ગયાઃ બિહારના ગયામાં પ્રેમી યુગલને પ્રેમ કરવા બદલ તાલીબાની સજા ફટકારવામાં આવી છે. પ્રેમીઓએ મંદિરમાં લગ્ન કરી લીધા હતા. જે સમાજને મંજૂર નહતું. સમાજે બંને પ્રેમીઓને ફટકાર્યા, મુંડન કર્યુ અને ગામમાંથી તગેડી મુક્યા. તેમજ બીજીવાર ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકી દીધો છે.
સમગ્ર ઘટનાક્રમઃ ગયાના આમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પ્રેમી યુગલને તાલીબાની સજા મળી છે. એક જ ગામના પુખ્તવયના યુવક અને યુવતી એકબીજાના પ્રેમમાં હતા. તેમણે મંદિરમાં લગ્ન કરવાનું નક્કી કર્યુ. ગામના લોકોને આ લગ્ન ખૂંચ્યા અને તેમણે આ પ્રેમીઓેને પકડી પંચાયતના હવાલે કરી દીધા. પંચાયતમાં જ બંને પ્રેમીઓને ફટકારવામાં આવ્યા. તેમજ તે બંનેનું મુંડન કરવામાં આવ્યું. તેમના માથામાં સિંદુર લગાડવામાં આવ્યું. બંને પ્રેમીઓને ગામમાંથી તગેડી મુકવામાં આવ્યા. દીકરીના પિતાને દીકરીને ઘરમાં અને ગામમાં ન પ્રવેશવા દેવા આદેશ કરવામાં આવ્યો હતો. જો દીકરી પિતાના ઘરે આવશે તો પિતાને પણ સજા કરવામાં આવશે.
પ્રેમીઓને કોઈએ ન છોડાવ્યાઃ જ્યારે પ્રેમીઓની મારપીટ થતી હતી ત્યારે યુવક અને યુવતી બંને હાજર લોકો પાસે મદદ માંગતા રહ્યા પણ કોઈએ મદદ ન કરી. ઉલટાનું લોકોએ ગામમાં છોકરી પાછી ન આવવી જોઈએ તેવી સજા સાંભળીને તાળીઓ વગાડી હતી. લોકો વીડિયો ઉતારતા હતા. આ મારપીટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે.
3 આરોપીની ધરપકડઃ તાલીબાની સજા મળ્યા બાદ યુવતીએ પોલીસ સ્ટેશનમાં FIR કરી હતી. યુવતીએ પોલીસને જણાવ્યું કે અમારી સાથે મારપીટ થઈ છે અને અમને મોતને ઘાટ ઉતારી દેવાની ધમકી અપાઈ છે. જેના પર પોલીસે કાર્યવાહી કરીને 3 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં પ્રેમીઓના ગામના મહેન્દ્ર માંઝી, પ્રકાશ ભૂઈયા, ધનંજયકુમારનો સમાવેશ થાય છે. અત્યારે પ્રેમી યુગલ પોલીસ સંરક્ષણમાં છે.
આમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમી યુગલને પંચાયતમાં મારપીટની સજા થઈ હોવાની અમને ખબર મળી છે. પ્રેમી યુગલને પોલીસે સંરક્ષણ આપ્યું છે. બંને પુખ્ત હતા અને તેમણે મંદિરમાં લગ્ન કર્યા છે. લગ્ન બાદ મારપીટની ઘટના ઘટી હતી. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે...મૃત્યુંજયકુમાર (SI, આમસ પોલીસ સ્ટેશન)