- બિહારના CM નીતીશ કુમારની મહત્વની જાહેરાત
- મારી રાજકીય કારકિર્દીની આ છેલ્લી ચૂંટણી છે: નીતીશ કુમાર
- ત્રીજા તબક્કાના ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ
પૂર્ણીયા: બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના પ્રચારના અંતિમ દિવસે પૂર્ણિયામાં જાહેર સભાને સંબોધન કરતાં મુખ્યપ્રધાન નીતીશ કુમારે મહત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, આ ચૂંટણી મારી રાજકીય કારકિર્દીની છેલ્લી ચૂંટણી છે.
ઉલ્લેખનીય છે કે, નીતીશ કુમાર પર LJP અધ્યક્ષ ચિરાગ પાસવાન અનેક વખત શાબ્દિક પ્રહારો કરી ચૂક્યા છે. તો RJD નેતા તેજસ્વી યાદવ પણ અનેક મુદ્દે નીતીશ કુમાર પર આરોપ લગાવતા રહ્યા છે.
વર્ષ 1977માં રાજકારણમાં પ્રવેશ કર્યો
નીતીશ કુમારે વર્ષ 1977માં તેની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. તેમણે નાલંદાના હરનૌતથી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. નીતીશ કુમાર હરનૌત વિધાનસભા બેઠક પરથી 4 વખત ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમનો વર્ષ 1977 અને 1980માં પરાજય થયો હતો, જ્યારે 1985 અને 1995માં તેમનો વિજય થયો હતો.
6 વખત રહ્યા બિહારના CM
નીતિશ કુમારે વર્ષ 2004માં લોકસભાની તેમની છેલ્લી ચૂંટણી લડી હતી. જેમાં નાલંદા બેઠક પરથી તેમનો વિજય થયો હતો. ત્યારબાદ તેમણે લોકસભાની ચૂંટણી લડી નથી. નીતીશ કુમાર 6 વખત બિહારના મુખ્યપ્રધાન પદે રહ્યા છે.