નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શનિવારે બળાત્કાર પીડિતાના ગર્ભપાત કેસની સુનાવણી કરી હતી. મળતી માહિતી મુજબ પીડિતા 28 અઠવાડિયાથી ગર્ભવતી છે. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે પીડિતાને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી જસ્ટિસ બીવી નાગરથના અને ઉજ્જલ ભુયાનની બેંચ દ્વારા કરવામાં આવી હતી. અરજદારના વકીલ શશાંક સિંહે કહ્યું કે મેડિકલ બોર્ડે ગર્ભપાતની તરફેણમાં અભિપ્રાય આપ્યો હતો પરંતુ હાઈકોર્ટે ગર્ભપાતની અરજી પર તાત્કાલિક રાહત આપી નથી.
7 ઓગસ્ટના રોજ હાઈકોર્ટમાં અરજી: વકીલે ખંડપીઠને માહિતી આપી હતી કે 7 ઓગસ્ટના રોજ હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. 8 ઓગસ્ટના રોજ આ મામલાની સુનાવણી કરતી વખતે કોર્ટે પ્રેગ્નન્સીની સ્થિતિ જાણવા માટે મેડિકલ બોર્ડની રચના કરવાનો આદેશ આપ્યો હતો. બોર્ડનો રિપોર્ટ 10 ઓગસ્ટે સુપરત કરવામાં આવ્યો હતો. 11 ઓગસ્ટના રોજ કોર્ટે અહેવાલને રેકોર્ડ પર લીધો હતો અને 23 ઓગસ્ટના રોજ વધુ સુનાવણી માટે મામલાની સૂચિબદ્ધ કરી હતી.
11 ઓગસ્ટે આવ્યો મેડિકલ રિપોર્ટ: આ કેસની સુનાવણી 12 દિવસ બાદ કરવાના ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. જસ્ટિસ નાગરથનાએ કહ્યું કે કોર્ટ તેને 23 ઓગસ્ટ સુધી કેવી રીતે સ્થગિત કરી શકે છે. ત્યાં સુધી ઘણા અમૂલ્ય દિવસો બરબાદ થઈ જશે. કોર્ટે નોંધ્યું કે 7 ઓગસ્ટ, 2023ના રોજ હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરવામાં આવી હતી. 8 ઓગસ્ટે સુનાવણી દરમિયાન મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી હતી. 11 ઓગસ્ટે મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે તેમનો રિપોર્ટ સુપરત કર્યો હતો.
17 ઓગસ્ટે અરજી ફગાવાઈ: જસ્ટિસ નાગરથનાએ કહ્યું કે હાઈકોર્ટે 23 ઓગસ્ટે આ મામલો લિસ્ટ કર્યો હતો. આમ કરતી વખતે તેણે એ હકીકત ધ્યાનમાં લીધી ન હતી કે આવી બાબતોમાં દરેક દિવસ મહત્વપૂર્ણ છે. કોર્ટે નોંધ્યું કે જ્યારે અરજદારે હાઈકોર્ટનો સંપર્ક કર્યો ત્યારે તે 26 અઠવાડિયાની ગર્ભવતી હતી. ખંડપીઠે નોંધ્યું હતું કે અરજદારની અરજી હાઇકોર્ટે 17 ઓગસ્ટે ફગાવી દીધી હતી. ખંડપીઠે અસંતોષ વ્યક્ત કર્યો હતો કે હાઇકોર્ટે અરજીને ફગાવી દેવા માટે કોઇ કારણ આપ્યું નથી.
ગુજરાત સરકાર પર આક્રોશ વ્યક્ત કર્યો: જસ્ટિસ નાગરથનાએ કહ્યું કે અમે આદેશની રાહ જોઈશું. અમે ઓર્ડર વિના કેવી રીતે આગળ વધી શકીએ? જસ્ટિસ નાગરથનાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે આવા કેસોમાં તાકીદની ભાવના હોવી જોઈએ. અમે દિલગીર છીએ! તેમણે ફરી પુનરોચ્ચાર કર્યો કે આ દરમિયાન 12 મૂલ્યવાન દિવસો ખોવાઈ ગયા છે. સર્વોચ્ચ અદાલતે અરજદારની ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાની માંગ કરતી અરજી પર નોટિસ જારી કરી હતી અને કોર્ટ સમક્ષ ગુજરાત સરકારનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ સ્વાતિ ઘિલડિયાલ દ્વારા નોટિસ સ્વીકારવામાં આવી હતી.
નવેસરથી તબીબી તપાસ માટે નિર્દેશ: ખંડપીઠે અરજદારની વિનંતી પર પીડિતાને નવેસરથી તબીબી તપાસ માટે નિર્દેશ આપ્યો અને તેણીને નવી તપાસ માટે આજે હોસ્પિટલમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો. આ રિપોર્ટ આવતીકાલ સુધીમાં સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે. ખંડપીઠ પહેલા સોમવારે આ મામલે સુનાવણી કરશે.