અયોધ્યાઃ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશના અનેક સંતો-મહંતો, રાજકીય-સામાજીક આગેવાનો અને અન્ય મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મહોત્સવમાં અમિતાભ બચ્ચનથી લઈને માધુરી દીક્ષિત અને સાઉથના સુપરસ્ટાર રજનીકાંત પણ ઉપસ્થિત રહ્યાં છે. આ ઉપરાંત ટ્રસ્ટે દેશના કેટલાક પૂર્વ વડાપ્રધાનો, રમતવીર અને સામાજિક કાર્યકરોને પણ આમંત્રણ મોકલ્યા છે તેમને આમંત્રિત સભ્યોની પ્રથમ હરોળમાં સ્થાન પણ આપવામાં આવ્યું છે. પરંતુ જેઓ રામ મંદિર આંદોલનના આગેવાન રહ્યાં અને તેમના પરિણામે આજે ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તેવા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આમંત્રણ તો પાઠવ્યું છે પરંતુ સાથે જ અયોધ્યા ન આવવાની અપીલ પણ કરી છે. ટ્રસ્ટની આ અપીલ રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા લોકોને આશ્ચર્યમાં મૂકી રહી છે.
ચંપત રાયે કર્યો ખુલાસો: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે અડવાણી અને જોશીને ન આવવાની પાછળના કારણોનો પણ ખુલાસો કર્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ ચંપત રાયે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે લાલકૃષ્ણ અડવાણી અમારા વાલી સમાન છે. અમે તેમને પ્રેમ અને સન્માન સાથે આમંત્રણ આપ્યું છે. પરંતુ તેમની તબિયત ખૂબ જ ખરાબ છે. તે ઉઠીને ચાલવાની સ્થિતિમાં નથી. આવી સ્થિતિમાં, અમે વિનંતી કરી છે કે, તેમણે તેમના ઘરે સ્વાસ્થ્ય લાભ લેવો જોઈએ અને ટીવી અથવા અન્ય માધ્યમો દ્વારા તેમની શ્રદ્ધા પ્રદર્શીત કરવી જોઈએ. ડૉ.મુરલી મનોહર જોશી વિશે રાયે કહ્યું હતું કે, અમે તેમને પણ વિનંતી કરી છે કે તેઓ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને અયોધ્યા આવવાની તસ્દી ન લે. જોકે તેમણે અયોધ્યા આવવાની વાત કરી છે. જો તે આવશે તો તેમનું સ્વાગત કરવામાં આવશે.
અડવાણી-જોશીની તબીયતનો આપ્યો હવાલો: ટ્રસ્ટે આ અપીલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કરી છે. વાસ્તવમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ મહેમાનોને આમંત્રિત કરી રહ્યું છે, તો બીજી તરફ શારીરિક રીતે અસ્વસ્થ હોય તેવા લોકોને કાર્યક્રમમાં ન આવવાની અપીલ પણ કરવામાં આવી રહી છે. આવા મહેમાનોમાં સૌથી મોટું નામ લાલકૃષ્ણ અડવાણીનું છે, જેમણે રામમંદિર આંદોલનની જ્યોત જગાડવા માટે રથયાત્રા દ્વારા આ મુદ્દાને દેશભરમાં ફેલાવ્યો હતો. અડવાણીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે, પરંતુ ટ્રસ્ટે તેમના પરિવારના સભ્યોને તેમની ખરાબ તબિયતને ધ્યાનમાં રાખીને કાર્યક્રમમાં ન લાવવાની અપીલ કરી છે. આ ક્રમમાં, ડૉ. મુરલી મનોહર જોશીની સાથે, અન્ય ઘણા સંતોના નામો દેખાય છે, જેમને કાર્યક્રમમાં ભાગ ન લેવા અને ઘરેથી ભક્તિભાવ પ્રદર્શીત કરવાની વિનંતી કરવામાં આવી છે.