ્ટમોર્ટમ હાઉસમાંથી માનવ અંગોની તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરવો જોઈએ. આ સિવાય અહીંથી મળેલા માનવ અવશેષોના ડીએનએ ટેસ્ટની માંગણી કરી હતી. આ માનવ હાડપિંજર ક્યાંથી આવ્યા તથા કોના અને કેટલા જૂના છે તે રહસ્ય બની ગયું છે.
તાજેતરનો ચકચારી કેસ : ઉલ્લેખનિય છે કે, 7 ડિસેમ્બરના રોજ મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના પોસ્ટમોર્ટમ હાઉસમાં રાખવામાં આવેલા ઉદ્યોગપતિ સંજય જૈનના મૃતદેહની આંખો કોઈ પ્રાણી ચૂંથીને ખાઈ ગયું હતું. આ મામલાને ગંભીરતાથી લઈને મેડિકલ કોલેજ પ્રશાસન પોસ્ટમોર્ટમ હાઉસની સફાઈ કરાવી રહ્યું છે. બુધવારે સફાઈ દરમિયાન કર્મચારીઓને પોસ્ટમોર્ટમ હાઉસમાં માનવ હાડપિંજરની ખોપરી અને હાડકા મળી આવ્યા હતા. પોસ્ટમોર્ટમ હાઉસમાં સ્વજનોનું પોસ્ટમોર્ટમ કરાવવા આવેલા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
પૂર્વ કેન્દ્રીય પ્રધાનનું નિવેદન : પૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રદીપ જૈન આદિત્યએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, પોસ્ટમોર્ટમ હાઉસમાં અસંવેદનશીલતાની પરાકાષ્ટા સામે આવી છે. માનવ શરીર જેને દરેક ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે અને જે પાંચ તત્વો સાથે ભળી જવું જોઈએ. ત્યારે અહીં પોસ્ટમોર્ટમ હાઉસમાં કચરાના ઢગલામાંથી માનવ હાડપિંજર મળી આવ્યું છે. આ માનવ હાડપિંજરની કિડની અને આંખો ક્યાં ગઈ ? આખરે આ મૃતદેહ કોનો છે ? આ બાબતે મેડિકલ કોલેજ પ્રશાસનને જાણ કરવી જોઈએ. જ્યાં સુધી આ પ્રશ્નોના જવાબ નહીં મળે અને ગુનેગારોને સજા નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
મેડિકલ પ્રશાસનની કાર્યવાહી : પૂર્વ પ્રધાન પ્રદીપ જૈન આદિત્યના વિરોધ અને માનવ હાડપિંજર મળ્યાના સમાચારથી મેડિકલ પ્રશાસનમાં પણ હલચલ મચી ગઈ હતી. મેડિકલ કોલેજના સીએમએસ ડો. સચિન મહૌર તરત જ પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચ્યા હતા. આ અંગે તેમણે કહ્યું કે, પોસ્ટમોર્ટમ હાઉસમાં માનવ હાડપિંજર મળવું એ ગંભીર બાબત છે. આ મામલે સઘન તપાસ કર્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
2 અજાણ્યા મૃતદેહ મળ્યા : મેડિકલ કોલેજના સીએમએસ ડો. સચિન માહૌર દ્વારા હાથ ધરવામાં આવેલા નિરીક્ષણ દરમિયાન પોસ્ટમોર્ટમ હાઉસના એક બોક્સમાંથી બે અજાણ્યા મૃતદેહ મળી આવ્યા હતા. જે બાદ બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ હાઉસ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બંને અજાણ્યા મૃતદેહોનું અહીં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
કોલેજ પ્રશાસનનો નિર્ણય : માનવ હાડપિંજર મળી આવ્યા બાદ મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના પરિસરમાં સ્થપાયેલા શબઘરની જાળવણી, વ્યવસ્થાપન વગેરે બાબતે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રિન્સિપાલ ડો. નરેન્દ્રસિંહ સેંગર, ચીફ મેડિકલ ઓફિસર ડો. સુધાકર પાળ્ડેય, ચીફ સુપરિન્ટેન્ડેન્ટ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ડો. સુનિતા રાઠૌર, ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ડો. સચિન માહૌર, ઈન્ચાર્જ નિરીક્ષક તુલસીરામ પાળ્ડેય સહિતના ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન પોસ્ટમોર્ટમ હાઉસમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શબઘરમાં તૈનાત સ્ટાફનું ડ્યૂટી રોસ્ટર પોસ્ટમોર્ટમ હાઉસની બહારના નોટિસ બોર્ડ પર ફરજિયાતપણે ચોંટાડવામાં આવશે.