બેંગ્લોર : કર્ણાટક સરકારે રાજ્યની મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે મહત્વપૂર્ણ યોજના શરુ કરી છે. ગૃહ લક્ષ્મી યોજના હેઠળ APL અને BPL કાર્ડ ધરાવતા પરિવારોની મુખ્ય મહિલાને 2,000 રૂપિયાની સહાય મળશે. મૈસુરની દેવી ચામુંડેશ્વરી પણ કર્ણાટક સરકારની ગૃહ લક્ષ્મી યોજનાના લાભાર્થીઓમાં સામેલ થશે. કોંગ્રેસ MLC અને પાર્ટીના રાજ્ય મીડિયા સેલના ઉપાધ્યક્ષ દિનેશ ગૂલીગૌડાએ જણાવ્યું હતું કે, તેમણે નાયબ મુખ્યપ્રધાન ડી.કે. શિવકુમારને પત્ર લખીને વિનંતી કરી છે કે, ગૃહ લક્ષ્મી યોજના હેઠળ દેવીને દર મહિને 2,000 રૂપિયા ચૂકવવામાં આવે.
નાયબ મુખ્યપ્રધાનનો નિર્દેશ : દિનેશ ગૂલીગૌડાએ કહ્યું કે, કર્ણાટક કોંગ્રેસ પ્રમુખ શિવકુમાર પણ આ પ્રસ્તાવ સાથે સંમત થયા અને મહિલા અને બાળ કલ્યાણપ્રધાન લક્ષ્મી હેબ્બાલકરને દર મહિને ચામુંડેશ્વરી મંદિરના ખાતામાં રકમ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. ગૂલીગૌડાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, નાયબ મુખ્યપ્રધાને મારા પત્રનો તરત જ વળતો જવાબ આપ્યો અને લક્ષ્મી હેબ્બાલકરને તેમના વિભાગ દ્વારા અથવા વ્યક્તિગત રીતે દેવીને દર મહિને રૂ. 2,000 જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.
ગૃહ લક્ષ્મી યોજના : કર્ણાટક સરકારે 30 ઓગસ્ટના રોજ મૈસુરથી દેવી ચામુંડેશ્વરી મંદિરમાં પ્રથમ હપ્તો જમા કરીને ગૃહ લક્ષ્મી યોજનાની શરૂઆત કરાવી હતી. આ રકમ દેવીને અર્પણ કરતાં મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા અને શિવકુમારે યોજનાની સફળતા માટે પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનિય છે કે, આ યોજનાનો ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને સશક્ત કરવાનો છે.