ઈમ્ફાલઃ મણિપુરના વિષ્ણુપુર જિલ્લામાં શુક્રવાર મોડી રાત્રે આતંકવાદીઓએ પિતા-પુત્ર સહિત ત્રણ લોકોની હત્યા કરી. શનિવાર સવારે પોલીસે જણાવ્યું કે જિલ્લાના ક્વાકટા સ્થળે નિદ્રાધિન લોકો પર ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતારાયા. ગોળીબાર કર્યા પછી તલવારથી મૃતદેહોના કટકા કરાયા. પોલીસ અનુસાર હુમલાખોરો ચુરાચાંદપુરથી આવ્યા હતા અને મીડિયા રીપોર્ટ કહે છે કે મૃતકો મૈતેઈ સમુદાયના છે.
ઘરે પરત ફરતાં જ ગોળીબારઃ વધુ માહિતી મુજબ આ ત્રણેય રાહત શિબિરમાં રહેતા હતા પણ સ્થિતિમાં સુધારો થતા તેઓ શુક્રવારે ક્વાકટામાં પોતાના ઘરે પરત ફર્યા હતા. ઘટના પછી તરત જ લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને ચુરાચાંદપુર જવા માંગતી હતી. સુરક્ષાકર્મીઓના રોક્યા બાદ ભીડ આગળ વધતી અટકી ગઈ.આ ઘટનાને સંદર્ભે વિષ્ણુપુર જિલ્લામાં હિંસા ફાટી નીકળી જેમાં કુકી સમુદાયના અનેક ઘરને આગચંપી કરાઈ. મીડિયા રીપોર્ટ અનુસાર કુકી સમુદાય અને સુરક્ષાદળો વચ્ચે ભારે ગોળીબાર થયો. આ હિંસાને રોકવા મણિપુર પોલીસ અને કમાંડો જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે.
કમાન્ડો પણ ઘાયલઃ આ ગોળીબારમાં મણિપુરના એક કમાન્ડોને માથામાં ભારે ઈજા થઈ છે. આ કમાન્ડોને વિષ્ણુપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારમાં અર્ધ લશ્કરી દળોને ગોઠવવામાં આવ્યા છે. આ હિંસા બાદ વિષ્ણુપુરમાં પરિસ્થિતિ ઘણી વણસી રહી છે.
ગેરકાયદેસર બંકરનો નાશ કરાયોઃ પોલીસ જણાવે છે કે કેટલાક લોકો બફર ઝોન પાર કરીને મૈતેઈ વિસ્તારમાં આવ્યા અને ગોળીબાર કર્યો હતો. મીડિયા રીપોર્ટ અનુસાર, કેન્દ્રીય દળોએ સુરક્ષિત બફર ઝોન વિષ્ણુપુર જિલ્લાના ક્વાકટા વિસ્તારથી 2 કિમી દૂર બનાવ્યો છે. પોલીસ ઘટના સ્થળ પર હાજર જ છે. પીટીઆઈના રીપોર્ટ અનુાસર, ક્વાકટા અને ફૌગાકચાઓ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર થઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે 4 ઓગસ્ટ, મણિપુર પોલીસે કહ્યું હતું કે એક સંયુક્ત સુરક્ષા દળે કૌટુક પર્વતમાળામાં એક ઓપરેશન દરમિયાન સાત ગેરકાયદેસર બંકરનો નાશ કર્યો હતો.
અગાઉની અથડામણમાં 17 ઘાયલઃ આ દરમિયાન મણિપુરમાં 27 વિધાનસભા ક્ષેત્રોની સમન્વય સમિતિએ શનિવારે લાદેલી 24 કલાક હડતાળથી ઈમ્ફાલ ખીણ વિસ્તારનું જનજીવન પ્રભાવિત થયું છે. લગભગ દરેક વિસ્તારમાં બજાર અને વેપારી પ્રવૃત્તિઓ બંધ છે. બે દિવસ પહેલા ગુરૂવારે મણિપુરના વિષ્ણુપુર જિલ્લામાં સશસ્ત્ર દળો અને મૈતેઈ સમુદાયના પ્રદર્શનીઓ વચ્ચે થયેલ અથડામણમાં 17 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.