શ્રીનગર (જમ્મુ અને કાશ્મીર): દેશભરના નાગરિકો આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રીનગરમાં ઐતિહાસિક ક્લોક ટાવર ખાતે રેલી યોજવામાં આવી હતી. શ્રીનગરના લાલ ચોકમાં ઘંટા ઘર ખાતે ભાજપાના મહાસચિવ અશોક કૌલે ત્રિરંગો લહેરાવ્યો હતો.
![શ્રીનગરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે લાલ ચોકમાં ઘંટા ઘર ખાતે ત્રિરંગો લહેરાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/jk-sri-01-tricolour-ghanta-ghar-avb-7205608_26012023120013_2601f_1674714613_1083_2601newsroom_1674715432_873.jpg)
ઘંટા ઘર ખાતે ધ્વજવંદન સમારોહ: આ પ્રસંગે મહાસચિવ અશોક કૌલે જણાવ્યું હતું કે, " કાશ્મીર ખીણમાં આજે બધું સામાન્ય છે. હું મારા દેશબંધુઓને અભિનંદન આપવા માંગુ છું અને એ પણ કહેવા માંગુ છું કે ભારત સૌથી મોટું લોકતંત્ર છે. વિશ્વ આપણને "લોકશાહીની માતા" તરીકે ઓળખે છે. તેમણે વધુમાં કહ્યું કે "દરેક વ્યક્તિએ આ અવસર પર આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવવો જોઈએ. મેં આજે દરેક વ્યક્તિવતી ઘડિયાળ ટાવર પર ત્રિરંગો ફરકાવ્યો છે. હું કોંગ્રેસને PAGD નેતાઓને પણ ધ્વજ આપવા અને તેમને ફરકાવવાનું કહેવા માંગુ છું. અમે રાહુલ ગાંધીને ક્લોક ટાવર પર ત્રિરંગો ફરકાવવા માટે પણ આમંત્રણ આપીએ છીએ."
![ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રીનગરમાં ઐતિહાસિક ક્લોક ટાવર ખાતે રેલી યોજવામાં આવી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/jk-sri-01-tricolour-ghanta-ghar-avb-7205608_26012023120013_2601f_1674714613_964_2601newsroom_1674715432_655.jpg)
આ પણ વાંચો: Republic Day 2023: Googleએ અનોખી રીતે બનાવ્યું Doodle, જુઓ ખાસ વીડિયો...
ખીણ દરેક માટે સલામત: આજે ઘંટા ઘર ખાતે ધ્વજવંદન સમારોહમાં ગુજરાતના ઘણા પ્રવાસીઓએ પણ ભાગ લીધો હતો અને જણાવ્યું હતું કે તેઓ ભાગ્યશાળી છે. કારણ કે તેમને કાશ્મીરમાં ઉજવણીનો સાક્ષી બનવાનો મોકો મળ્યો હતો. તેઓએ એવો પણ દાવો કર્યો હતો કે ખીણ દરેક માટે સલામત છે.
આ પણ વાંચો: ચાલો એક થઈને આગળ વધીએઃ પ્રજાસત્તાક દિવસ પર PMનો સંદેશ
કલમ 370 દૂર થયા બાદ વર્ષ 2022માં લહેરાયો હતો ત્રિરંગો: ઉલ્લેખનીય છે કે શ્રીનગરનું હાર્દ કહેવાતા લાલ ચોક સ્થિત ઘંટાઘર ખાતે કલમ 370 દૂર થયા બાદ વર્ષ 2022ના પ્રજાસત્તાક દિવસના અવસર પર પહેલી વાર ત્રિરંગો ખૂબ જ ધૂમધામથી ફરકાવવામાં આવ્યો હતો. આ દરમિયાન સમગ્ર વિસ્તારની ચુસ્ત સુરક્ષા કરવામાં આવી હતી. ઘંટાઘર જમ્મુ અને કાશ્મીર તેમજ દેશમાં ઐતિહાસિક મહત્વ ધરાવે છે. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ વર્ષ 1948માં આ સ્થાન પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ સ્થળ જમ્મુ અને કાશ્મીરના સરદાર શેખ મોહમ્મદ અબ્દુલ્લા અને વડા પ્રધાન જવાહરલાલ નેહરુના સમાધાનનું પણ સાક્ષી રહ્યું છે.