- સંયુક્ત કિસાન મોરચાએ આપ્યું ભારત બંધનું એલાન
- કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન
- સપ્ટેમ્બર 2020 ના રોજ સંસદમાં કરવામાં આવ્યા હતા કાયદાઓ પસાર
હૈદરાબાદ : કેન્દ્ર સરકાર દ્વારા 2020 વર્ષમાં લાવેલા ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂતો 10 મહિનાથી આંદોલન કરી રહ્યા છે. તેમના આંદોલનને વધુ મજબૂત કરવા માટે ખેડૂતોએ 27 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, 17 સપ્ટેમ્બર 2020 ના રોજ સંસદમાં કૃષિ સંબંધિત ત્રણેય કાયદા પસાર કરવામાં આવ્યા હતા. આ એ જ કાયદા છે, જેની સામે વર્ષ 2020 નવેમ્બરમાં શરૂ થયેલું ખેડૂતોનું આંદોલન હજુ પણ ચાલુ છે. તો ચાલો જાણીએ કે તે આ ત્રણ કૃષિ કાયદા શું છે જેના પર સરકાર અને ખેડૂતો વચ્ચે એક પ્રકારનો સંઘર્ષ ફાટી નીકળ્યો છે.
ખેડૂતો દ્વારા વિરોધ
ભારતીય સંસદે 2020ના ચોમાસુ સત્ર દરમિયાન 3 કૃષિ કાયદા મંજૂર કર્યા હતા. ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) એક્ટ- 2020, ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રિમેન્ટ ઓફ પ્રાઈસ ઇસ્યોરન્સ, ફાર્મ સર્વિસીઝ એક્ટ- 2020 અને એસેન્શિયલ કોમોડિટીઝ (એમેડમેન્ટ) એક્ટ- 2020. ખાસ કરીને પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશના લાખો ખેડૂતો 10 મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આંદોલનના 10 મહિના થયા હોવા છતાં પ્રદર્શનકારો અને કેન્દ્ર સરકાર વચ્ચેની વાતચીત કોઈ નિર્ણયાત્મક પરિણામ આપી શકી નથી.
વિવાદોમાં મધ્યસ્થતા તરીકે ન્યાયાલયની માંગ
- ખેડૂતોને ભય છે કે નવા કૃષિ કાયદાને પગલે લઘુતમ ટેકાના ભાવે કરવામાં આવતી નિશ્ચિત સરકારી ખરીદી ક્રમશઃ રીતે બંધ કરાશે, જેને પગલે તેમને દર વર્ષે કોઈ ગેરંટેડ આવક મળતી બંધ થશે.
- તેમનું માનવું છે કે માર્કેટિંગની વૈકલ્પિક વ્યવસ્થા સ્થાપવી, તે એપીએમસી સિસ્ટમની નાબૂદીનું પહેલું પગલું છે. જેને કારણે પણ રાજ્ય સરકારને દર વર્ષે થતી આશરે રૂપિયા 3,900 કરોડની આવકનો ફટકો પડશે.
- ખેડૂતો માને છે કે ભાવ નક્કી કરવા માટે વધુ સક્ષમ એવી મોટી કંપનીઓ સાથે બારોબાર કારોબાર કરવામાં નાના ખેડૂતોનું શોષણ થશે. વિવાદોમાં મધ્યસ્થ તરીકે તેમને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ્સને બદલે અદાલતોની માગણી છે.
કૃષિ વિધેયક શા છે અને ખેડૂતોને પડકારો કયા છે
ભારત મોટા ભાગની કૃષિ પેદાશોમાં સરપ્લસ ધરાવતો દેશ હોવા છતાં કોલ્ડ સ્ટોરેજ, ગોદામો, પ્રોસેસિંગ અને નિકાસમાં રોકાણના અભાવે ખેડૂતોને સારા ભાવ મળી શકતા નથી. કારણ કે, આવશ્યક ચીજવસ્તુ ધારાને કારણે ઉદ્યોગસાહસિકનો ઉત્સાહ ઠંડો પડી જાય તેમ છે. ખેડૂતોને ખાસ કરીને ઝડપથી બગડી જાય તેવી કોમોડિટીઝના વિક્રમી ઉત્પાદનને કારણે પણ નુકસાન સહેવું પડે છે.તાજેતરના વિધેયક આવી ખામીઓને દૂર કરવા માટે તેમજ દેશમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તન તેમજ ખેડૂતોની આવક વધારવાનું લક્ષ ધરાવે છે.
ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ 2020:
મહત્ત્વની વિશેષતાઓ
- ખેડૂતોના ઉત્પાદનનો વેપાર: એવી વ્યવસ્થા સ્થાપવી, જેમાં ખેડૂતો અને વેપારીઓ રાજ્ય સરકારોની રજિસ્ટર્ડ એપીએમસી મંડીઓની બહાર કૃષિ પેદાશોનું ખરીદ-વેચાણ મુક્તપણે કરી શકે. તેઓ હવે સ્થાનિક બજારોમાં અથવા કોઈપણ રાજ્યમાં અથવા ઓનલાઈન માધ્યમથી પોતાની પેદાશો વેચી શકશે. આ રીતે, ખેડૂતોના ઉત્પાદનના રાજ્યની અંદર તેમજ રાજ્યો વચ્ચેના વેપાર આડેના અવરોધો દૂર થશે.
- બજાર ફી નાબૂદ થશેઃ એપીએમસી બજારોની બહાર થતા સોદા ઉપર રાજ્ય સરકારો બજાર ફી, સેસ કે લેવી વસૂલી શકશે નહીં.
ઓનલાઈન ટ્રેડિંગઃ
- તે કૃષિ પેદાશના ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગ માટેનું માળખું પૂરું પાડશે.
- માર્કેટિંગ / પરિવહનના ખર્ચ ઘટશે અને ખેડૂતોને વધુ સારા ભાવ મેળવવામાં મદદરૂપ થશે.
લાભઃ
- ખેડૂતને પસંદગીઃ સરકારના જણાવ્યા મુજબ, આ કાયદાથી ખેડૂતોને વિવિધ બજારો ઉપલબ્ધ બનતાં કયા બજારમાં પોતાનો માલ વેચવો તે બાબતે તેમની પાસે પસંદગીની સ્વતંત્રતા હશે.રાજ્યની બહાર વેપાર કરવાને પ્રોત્સાહન મળશે અને તેને પગલે ખાદ્ય સુરક્ષા વધશે.
- ખેડૂતો વધુ સારો ભાવ માગી શકશેઃ મંડી ફી નાબૂદ થવાને કારણે તેમજ વિવિધ પ્રકારનાં બજારોમાં વેચાણની પસંદગી મળવાને પગલે ખેડૂતો પોતાનાં ઉત્પાદનનો વધુ વળતરપ્રદ ભાવ માગી શકશે. એક દેશ, એક બજારનો અભિગમ સાકાર થશે.
સમસ્યાઓઃ
- સમવાયી દ્રષ્ટિકોણઃ આલોચકોની દલીલ છે કે ભારતીય બંધારણ હેઠળ કૃષિ ક્ષેત્રનાં વેચાણો રાજ્ય સરકારના નેજામાં હોવાથી કેન્દ્ર સરકાર તે માટે કાયદો કેવી રીતે ઘડી શકે?
- પ્રતિકૂળ બજાર પરિસ્થિતિઓઃ ઈનપુટ ખર્ચ વધી રહ્યા હોવાથી ખેડૂતો મુક્ત બજાર આધારિત માળખું પોતાને વળતરપ્રદ ભાવ નહીં આપે તેમ માને છે. અલબત્ત, લઘુતમ ટેકાના ભાવ હેઠળની વ્યવસ્થામાં પણ રકમ અપૂર્યાપ્ત છે. વર્ષ 2006માં બિહારે એપીએમસી મંડીઓ નાબૂદ કરી હતી, તે અગાઉનો અનુભવ દર્શાવે છે કે મંડીઓ નાબૂદ થવાથી ખેડૂતોને મળતા સરેરાશ ભાવ, મોટા ભાગના પાકોમાં ટેકાના ભાવે મળતા ભાવની સરખામણીએ ઘટ્યા છે.
- ટેકાના ભાવનો મુદ્દોઃ કાયદામાં લઘુતમ ટેકાના ભાવ સ્થાપવાથી સમસ્યા સર્જાય તેમ છે, કેમકે ટેકાના ભાવ વારંવાર બદલવા પડે છે.વારંવાર કાયદા બદલતા રહેવું, તે એક કંટાળાજનક અને થકવી નાંખે તેવી પ્રક્રિયા છે.
ધ ફાર્મર (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રિમેન્ટ ઓફ પ્રાઈસ એસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીઝ બિલ, 2020:
મહત્ત્વની વિશેષતાઓઃ
ખેતી કરવા માટેનો કરારઃ ખેડૂતો કંપનીઓ, કૃષિ વેપાર કરતી કંપનીઓ, પ્રોસેસર્સ, જથ્થાબંધ વેપારીઓ, નિકાસકારો કે મોટા રિટેલર્સ સાથે અગાઉથી નક્કી કરેલા ભાવે ભવિષ્યના કૃષિ ઉત્પાદનના વેચાણ માટે કરાર કરી શકશે.સીમાંત અને નાના ખેડૂતો, જેમની પાસે પાંચ હેક્ટર કરતાં ઓછી જમીન છે, તેમને એકત્રીકરણ અને કરારનો લાભ થશે.તેનાથી બજારની અનિશ્ચિતતાનું જોખમ ખેડૂતોને માથેથી સ્પોન્સરર્સને માથે તબદીલ થશે. ખેડૂતો આધુનિક ટેકનોલોજી તેમજ વધુ સારાં ઈનપુટ મેળવી શકશે.નિવારણની સમયરેખા સાથે વિવાદ નિવારણ માટે અસરકારક વ્યવસ્થાતંત્ર મળશે.
લાભ:
- સમાન સ્પર્ધાત્મકતાઃ ખેડૂતો મોટી કંપનીઓ સાથે શોષણના કોઈ પણ ડર વિના સમાન સ્પર્ધાત્મકતાએ હરીફાઈ કરવા સક્ષમ બનશે.
- જોખમ તબદીલ થશેઃ બજારની અનિશ્ચિતતાનું જોખમ ખેડૂતને માથેથી સ્પોન્સરર ઉપર તબદીલ થશે.
- ટેકનોલોજીની પહોંચ મળશેઃ ખેડૂતને આધુનિક ટેકનોલોજી અને વધુ સારાં ઈનપુટની પહોંચ મળી શકશે.
- ખાનગી ક્ષેત્ર આકર્ષાશેઃ ભારતીય કૃષિ પેદાશની રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક બજારોમાં સપ્લાય ચેઇન સ્થાપવા માટે તેમજ કૃષિ ક્ષેત્રે માળખાકીય સવલતો સ્થાપવા માટે ખાનગી ક્ષેત્ર આકર્ષાશે.
- વચેટિયાઓ હટી જશેઃ ખેડૂતો બારોબાર વેચાણ કરી શકતા હોવાને કારણે વચેટિયાઓ નાબૂદ થશે, જેને પરિણામે પૂરેપૂરું વળતર ખેડૂત મેળવી શકશે.
મુખ્ય સમસ્યાઓઃ
- ખેડૂતોને રક્ષણનો અભાવઃ આલોચકો એવો સવાલ ઉઠાવે છે કે જો ખરીદનાર એમ કહે કે પાકની ગુણવત્તા નક્કી થયા મુજબની ન હોવાથી તે કરાર પૂરો કરી શકે તેમ નથી, તો આવા સંજોગોમાં ખેડૂતોનું શું થાય.
- કિંમત નિયત થતી નથીઃ ભાવ નક્કી કરવા માટે કોઈ પદ્ધતિ કે વ્યવસ્થાનો ઉલ્લેખ નથી.
- ખાનગી કંપનીઓ દ્વારા શોષણઃ એવી દહેશત પણ સેવાઈ રહી છે કે ખાનગી કોર્પોરેટ ગૃહોને છૂટો દોર મળવાને કારણે ખેડૂતોનું શોષણ થઈ શકે છે.
- અદાલતોમાં વધુ કેસો મંડાશે અને તેની અસર નાના ખેડૂતો ઉપર પડશેઃ જો કે, નિષ્ણાતો કહે છે કે ભારતના 82 ટકા ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો છે, જેઓ કદાવર સુપરમાર્કેટની ચેઇન સામે અદાલતે જાય તેવી સંભાવના છે.
ધ એસેન્શિયલ કોમોડિટીઝ (એમેડમેન્ટ) બિલ, 2020ની જોગવાઈઓઃ
એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટનાં મૂળિયાં બીજા વિશ્વ યુદ્ધ સમયે વવાયાં હતાં, જ્યારે બ્રિટિશરોએ ભારતની ખેતપેદાશોનો ફાયદો ઉઠાવવા આ કાયદો લાગુ કર્યો હતો. આ કાયદામાં કઠોળ, તેલીબિયાં, કાંદા વગેરે જેવી આવશ્યક કોમોડિટીઝના સંગ્રહ ઉપર પ્રતિબંધ છે, પરંતુ હવે તેને સુધારવામાં આવ્યો છે.
મહત્ત્વની વિશેષતાઓઃ
- આવશ્યક ચીજવસ્તુ ધારામાં કરાયેલા સુધારા મારફતે અનાજ, કઠોળ, બટાટા, કાંદા, ખાદ્ય તેલીબિયાં અને તેલો જેવી ખાદ્ય પેદાશોને આવશ્યક ચીજવસ્તુઓની યાદીમાંથી હટાવી લેવામાં આવી છે.
- કેન્દ્ર સરકાર યુદ્ધ કે દુકાળ જેવી ભીષણ પરિસ્થિતિમાં અથવા તો અસાધારણ ભાવવધારાના સંજોગોમાં અપવાદરૂપે આ ચીજોની સપ્લાયનું નિયમન કરી શકશે.
- ભાવ વધારાને આધારે જથ્થા મર્યાદાઃ નવા સુધારામાં જો નાશવંત માલનો ભાવ 100 ટકા વધે અથવા તો બિનનાશવંત ચીજોનો ભાવ 50 ટકા વધે તો સરકાર જથ્થાત્મક નિયંત્રણ લાદી શકે છે.
લાભઃ
- ખાનગી કંપનીઓને આકર્ષે છે
- તેનાથી બિઝનેસનાં કામકાજમાં વધુ પડતા નિયંત્રાત્મક હસ્તક્ષેપ બાબતે ખાનગી રોકાણકારોનો ભય દૂર થશે.
- તેનાથી કોલ્ડ સ્ટોરેજીસ જેવી કૃષિ ક્ષેત્રે માળખાકીય સવલતોમાં રોકાણ આવશે અને ફૂડ સપ્લાય ચેઇનનું આધુનિકીકરણ થશે.
- તેનાથી ભાવમાં સ્થિરતા લાવવામાં ખેડૂતો અને ગ્રાહકો બન્નેને મદદ મળશે.
- તેનાથી બજારમાં સ્પર્ધાત્મક માહોલ પેદા થશે અને કૃષિ પેદાશોનો બગાડ અટકશે.
આવશ્યક ચીજવસ્તુઓ કઈ છે ?
- એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ (આવશ્યક ચીજવસ્તુ ધારા) (1955) મુજબ," આવશ્યક ચીજવસ્તુઓ" એટલે આ કાયદાના "શિડ્યુઅલ"માં જણાવાયેલી કોમોડિટી.
- આ કાયદાથી કેન્દ્ર સરકારને રાજ્ય સરકારો સાથેના પરામર્શમાં જાહેર હિતમાં "શિડ્યુઅલ"માં કોમોડિટી ઉમેરવાની કે હટાવવાની સત્તા મળે છે.
- કોમોડિટીને આવશ્યક તરીકે જાહેર કરીને સરકાર તે કોમોડિટીનું ઉત્પાદન, સપ્લાય અને વિતરણ નિયંત્રિત કરી શકે છે તેમજ તેના ઉપર જથ્થાત્મક મર્યાદા પણ લાદી શકે છે.
- હાલમાં, "શિડ્યુઅલ"માં નવ કોમોડિટીઝ સામેલ છેઃ
- દવાઓ, ફર્ટિલાઈઝર્સ - ઓર્ગેનિક, બિનઓર્ગેનિક કે મિશ્ર - તમામ, ખાદ્ય તેલો સહિત તમામ ખાદ્ય ચીજો, સંપૂર્ણપણે કપાસમાંથી બનાવાયેલું કાંતેલું સૂતર, પેટ્રોલિયમ અને પેટ્રો પેદાશો, કાચું શણ અને જ્યૂટ કાપડ, ખાદ્ય પાકોનાં બિયારણ તેમજ ફળો અને શાકભાજીનાં બિયારણ, પશુચારાનાં બિયારણ, શણનાં બીજ, કપાસિયાં, ફેસ માસ્ક અને હેન્ડ સેનિટાઇઝર્સ
- નવી ઉમેરાયેલી ચીજવસ્તુઓઃઆ શિડ્યુઅલમાં તાજેતરમાં ફેસ માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર્સનો ઉમેરો કરાયો છે, જેને કોવિડ-19 મહામારી ફાટી નીકળવાને પગલે આવશ્યક ચીજવસ્તુઓ જાહેર કરાઈ છે.
મુખ્ય સમસ્યાઓઃ
નવા ફેરફારોને કારણે સંગ્રહખોરી વધશે અને ચીજોનો કૃત્રિમ ભાવ વધારો જોવા મળશે. રાજ્યને ખબર નહીં હોય કે રાજ્યમાં જથ્થો ઉપલબ્ધ છે કે નહીં, તેથી ખાદ્ય સુરક્ષાનો અંદાજ આંકવો મુશ્કેલ બનશે. ટીકાકારોને મતે, આવશ્યક ચીજોના ભાવમાં બિનતાર્કિક વધઘટ જોવા મળશે અને કાળાં બજાર વધશે. આ ઉપરાંત અન્ય સળગતી સમસ્યાઓ પણ છે, જેવું કે રાજ્યો આવક ગુમાવશે, કેમકે જો ખેડૂતો પોતાનાં ઉત્પાદન રજિસ્ટર્ડ એપીએમસી બજારોની બહાર વેચશે, તો રાજ્ય સરકારોને મંડી ફી નહીં મળે.જો સમગ્ર કૃષિ વેપાર મંડીની બહાર ચાલ્યો જશે, તો રાજ્યોમાં જે આડતિયા કે કમિશન એજન્ટો છે, તેમનું શું થશે?તેનાથી તબક્કાવાર રીતે લઘુતમ ટેકાના ભાવ આધારિત સરકારી ખરીદીની વ્યવસ્થાનો અંત આવે તેવી સંભાવના છે.ઈ-નામ જેવી ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગ પદ્ધતિમાં ભૌતિક લે-વેચ માટે મંડીનું માળખું ઉપયોગમાં લેવાય છે.
લઘુતમ ટેકાના ભાવનું વ્યવસ્થાતંત્ર
- લઘુતમ ટેકાના ભાવ (એમએસપી), એવો ભાવ છે, જે ભાવે સરકાર ખેડૂતો પાસેથી અનાજ ખરીદે છે.
- ટેકાના ભાવની આવશ્યકતા : સપ્લાયમાં વિવિધતા, બજાર સંકલનનો અભાવ તેમજ માહિતીની અસમપ્રમાણતા જેવાં પરિબળોને કારણે કૃષિ પેદાશોના ભાવમાં વધઘટની સમસ્યા દૂર કરવા ટેકાના ભાવ જરૂરી છે.
- કમિશન ફોર એગ્રિકલ્ચરલ કોસ્ટસ એન્ડ પ્રાઈસીઝ (સીએસીપી) દ્વારા માગ અને પુરવઠા, ઉત્પાદન ખર્ચ (A2+ FL ફોર્મ્યુલા), બજારમાં ભાવના ટ્રેન્ડ્સ, આંતર પાક સમાનતા વગેરેના આધારે કરાયેલી ભલામણો ઉપરથી ટેકાના ભાવ નક્કી થાય છે.
- ટેકાના ભાવ અંગેનો છેવટનો નિર્ણય કેન્દ્ર સરકારની આર્થિક બાબતો માટેની સંસદીય સમિતિ દ્વારા લેવાય છે.
- કોસ્ટ A2 - આ એ ખર્ચ છે, જે ખેડૂત પોતે બિયારણથી માંડીને ફર્ટિલાઈઝર્સ અને જંતુનાશકોથી માંડીને મજૂરો ભાડે રાખવા, મશીનરી ભાડેથી લાવવી તેમજ જમીન લીઝ ઉપર લેવી વગેરે વિવિધ ઈનપુટ ખરીદવા માટે પોતાના ખિસ્સામાંથી ચૂકવે છે. Cost A2 +FL - કૃષિ ક્ષેત્રે ખેડૂતો ઘણું ખરું પરિવારના સભ્યોની મદદ પણ લે છે અને જો તેમનો ખર્ચ ગણતરીમાં લેવામાં આવે અને Cost A2માં ઉમેરવામાં આવે તો તે અભિગમને A2+FL તરીકે ઓળખવામાં આવે છે.
- કોમોડિટીઝનાં પાંચ જૂથો (22 કોમોડિટીઝ) માટે ટેકાના ભાવ જાહેર કરાય છે : અનાજ, કઠોળ, તેલીબિયાં, કપાસ, શણ અને મેસ્ટા.
ટેકાના ભાવની પ્રથામાં મુશ્કેલીઓઃ
સરકારી ખરીદીમાં ચોખા અને ઘઉંનું વર્ચસ્વ છે. ટેકાના ભાવ અંગે નીતિ આયોગના અહેવાલ મુજબ આસામમાં બે પસંદ કરાયેલાં જિલ્લામાંથી એક જિલ્લામાં એક પણ ડાંગર ખરીદીનું કેન્દ્ર (પીપીસી) નથી. બિહારમાં ટેકાના ભાવે વેચાણ નહીં કરવાનું કારણ એ હતું કે ખરીદ કેન્દ્રો સુધી પહોંચવા માટે પરિવહનનો ખર્ચ ઘણો વધુ થતો હતો. તેમજ બ્લૉક પરચેઝ સેન્ટર્સ ખાતે મધ્યસ્થીની સંડોવણી ખૂબ વધુ હતી. પશ્ચિમ બંગાળમાં એક પણ ખેડૂતે પોતાનું ઉત્પાદન ટેકાના ભાવે વેચ્યું નથી. ડાંગર માટે મંડીઓ કે બજારોનું અસ્તિત્વ ન હોવાને કારણે વચેટિયાઓ હોય તે ઘણું સ્વાભાવિક છે. ખેડૂતોને ચૂકવણીમાં વિલંબ થાય તો તેમને પોતાનું ઉત્પાદન બજારમાં નીચા ભાવે વેચી દેવાની ફરજ પડે છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને કદાવર આર્થિક બોજો ઉઠાવવો પડે છે. અનાજનો જંગી ખડકલો થઈ ગયો છે, છતાં સબસિડીઓ વિના તેની નિકાસ કરી શકાતી નથી, જેમાં વિશ્વ વ્યાપાર સંગઠનનાં વાંધા નડે છે.રાજ્યોમાં માળખાકીય સવલતોની વ્યાપક અસમાનતાઓ છે, ઉદાહરણ તરીકે, પંજાબમાં ટેકાના ભાવ અને એપીએમસી મંડીઓનું મજબૂત નેટવર્ક છે, પરંતુ પૂર્વનાં રાજ્યોમાં એવું નથી.
ખેડૂતોની માગણીઓ શી છે ?
- સરકારે ત્રણેય કાયદાઓ રદ કરવા જોઈએ : વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોની સૌપ્રથમ અને સર્વોપરી માગ એ છે કે ત્રણેય નવા કૃષિ કાયદાને રદ કરવા જોઈએ. ખેડૂત સંગઠનો જણાવે છે કે આ કાયદા કંપનીઓને લાભ કરાવશે, ખેડૂતોને નહીં.
- લઘુતમ ટેકાના ભાવ અંગે કાયદો : ખેડૂતોની બીજી માગણી છે કે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)એ પાકોની સરકારી ખરીદી સુનિશ્ચિત કરવા માટે ટેકાના ભાવની ગેરંટી આપવી. જોકે, સરકારે ટેકાના ભાવે ખરીદી ચાલુ રાખવાની ખાતરી આપી છે અને હાલની સરકારના શાસનકાળ દરમ્યાન ઘઉં અને ચોખા સહિત અન્ય પાકોમાં વિક્રમી સરકારી ખરીદીનાં ઉદાહરણો પણ આપ્યાં છે.
- વિનામૂલ્યે વીજળી : ખેડૂતોની ત્રીજી માગણી છે કે ઈલેક્ટ્રિસિટી (એમેન્ડમેન્ટ) બિલ પાછું ખેંચવું, કેમકે તેમને લાગે છે કે તેને કારણે તેમને વિના મૂલ્યે વીજળી નહીં મળે.
- ખડ બાળવાના ગુનામાં જેલની સજા પાછી ખેંચવી : ખેડૂતોની ચોથી માગ છે કે ખડ બાળવાના કિસ્સામાં ખેડૂતને દંડ અને જેલની સજાની જોગાવાઈ છે, તે દૂર કરવી.
- ડિઝલ ઉપર 50 ટકા સબસિડી : કૃષિ વપરાશ માટે ડિઝલનો ભાવ 50 ટકા ઘટાડવો.
- ટેકાના ભાવ દાખલ કરવા : ખેડૂતોની એવી પણ માગણી છે કે સ્વામિનાથન કમિશન દ્વારા કરાયેલી ભલામણો મુજબ લઘુતમ ટેકાના ભાવ આપવા જોઈએ. સ્વામિનાથન કમિશનનો રિપોર્ટ જણાવે છે કે સરકારે ટેકાના ભાવ સરેરાશ ઉત્પાદન ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50 ટકા જેટલા વધુ આપવા જોઈએ. તેને C2+ 50 ટકા ફોર્મ્યુલા તરીકે પણ ઓળખાવાય છે.
બજારલક્ષી સુધારા શા માટે જરૂરી છે ?
- ટેકાના ભાવની વ્યવસ્તા 1960ની મધ્યે સર્જાયેલી અછતને કારણે દાખલ કરાઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં ભારતીય કૃષિ ક્ષેત્ર અછતમાંથી સરપ્લસની સ્થિતિમાં આવી ગયું છે.
- સરપ્લસ અર્થતંત્રમાં જો કૃષિને માગ-આધારિત નહીં બનાવીએ તો ટેકાના ભાવનો માર્ગે નાણાકીય અધોગતિનો રસ્તો સાબિત થઈ શકે છે.
- આ પરિવર્તન કિંમત નિર્ધારણની પ્રક્રિયા કેટલી સરકારના ટેકા ઉપર નિર્ભર રહેશે અને કેટલી બજાર દ્વારા સંચાલિત થશે, તે બદલવા માટેનું છે.
- નવા કાયદામાં ટેકાના ભાવની પ્રથા નાબૂદ કર્યા વિના બજારોની સંબંધિત ભૂમિકા વધારવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
એમ.એસ. સ્વામિનાથન કમિટીએ ટેકાના ભાવમાં સુધારા વિશે કરેલી ટિપ્પણીઓઃ
- ખેડૂતોમાં માહિતી અને જાગૃતિનું નિમ્ન સ્તર
- ખેડૂતોને ટેકનોલોજીની મદદથી તરત ચૂકવણી
- ટેકાના ભાવની સમયસર જાહેરાત, જેમકે, ખેડૂતો વાવણીનો નિર્ણય લે તે અગાઉ
- પ્રાપ્તિ (સરકારી ખરીદી) કેન્દ્રો ખાતે વધુ સારી સવલતો સ્થાપવી.
- ટેકાના ભાવ જાહેર કરતાં પહેલાં રાજ્ય સરકારો સાથે પરામર્શ કરવો.
ભારતનું કૃષિ ક્ષેત્રઃ ઉત્પાદકતાના પડકારો
- 16.96 કરોડ હેક્ટરમાં પથરાયેલી ભારતની ખેતીલાયક જમીન, વિશ્વમાં સૌથી વિશાળ છે. ભારત સરકારની ટોચની સંશોધન સંસ્થા નોંધે છે કે ફર્ટિલાઈઝરના દુરુપયોગ, નબળી પાક પદ્ધતિઓ તેમજ પોષક તત્ત્વોની ઉણપને કારણે 60 ટકા ખેતીની જમીન જોખમી છે.
- વિશ્વભરમાં ભૂગર્ભમાંથી કાઢવામાં આવેલા 13 ટકા પાણીનો વપરાશ કરે છે અને 87 ટકા પાણી સિંચાઈમાં વપરાય છે. ઉત્પાદકતા વધારવા માટે સિંચાઈનો વ્યાપ વધારવાની વ્યૂહરચના મુખ્યત્વે અપનાવાય છે, વર્ષ 1981થી 2013 સુધીમાં સિંચાઈ હેઠળની ખેતીલાયક જમીનની માત્રા 20 ટકાથી વધીને 35 ટકા થઈ છે.
- દેશ ચોમાસા દરમ્યાન વરસાદમાં ઘટાડાની સંભાવનાનો સામનો કરી રહ્યો છે. ભારત મુખ્યત્વે વરસાદ આધારિત ખેતી ધરાવે છે.કૃષિ ઉત્પાદનમાં દેશની 55 ટકા વસ્તી રોકાયેલી છે. ખેતરો કુટુંબના સભ્યો વચ્ચે વહેંચાયેલા હોવાથી આજે ખેતરનું સરેરાશ કદ 40 વર્ષ પહેલાં જેટલું હતું, તેનાથી (2.87 એકરથી ઘટીને 1.16 હેક્ટર) અડધું છે.
- પૂર કે કેનાલ જેવી સરફેસ ઈરીગેશન દ્વારા પાણીની સિંચાઈ ક્ષમતા 35-40 ટકા જેટલી અત્યંત ઓછી છે, જ્યારે ભૂગર્ભનાં પાણી પમ્પ દ્વારા ખેંચીને સિંચાઈ માટે વપરાતાં હોય, તેની ક્ષમતા 65-70 ટકા જેટલી છે. આ બિનસલાહભરી વ્યવસ્થાને કારણે દેશની જળસંપત્તિ ઘટતી જાય છે.
- ફર્ટિલાઈઝર્સ, વીજળી અને સિંચાઈ માટે સરકારની સબસિડીઓ 1990-91થી 2006-07 દરમ્યાન આઠ ગણા કરતાં પણ વધુ વધી છે. સૌથી વધુ સબસિડી મેળવતા વિસ્તારો, સૌથી ઓછી સબસિડી મેળવતા વિસ્તારો કરતાં સતત નબળી ઉત્પાદકતા નોંધાવી રહ્યા છે.
- ખાદ્યાન્નની ખરીદી અને વિતરણથી માંડીને ઓછી આવક અને વંચિત પરિવારો માટેની સરકારની સબસિડીઓ 1990ના દાયકામાં જીડીપીના 2.2 ટકા હતી, જે 2000ના દાયકામાં વધીને 5 ટકા થઈ હતી. કૃષિ શિક્ષણ, સંશોધન, ટેકનોલોજી અને વિસ્તરણમાં રોકાણ વધારવું આવશ્યક છે.