નવી દિલ્હીઃ મંગળવારે સુપ્રીમ કોર્ટે પત્રકારોના ડિવાઈઝ જપ્ત કરવા મુદ્દે ચિંતા જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકારને તપાસ એજન્સીઓ માટે ગાઈડલાઈન જાહેર કરવા કહ્યું. ન્યાયાધીશ સંજય કિશન કૌલ અને ન્યાયાધીશ સુધાંશુ ધૂલિયાની બેન્ચે ફાઉન્ડેશન ફોર મીડિયા પ્રોફેશનલ્સની અરજી પર સુનાવણી કરી હતી. આ જનહિત અરજીમાં સુપ્રીમ કોર્ટને તપાસ એજન્સીઓના અયોગ્ય હસ્તક્ષેપ વિરુદ્ધ સુરક્ષિત ઉપાય લાવવા અને ડિજિટલ ઉપકરણોને જપ્ત કરવા માટે ગાઈડલાઈન બનાવવાની અપીલ કરાઈ હતી.
એડિશનલ સોલિસિટર જનરલ(એએસજી) એસ. વી. રાજુએ કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. રાજુએ અદાલતમાં જણાવ્યું કે આ મામલામાં અનેક જટીલ કાયદાકીય મુદ્દાઓ સામેલ છે. તેમજ બેન્ચે હાલ પુરતી સુનાવણી સ્થગિત કરવાનો અનુરોધ કર્યો છે. સુનાવણીમાં ન્યાયાધીશ કોલે ટિપ્પણી કરી કે એજન્સીઓ પોતાને સર્વ શક્તિમાન ન સમજે. તેનો સ્વીકાર કરવો મુશ્કેલ છે.
સંયુક્ત બેન્ચે આ મુદ્દાને અતિ ખતરનાક ગણીને કેન્દ્ર સરકારને એક ચોક્કસ ગાઈડલાઈન જાહેર કરવા કહ્યું હતું. આ અરજી 3 ઓક્ટોબરે ઓનલાઈન સમાચાર પોર્ટલ ન્યૂઝક્લિક સાથે સંકળાયેલ 46 પત્રકારો, સંપાદકોના ધરે દિલ્હી પોલીસે દરોડા કર્યા તે સંદર્ભે કરવામાં આવી હતી. આ દરોડા બાદ પ્રેસ કલબ ઓફ ઈન્ડિયા, ડિજીપબ ન્યૂઝ ઈન્ડિયા ફાઉન્ડેશન અને ઈન્ડિયન વિમેન પ્રેસ કોર્પ્સ સહિત અનેક મીડિયા સંગઠને ભારતના સીજેઆઈ ડી વાય ચંદ્રચૂડને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે ઓક્ટોબરમાં પત્રકારોના ડિવાઈસ જપ્ત કરવા માટેની ગાઈડલાઈન માંગી હતી.
દરોડામાં યુએપીએ કાયદાની અનેક કલમો અનુસાર બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પત્રમાં લખ્યું છે કે, આજે ભારતમાં પત્રકારોનો એક મોટો વર્ગ બદલાના ખતરા હેઠળ કામ કરી રહ્યો છે. સાથે એ જરૂરી છે કે ન્યાયપાલિકા સત્તાનો સામનો મૌલિક સત્યથી કરે. આ સત્ય એટલે એક બંધારણ છે જેના પ્રત્યે આપણે સૌ જવાબદાર છીએ. સુપ્રીમ કોર્ટે આ કેસમાં આગામી સુનાવણી 6 ડિસેમ્બરે નિર્ધારિત કરી છે.