હૈદરાબાદ : સામાનની ચોરી કરતી વખતે ચોર રંગે હાથે પકડાઈ જવાના અને લોકોએ ચોરને મેથીપાક ચખાડ્યાના અનેક કિસ્સા સામે આવે છે. પરંતુ હૈદરાબાદમાં જે બન્યું તે ખરેખર રસપ્રદ છે. અહીંયા શિવાલયનગર વિસ્તારમાં પકડાઈ ન જાય તે માટે એક ચોર તળાવની વચ્ચે એક પથ્થર પર બેસી ગયો હતો. ચોરે તળાવમાંથી બહાર આવવા માટે શરતો મૂકતા કહ્યું કે, જો તેલંગાણાના વર્તમાન મુખ્યપ્રધાન રેવન્ત રેડ્ડી અને તેમના પુરોગામી કે. ચંદ્રશેખર રાવ ટીવી ચેનલ સાથે સ્થળ પર આવશે તો જ બહાર આવીશ.
શું હતો બનાવ ? તેલંગાણાની રાજધાની હૈદરાબાદના સુરારામ પોલીસ સ્ટેશન વિસ્તારના શિવાલયનગર વિસ્તારમાં નંદુ અને તેની પત્ની નાગલક્ષ્મીના ઘરે 15 ડિસેમ્બરના રોજ ચોરી થઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે શુક્રવારે દંપતીએ એક પરિચિતના કાર્યક્રમમાં હાજરી આપવા ઘર બંધ કરીને ગયા હતા. સાંજના 4.30 વાગે તેમની બીજી પુત્રી સાંઈજ્યોતિ ઘરે આવી ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો, જ્યારે ગેટ અંદરથી બંધ હતો. જ્યારે સાઈજ્યોતિને શંકા ગઈ ત્યારે તેણે અંદર જઈને જોયું તો બેડરૂમના કબાટમાંથી વસ્તુઓ વેરવિખેર પડી હતી. ઉપરાંત ત્યાં એક વ્યક્તિ પૈસા ગણી રહ્યો હતો.
પોલીસથી બચવા માટે ચોરની ચાલાકી : ઘરમાં ચોરને જોઈને છોકરી ડરી ગઈ અને દોડીને બહાર આવીને શોરબકોર મચાવ્યો હતો. ચોર સ્થળ પરથી ભાગ્યો જેનો સ્થાનિક લોકોએ પીછો કર્યો હતો. લોકોથી બચવા માટે ચોર મોટા તળાવમાં ગયો અને તળાવ વચ્ચેના એક વિશાળ પથ્થર પર બેસી ગયો. જોકે પછીના કેટલાક કલાક ઘટનાઓનો નાટકીય ક્રમ ચાલ્યો હતો. કારણ કે સ્થાનિક લોકોએ ચોરને તળાવમાંથી બહાર આવવા કહ્યું પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં. આ દરમિયાન સ્થાનિક લોકોએ સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.
ચોર-પોલીસનો મજેદાર નાટ્યક્રમ : આ અંગે માહિતી મળતા SI વેંકટેશ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ચોરને તળાવમાંથી બહાર આવવા કહ્યું. SI નારાયણ સિંહ પણ રાત્રે 8.30 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી ગયા અને ચોરને બહાર આવવા સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે માન્યો નહીં. એવું જાણવા મળ્યું છે કે, ચોર બહાર આવે અને તેને કસ્ટડીમાં લઈ શકાય તે માટે પોલીસ રાત્રે 12.30 સુધી રાહ જોઈને બેસી રહી હતી. પોલીસને ચોરને સમજાવવા સખત મહેનત કરવી પડી હતી અને કેસની વધુ તપાસ માટે તેને તળાવમાંથી બહાર લાવવા વિનંતી કરવી પડી હતી.
સીએમ આવે તો બહાર આવીશ ! સૂત્રોએ જણાવ્યું કે ચોરે પોલીસને કહ્યું કે તે ત્યારે જ બહાર આવશે જ્યારે તેલંગાણાના વર્તમાન મુખ્યપ્રધાન રેવંત રેડ્ડી અને તેના પુરોગામી કે. ચંદ્રશેખર રાવ ટીવી ચેનલ સાથે ઘટનાસ્થળે પહોંચશે. બીજી તરફ, પીડિત પરિવારમાં ગુસ્સો ભભૂક્યો હતો, કારણ કે ચોરે તેમની મહેનતના 20,000 રૂપિયાની કમાણી લૂંટી લીધી હતી. જોકે આ અતરંગી ચોર પોલીસના હાથે ઝડપાયો કે નહીં તે જાણી શકાયું નથી.