મુંબઇ: કોરોના સંક્રમણમાં હવે ટ્રીપલ મ્યુટન્ટ વેરિઅન્ટ્સ જોવા મળી રહ્યા છે. આવા કેસ મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ રાજ્યોમાં જોવા મળી રહ્યા છે. દેશમાં મહામારીની બીજી લહેરનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યાં આ ટ્રીપલ મ્યુટન્ટનો મામલો ચોક્કસપણે ચિંતાનો વિષય છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે, કોરોના વાયરસ અગાઉના મ્યુટન્ટ્સ કરતા આ મ્યુટન્ટ વધુ ઘાતક છે.
ભારતમાં મળ્યા ટ્રીપલ મ્યુટન્ટ વેરિઅન્ટ્સ
બ્રિટન અને બ્રાઝિલ પછી હવે ભારતમાં ડબલ મ્યુટન્ટ્સના કેસો જોવા મળ્યા હતા. હવે રાજ્યમાંથી એકત્રિત કરવામાં આવેલા નમૂનાઓમાં ટ્રીપલ મ્યુટન્ટ્સ જોવા મળી રહ્યા છે. તેનો અર્થ એ છે કે, કોવિડ -19 વાયરસના RNAમાં ત્રણ પ્રકારના ફેરફારો થયા છે. વૈજ્ઞાનિકોના મત મુજબ, આ એક ચિંતાનો વિષય છે. કારણ કે, ટ્રીપલ મ્યુટન્ટ ખૂબ જ ઝડપથી ફેલાય છે અને તે નાક અને મોંમાંથી ફેફસાંમાં પ્રવેશે છે અને ફેફસાને ચેપ લગાવે છે. જ્યારે દર્દીને ખબર પડે છે કે તેને ચેપ લાગ્યો છે ત્યાં સુધી સ્થિતિ વધુ ખરાબ થઈ ચૂકી હોય છે.
આ પણ વાંચો:રાજ્યમાં કોરોના વધુ બન્યો ઘાતક
ઘણા દેશોમાં 2020માં જ મ્યુટન્ટ્સના કેસો મળી આવ્યા હતા
નિષ્ણાતોએ આપેલી જાણકારી અનુસાર, દેશમાં તાજેતરમાં ટ્રીપલ વેરિઅન્ટ જોવા મળ્યો છે, જ્યારે ઘણા દેશોએ ફક્ત એપ્રિલ 2020માં જ દર્દીઓમાં તેને શોધવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં USA, સિંગાપોર, ફિનલેન્ડ વગેરેનો સમાવેશ થાય છે. ડો.સંજય લોઢેએ જણાવ્યું કે, દરેક વાયરસ સમયે સમયે બદલાતા રહે છે, તેનું કદ, રંગ અને આનુવંશિક અસર થાય છે. કોરોના વાયરસ કોઈ અપવાદ નથી. તેમણે કહ્યું કે ટ્રીપલ વેરિઅન્ટ ખૂબ જોખમી છે.
ત્રણ જ દિવસમાં બગડી જાય છે સ્થિતિ
અગાઉનો કોવિડ -19 વાયરસ એટલો જીવલેણ નહોતો અને તે ખૂબ ઝડપથી ફેલાતો પણ ન હતો. જો કે, બીજી તરંગ દરમિયાન તે વધુ જોખમી છે અને વધુ લોકોને સંક્રમિત કરે છે. ડબલ અને ટ્રીપલ મ્યુટન્ટથી સમગ્ર વિશ્વમાં લોકોને અસર થઈ છે. હવે ભારતમાં પણ ટ્રીપલ મ્યુટન્ટ્સ મળી આવ્યા છે.
આ પણ વાંચો:સંભાવના છે કે કૉવિડ-૧૯ના કેસો વધવાનું ચાલુ રહેશે, તેમ વાઇરૉલૉજિસ્ટ ગગનદીપ કાંગ કહે છે
કોરોનાની બીજી લહેર વધુ જોખમી
પ્રથમ લહેરમાં વાયરસ પહેલા માત્ર મોં અને નાકને અસર કરે છે. ફક્ત ત્રણ દિવસ પછી જ તે ફેફસાંમાં પ્રવેશે છે અને અન્ય અવયવોને અસર કરતો હતો અને તેના લક્ષણો 5-8 દિવસ પછી દેખાતા હતાં. તેથી દર્દીઓની સ્થિતિ ગંભીર થતાં પહેલા સારવાર માટે સમય મળતો હતો. પરંતુ બીજી લહેરમાં જીવનું જોખમ વધુ છે.
ટ્રીપલ મ્યુટન્ટ વધુ ઝડપથી સંક્રમણ ફેલાવે છે
ડો.સંજય લોઢેએ જણાવ્યું હતું કે, જો પરિવારના કોઈ એક સભ્યને ચેપ લાગે તો, આખું કુટુંબ ખૂબ જ જલ્દી સંક્રમિત થઈ જાય છે. ટ્રીપલ મ્યુટન્ટ વધુ ગંભીર છે, કારણ કે, તે ફેફસાં પર સીધો હુમલો કરે છે અને ઝડપથી અન્ય અવયવોમાં ફેલાય છે. થાક અને તાવ જેવા પ્રારંભિક લક્ષણો પછી, દર્દીની સ્થિતિ ત્રીજા કે ચોથા દિવસે કથળી જાય છે અને તેને ICUમાં દાખલ કરવાની જરૂર ઊભી થાય છે.
પહેલા કરતાં અલગ લક્ષણો
ડબલ અને ટ્રીપલ મ્યુટન્ટ્સના લક્ષણો સમાન છે. બંને કિસ્સાઓમાં દર્દીને શરદી, ખાંસી, તાવ, થાક અનુભવાય છે. પરંતુ હવે લક્ષણોમાં ઉલટી થવી, આંખોની લાલાશ, સાંભળવામાં મુશ્કેલી, જીભ સફેદ થવી વગેરે લક્ષણોનો સમાવેશ થાય છે. ડોક્ટરોની સલાહ છે કે, ગભરાશો નહીં અને કાળજી રાખો. જો લક્ષણો દેખાય તો તરત જ કોવિડ પરીક્ષણ કરાવો અને સ્થિતિ વધુ ખરાબ થાય તે પહેલાં ડોક્ટરની સલાહ લો. નિષ્ણાંતોનું માનવું છે કે, જો દર્દીને સમયસર સારવાર મળે તો તે જોખમમાંથી બહાર આવી શકે છે.