નવી દિલ્હીઃ એક મહિનાથી ટામેટાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે આગામી દિવસોમાં તેનો ભાવ રૂ.300 પ્રતિ કિલોએ પહોંચે તેવી શક્યતા હોલસેલ વેપારીઓએ વ્યક્ત કરી છે. જથ્થાબંધ વેપારીઓએ જણાવ્યું છે કે ટામેટાંની આવક ઓછી થવાના કારણે જથ્થાબંધ ભાવમાં વધારો થશે. તેમનું કહેવું છે કે તેની અસર છૂટક કિંમતોમાં વધારાના સ્વરૂપમાં જોવા મળી શકે છે.
છૂટક કિંમતો: દિલ્હી સ્થિત આઝાદપુર ટામેટા એસોસિએશનના પ્રમુખ અને એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી (એપીએમસી)ના સભ્ય અશોક કૌશિકે જણાવ્યું હતું કે, "છેલ્લા ત્રણ દિવસમાં ટામેટાંની આવકમાં ઘટાડો થયો છે કારણ કે ભારે વરસાદને કારણે વિકસતા વિસ્તારોમાં પાકને નુકસાન થયું છે." તેમણે કહ્યું કે જથ્થાબંધ બજારમાં ટામેટાની કિંમત 160 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 220 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે, જેના કારણે છૂટક કિંમતો પણ વધી શકે છે.
170-220 રૂપિયા: ટામેટાં, કેપ્સિકમ અને અન્ય મોસમી શાકભાજીના વેચાણમાં ભારે ઘટાડો થયો હોવાથી શાકભાજીના જથ્થાબંધ વેપારીઓને નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન મધર ડેરી તેના 'સફલ સ્ટોર' દ્વારા 259 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાંનું વેચાણ કરી રહી છે. એશિયાના સૌથી મોટા જથ્થાબંધ ફળ અને શાકભાજી બજાર, આઝાદપુર મંડીમાં ટમેટાંના જથ્થાબંધ ભાવ બુધવારે ગુણવત્તાના આધારે 170-220 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે હતા.
ટામેટાંનો પુરવઠો ખોરવાયો: વરસાદને કારણે ટામેટાંનો પુરવઠો ખોરવાયો સંજય ભગતે કહ્યું કે હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી આવતા ટામેટાં અને અન્ય શાકભાજીની ગુણવત્તામાં પણ ઘટાડો થયો છે. હિમાચલ પ્રદેશમાં જુલાઈમાં ભારે વરસાદને કારણે પાકને નુકસાન થયું છે. મોટા ઉગાડતા પ્રદેશોમાં ભારે વરસાદને કારણે પુરવઠામાં વિક્ષેપ પડવાને કારણે ટામેટાના ભાવ એક મહિના કરતાં વધુ સમયથી વધી રહ્યા છે.
ભાવ વધશે: કેન્દ્ર સરકાર 14 જુલાઈથી સબસિડીવાળા દરે ટામેટાંનું વેચાણ કરી રહી છે. આના કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં છૂટક કિંમતોમાં નરમાશ શરૂ થઈ છે. પરંતુ સપ્લાય ઘટવાથી ભાવ ફરી વધવા લાગ્યા છે. આઝાદપુર એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી (APMC)ના સભ્ય અનિલ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે બજારમાં ટામેટાંનો પુરવઠો અને માંગ બંને ઓછા છે અને વિક્રેતાઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મંત્રાલયના ડેટા:બુધવારે ટામેટાની છૂટક કિંમત 203 રૂપિયા પ્રતિ કિલોગ્રામને સ્પર્શી ગઈ હતી, જ્યારે મધર ડેરીના સફલ સ્ટોર પર કિંમત 259 રૂપિયા પ્રતિ કિલો હતી. મધર ડેરીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અસામાન્ય હવામાનને કારણે છેલ્લા બે મહિનાથી સમગ્ર દેશમાં ટામેટાંનો પુરવઠો પ્રભાવિત થયો છે. છેલ્લા બે દિવસમાં આઝાદપુર મંડીમાં પણ આવકમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. પુરવઠાની અછતને કારણે જથ્થાબંધ બજારમાં ભાવમાં તીવ્ર વધારો થયો છે, જેના પરિણામે છૂટક કિંમતો પર પણ અસર થઈ છે.