- ટીએમસીના કાર્યકર્તાઓએ ભાજપની એલઈડી ગાડીમાં તોડફોડ કરી
- ચૂંટણી પંચે ચૂંટણીની તારીખ જાહેર કરી તે પછી પહેલો હુમલો થયો
- રાત્રે 11 વાગ્યે ભાજપના પરિવર્તન રથો પર હુમલો કરાયો
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની તારીખની જાહેરાત થયા બાદ કોલકાતામાં હિંસાની પહેલી ઘટના સામે આવી છે. કાદાપારા વિસ્તારમાં ગઈકાલે રાત્રે 11 વાગ્યે કેટલાક લોકો આવ્યા હતા અને ભાજપના પરિવર્તન રથો પર હુમલો કર્યો હતો. ભાજપનો આક્ષેપ છે કે, કેટલાક લોકોએ હુમલો કરીને તેમની ગાડીમાં તોડફોડ કરી હતી. આ સાથે જ એલઈડી લાઈટ પર ચોરી ગયા હતા.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
સૂત્રોના જણાવ્યાનુસાર, આ ઘટના પશ્ચિમ બંગાળના ફૂલબાગાના સ્થિત કાદાપારા વિસ્તારમાં બની હતી, જ્યાં કેટલાક લોકોએ ભાજપના ગોડાઉનમાં ઘૂસીની ગાડીમાં તોડફોડ કરી હતી. આ સાથે જ કેટલાક લોકોએ ગોડાઉનમાં ઘૂસીને ભાજપની પ્રચારવાળી ગાડીઓને પણ તોડી નાખી હતી. સીસીટીવી કેમેરામાં સંપૂર્ણ ઘટના કેદ થઈ ગઈ છે, જેમાં કેટલાક લોકો ભાજપના કાર્યકર્તાઓ સાથે બહેસ કરી રહ્યા છે, પરંતુ ત્યારબાદ તે લોકોએ ભાજપની ગાડીઓમાં તોડફોડ કરવાનું શરૂ કરી દીધું હતું. મોબાઈલમાં કેદ થયેલી તસવીરો સ્પષ્ટ કરે છે કે કેવી રીતે ગાડીઓના કાચ તોડવામાં આવ્યા અને એલઈડી ચોરવામાં આવી. ઘણી વાર સુધી તોફાન અને તોડફોડ કર્યા બાદ તેઓ પરત ફર્યા હતા. ભાજપના નેતાએ કહ્યું કે, આવામાં કેવી રીતે નિષ્પક્ષ ચૂંટણી થઈ શકે.
ગુંડાઓએ ચૂંટણી પંચને પડકાર ફેંક્યો છેઃ ભાજપ
પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયે એક વીડિયો શેર કરી આ ઘટના અંગે જાણકારી આપી હતી. તેમણે ટ્વિટ કર્યું કે, આજે જ ચૂંટણી પંચે ચૂંટણીની તારીખ જાહેર કરી છે ને તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓએ રાત્રે 11 વાગ્યે ભાજપના કાદાપારા ગોડાઉનમાં ઘુસીને એલઈડી ગાડીઓમાં તોડફોડ કરી ચોરી ગયા હતા. કદાચ ગુંડાઓએ ચૂંટણી પંચને પડકાર આપ્યો છે.