અમદાવાદ : આજથી 89 વર્ષ પહેલા ભારતના જેલમ જિલ્લાના દીના ગામમાં માખન સિંહ કાલરા અને સુજન કૌરને ત્યાં એક પુત્રનો જન્મ થયો હતો. જેનું નામ સંપૂર્ણ સિંઘ કાલરા રાખવામાં આવ્યું હતું અને પાછળથી વિશ્વભર એક અનોખી નામના મળી જે ગુલઝાર તરીકે ઓળખાયા. ગુલઝાર માખન સિંહની બીજી પત્નીના પુત્ર હતા. તેમના જન્મના થોડા સમય બાદ તેમની માતાનું અવસાન થયું હતું, ત્યાર બાદ તેમનો ઉછેર માખન સિંહની ત્રીજી પત્ની દ્વારા કરવામાં આવ્યો હતો.
ગોડાઉનમાં સૂઈને રાત વિતાવી હતી : પરિવારની દીનામાં કપડાંની એક દુકાન હતી. થોડા સમય પછી પિતાએ દિલ્હીના સદર બજારમાં થેલા અને ટોપીની દુકાન કરી હતી. ગુલઝાર પણ પિતાની સાથે દિલ્હી શિફ્ટ થઈ ગયા હતા. દિલ્હીની દુકાન સંભાળવા માટે તેઓ પોતાના ગોડાઉનમાં સૂઇને રાત પસાર કરતા હતા. આ પછી બીજા દિવસે તે સવારે ઊઠીને ઘરે જતા હતા અને ત્યાંથી શાળાએ જતા હતા. તેમના ગોડાઉનની સામે પુસ્તકનો સ્ટોલ હતો, જ્યાં ભાડેથી પુસ્તકો મળતાં હતાં. સમય પસાર કરવા માટે ગુલઝારે પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું હતું. તેમને ક્રાઈમ થ્રિલર પુસ્તકો પ્રત્યે એટલો શોખ હતો કે તે આખી રાત જાગીને આખું પુસ્તક વાંચ્યું હતું.
રવીન્દ્રનાથ ટાગોરના પુસ્તક થકી જીવનમાં બદલાવ આવ્યો : ગુલઝાર સ્ટોલ માંથી રોજ એક નવું પુસ્તક લેતા હતા. એક દિવસ તેના આ કામથી કંટાળીને સ્ટોલના માલિકે તેમને રવીન્દ્રનાથ ટાગોરના પુસ્તકનો ઉર્દૂ અનુવાદ આપ્યો હતો. આ પુસ્તકે ગુલઝારની આખી દુનિયા બદલી નાખી અને તેમને વાંચીને જ તેમણે લેખક બનવાનું મન બનાવી લીધું હતું. પુસ્તકો વાંચવાની સાથે તેમણે લખવાનું પણ શરૂ કર્યું હતું.
ગુજરાન ચલાવવા માટે ગેરેજમાં કામ કર્યું : વિભાજનની અસર પરિવારની આર્થિક સ્થિતિ ઉપર પણ પડી હતી. પરિણામે તેમણે પોતાનો અભ્યાસ છોડી દીધો અને મુંબઈના ભાયખલામાં એક ગેરેજમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. અહીં તેઓ વાહનોને રંગ કરવાનું કામ કરતા હતા.જીવન ટકાવી રાખવા માટે તેમણે આ કામ શરૂ કર્યું હતું, પરંતુ પુસ્તકો વાંચવાની પ્રક્રિયા ચાલુ રહી હતી. કામના બાકીના સમયમાં તેઓ પુસ્તકો વાંચતા અને મનમાં આવતા વિચારોને કાગળ પર ઉતારતા હતા, જેની નીચે તેઓ લખતા હતા.
પિતાએ આપી હતી આ સલાહ : જ્યારે તેમના પિતાના ધ્યાનમાં આ વાત આવી કે ગુલઝારને લખવાનો શોખ છે અને તે તેમાં ભવિષ્ય બનાવવા માંગે છે, ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા હતા. તેમણે ગુલઝારને ઘણું સમજાવ્યું અને કહ્યું કે તેમનું ભવિષ્ય બરબાદ થઈ જશે, તેમણે લંગરમાં જમીને દિવસો પસાર કરવા પડશે. તેમ છતાં ગુલઝારે પોતાનો માર્ગ ન બદલ્યો અને કવિતાની દુનિયામાં ઝંપલાવ્યું હતું.
ફિલ્મ ફ્લોપ થતાં ડિપ્રેશનનો ભોગ બન્યા હતા : 1971ની ફિલ્મ 'મેરે અપને' ગુલઝારની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ હતી. તેમણે 17 ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. 'હુ તુ તુ' (1999) ફિલ્મ પછી તેમણે દિગ્દર્શન કરવાનું બંધ કરી દીધું હતું. હકીકતમાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ હતી. ગુલઝાર ફિલ્મની નિષ્ફળતા સહન ન કરી શક્યા અને ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા. આ સમયગાળા દરમિયાન પુત્રી મેઘનાએ તેમને સૌથી વધુ સાથ આપ્યો અને તેમને આ સ્થિતિમાંથી બહાર કાઢ્યા હતા. ગુલઝારને 5 ફિલ્મો 'કોશિશ' (1972), 'મૌસમ' (1975), 'ઇઝાઝ' (1987), 'લેકિન' (1991) અને માચીસ (1996) માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.