ચેન્નાઈ(તમિલનાડુ): તમિલનાડુના સાલેમ જિલ્લામાં રહેતા 2 ગરીબ અને દલિત ખેડૂતોને ઈડીએ સમન્સ પાઠવ્યા છે. આ મુદ્દે આઈઆરએસ ઓફિસર અને GST&CEના ડેપ્યૂટી કમિશ્નર બી બાલા મુરુગને નાણાં પ્રધાન નિર્મલા સિતારમણના રાજીનામાની માંગ કરી છે. મુરુગને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને પત્ર લખીને આ સમગ્ર ઘટનાની જાણ કરી છે અને નાણાં પ્રધાનનું રાજીનામુ લેવાની માંગ કરી છે. મુરુગને આ ઘટનામાં નાણાં પ્રધાનને સીધા જવાબદાર ગણ્યા છે.
GST&CEના ડેપ્યૂટી કમિશ્નર બી બાલા મુરુગને પોતાના પત્રમાં 2 ગરીબ ખેડૂતોને ઈડીનું સમન્સ મળ્યું છે તેના પર રાષ્ટ્રપતિને જણાવ્યું છે કે ભાજપના નેતા સાથે વિખવાદ બાદ આ બંને ખેડૂતોને ઈડીએ સમન્સ પાઠવ્યા છે.
72 વર્ષીય કનૈયન અને 67 વર્ષીય ક્રિષ્ણન તમિલનાડુના અત્તુરમાં 6.5 એકર્સ જમીન ધરાવે છે. સાલેમ જિલ્લાના ભાજપ પ્રમુખ એવા ગુણશેખર સાથે આ જમીન મુદ્દે આ ખેડૂતોને વિખવાદ થયો હતો. ત્યારબાદ ઈડીએ આ બંને ગરીબ ખેડૂતોને સમન્સ પાઠવી દીધા છે. આ ભાજપ પ્રમુખે આ ગરીબ ખેડૂતોની જમીન ગેરકાયદેસર રીતે હડપી લેવાના પ્રયત્નો કર્યા હતા. તેથી આ ઘટના બાદ GST&CEના ડેપ્યૂટી કમિશ્નર બી બાલા મુરુગને રાષ્ટ્રપતિને પત્ર લખ્યો. આ ઘટનામાં સ્થાનિકોનો ગુસ્સો ઈડી પર ફાટી નીકળ્યો છે. ઈડીએ મોકલેલા સમન્સના કવર પર ખેડૂતોની જાતિને હુન્દુ પાલર્સ ગણવામાં આવી છે. જેથી રોષ ઉગ્ર બન્યો છે.
આ બંને ખેડૂતો ભાઈઓ સાલેમ જિલ્લામાં અત્તુર વિસ્તારમાં રામનયાગનપાલયમ ગામમાં રહે છે. જમીનને લઈને થયેલા વિખવાદને પરિણામે ખેડૂતો તેમની જમીન પર ખેતી કરી શકતા નથી. તેમના બેન્ક એકાઉન્ટમાં માત્ર 450 રુપિયા છે. તેઓ પોતાનું ગુજરાન સરકારી પેન્શનના 1000 રુપિયા અને મફત રાશન પર ચલાવી રહ્યા છે.
સમન્સની તારીખ 26 જૂન, 2023 છે. જેમાં તપાસ અધિકારી રિતેશકુમારે આ બંને ખેડૂતોને 5 જુલાઈ, 2023ના રોજ હાજર રહેવા જણાવ્યું છે. અધિકારી અનુસાર બંને ખેડૂત ભાઈઓએ ભાજપ નેતા ગુણશેખર પર તેમની જમીન ગેરકાયદેસર રીતે હડપી લેવાના પ્રયત્નો કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે કૃષ્ણનની ફરિયાદ પર ગુણશેખર વિરુદ્ધ 2020માં એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં તેમની ધરપકડ થઈ અને તેમને જ્યૂડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. આ વિખવાદ સંદર્ભે એક કેસ અત્તુર અદાલતમાં ચુકાદાની રાહ જોઈ રહ્યો છે.
ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તેઓ ચેન્નાઈના શાસ્ત્રી ભવનમાં એજન્સી કાર્યાલયમાં પૂછપરછ માટે ગયા ત્યારે તેમને અધિકારીઓએ ધમકાવ્યા અને ડરાવ્યા હતા. આ ઘટના પરથી મુરુગન લખે છે કે ભાજપ એજન્સીનો કેવી રીતે ગેરકાયદેસર ઉપયોગ કરે છે. નિર્મલા સીતારમણ જ્યારથી નાણા પ્રધાન બન્યા છે ત્યારથી ઈડીનો દુરઉપયોગ વધી ગયો છે. મુરુગન લખે છે કે હું એક ખેડૂત પરિવારમાંથી આવું છું. મારા પિતા મેડિકલ ડૉક્ટર હોવા છતા ખેતી કરતા હતા અને હું રીટાયર્ડ થઈને પણ ખેતી જ કરીશ.
મુરુગન લખે છે કે, તેમને 30 વર્ષની સર્વિસમાં કોઈ રાજનેતાને કોઈના પ્રભાવમાં આવી જઈને તેમના પર દબાણ લાવતા જોયા નથી. સામાન્ય રીતે દબાણ દિલ્હીથી કરવામાં આવતું હોય છે. આ ઘટનાથી ખબર પડે છે કે હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. આ ઘટના પાછળ સીધી રીતે નિર્મલા સિતારમણ જ જવાબદાર છે. નાણા પ્રધાન તરીકે નિર્મલા સિતારમણ અયોગ્ય છે.
ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને મુરુગને વિનંતી કરી છે કે, નાણા પ્રધાનનું સત્વરે રાજીનામું લઈ લે. ગરીબ ખેડૂતોને ન્યાય આપે તેમજ ઈડીને બચાવી લે.
GST&CEના ડેપ્યૂટી કમિશ્નર બી બાલા મુરુગને ઈટવી ભારતને જણાવ્યું કે, પહેલા ઈડીમાં પ્રમાણિક અધિકારીઓની ભરતી કરવામાં આવતી હતી. સાથે જ રાજનેતાઓનો કોઈ હસ્તક્ષેપ નહતો. વર્તમાનમાં ગરીબ દલિત ખેડૂત કનૈયન અને ક્રિષ્ણન પાસેની 6.5 એકર જમીન હોવા છતાં તેઓ છેલ્લા 4 વર્ષથી ખેતી નથી કરી શકતા. તેના માટે ભાજપના ગુણશેખર જવાબદાર છે. ઈડીએ આ જમીન વિખવાદમાં સમન્સ પાઠવ્યું તે યોગ્ય નથી. આવી ઘટનાઓ નિર્મલા સિતારમણના નાણા પ્રધાન બન્યા બાદ વધી રહી છે.