લખનઉઃ સહારા ગ્રૂપના પ્રમુખ સુબ્રત રોયના અવસાનથી સહારા પરિવાર સ્તબ્ધ છે. સુબ્રત રોયની જીવન સફર અત્યંત સંઘર્ષપૂર્ણ અને એક પ્રેરણાદાયી કથા સમાન છે. તેમના જીવન વિશે થોડીક જાણકારી મમળાવીએ. સુબ્રત રોયનો જન્મ 10 જૂન 1948ના રોજ ગોરખપુરમાં થયો હતો. એક સમયે તેઓ ખખડધજ સ્કૂટર ચલાવતા હતા. માત્ર 30 વર્ષની ઉંમરે તેમણે સહારા ઈન્ડિયા નામક કંપની સ્થાપી હતી. તેઓ સહારા ઈન્ડિયા પરિવારના સંસ્થાપક, મેનેજિંગ ડાયરેક્ટર અને ચેરમેન હતા. તેઓ 'સહારાશ્રી'ના નામથી પણ ઓળખાતા હતા. તેમણે 40 વર્ષના વ્યવસાયિક જીવનમાં 4500થી વધુ કંપની સ્થાપી હતી.
વેપારના અનેક ક્ષેત્રે ખેડાણઃ સૌથી પહેલા ચિટફંડ ક્ષેત્રે ઉતરેલા સુબ્રત રોયે સમય જતા મીડિયા, ફિલ્મ, સ્પોર્ટ્સ, ટીવી, રિયલ એસ્ટેટ અને હેલ્થ સેક્ટરમાં ખેડાણ કર્યુ અને ખૂબ પ્રગતિ કરી. રોકાણકારોના પૈસામાં ગોટાળાના આરોપમાં સુપ્રીમ કોર્ટની દખલને કારણે કોઈ પણ FIR વિના સુબ્રત રોયને 3 વર્ષનો જેલવાસ વેઠવો પડ્યો હતો.
હાઈ પ્રોફાઈલ પર્સનાલિટીઃ એક સમય એવો હતો કે બિલ ક્લિન્ટન, ભારત અને પાકિસ્તાની ક્રિકેટરો, ફિલ્મ સ્ટાર્સ અને દેશના ટોપ કોર્પોરેટ સુધી સુબ્રત રોયની નિકટતા હતી. રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજકારણમાં પોતાના હસ્તક્ષેપ માટે જાણીતા સુબ્રત રોયના જીવનના છેલ્લા વર્ષો સંકટમય હતા. સેબી અને સુપ્રીમ કોર્ટના કડક વલણને પરિણામે સુબ્રત રોયને ન તો માત્ર જેલ જવું પડ્યું પરંતુ તેમનું કદ અને પહોંચ પણ ઘટી ગયા હતા.
ભારતના 10 પાવરફુલ પીપલ્સમાં સ્થાનઃ ઈન્ડિયા ટૂડેએ સુબ્રત રોયને ભારતના 10 પાવરફુલ પીપલ્સમાં સ્થાન આપ્યું હતું. તેમણે 1978માં સહારા ઈન્ડિયા પરિવારની સ્થાપના કરી હતી. વર્ષ 2004માં ટાઈમ મેગેઝિને સહારા ગ્રૂપને ભારતીય રેલવે બાદ સૌથી મોટું એમ્પલોયર ગણાવ્યું હતું. તેઓ પૂનાની વોરિયર્સ ઈન્ડિયા, ગ્રોસવેનર હાઉસ, એમબી વૈલી સિટી, પ્લાઝા હોટલ, ડ્રીમ ડાઉનટાઉન હોટલના માલિક હતા. સુબ્રત રોય બંગાળી પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા.
બિહારમાં જન્મ, ગોરખપુરમાં વ્યવસાયઃ સુબ્રત રાયનો જન્મ 10 જૂન 1948ના રોજ થયો હતો. બિહારના અરરિયા જિલ્લાના રહેવાસી સુધીરચંદ્ર રોય અને છબિ રોયના ઘરમાં સુબ્રત જનમ્યા હતા. પશ્ચિમ બંગાળ તેમનું વતન છે. તેમણે પ્રાથમિક અભ્યાસ હોલી ચાઈલ્ડ સ્કૂલમાં કર્યો હતો. ત્યારબાદ ગવર્મેન્ટ ટેકનિકલ ઈન્સ્ટિટ્યૂટમાંથી મીકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યુ હતું. તેમણે 1978માં ગોરખપુરથી પોતાનો વ્યવસાય શરુ કર્યો હતો.
1978માં સહારા ઈન્ડિયા પરિવારની સ્થાપનાઃ સુબ્રત રોયે 1978માં ગોરખપુરમાં સહારા ઈન્ડિયા પરિવારની સ્થાપના કરી હતી. તઓ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અને ચેરમેન હતા. આ કંપની ભારતની મલ્ટિ બિઝનેશ કંપની છે. આ કંપનીનો વિસ્તાર ફાયનાન્સ સર્વિસ, ગૃહ નિર્માણ, ફાઈનાન્સ, મ્યૂચ્યુઅલ ફંડ્સ, જીવન વીમો, નગર વિકાસ, રીયલ એસ્ટેટ, અખબાર અને ટીવી, ફિલ્મ નિર્માણ, સ્પોર્ટ્સ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી, હેલ્થ સેક્ટર, ટૂરિઝમ, કન્ઝ્યુમર પ્રોડકટ્સ જેવા ક્ષેત્રોમાં ફેલાયેલ છે. તેઓ આઈપીએલની ટીમ પૂણે વોરિયર્સ ઈન્ડિયા, લંડનના ગ્રોસવેનર હાઉસ, મુંબઈના લોનાવાલા સ્થિત એમબી વૈલી સિટી તેમજ ન્યૂયોર્કની પ્લાઝા હોટલ અને ડ્રીમ ડાઉનટાઉન હોટલના માલિક હતા.
શા માટે જવું પડ્યું જેલ ?: જ્યારે જ્યારે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકાર બની ત્યારે ત્યારે સુબ્રતનો વિકાસ થયો હતો. 2014માં સમાજવાદી પાર્ટીની સરકાર હતી ત્યારે સેબીએ દાખલ કરેલ ફરિયાદ પર સુપ્રીમ કોર્ટે રોકાણકારોના નાણાં પરત ન કરવાના આરોપ સર જેલ મોકલી દીધા હતા. તેમણે અંદાજિત 3 વર્ષ જેલવાસ વેઠવો પડ્યો હતો. આ દરમિયાન તેમની ચમક બહુ ઝાંખી થઈ ગઈ હતી. એક સમયે અમિતાભ બચ્ચન અને અમરસિંહના અત્યંત નિકટના એવા સુબ્રતથી લોકોએ તેમની પડતીના સમયે અંતર રાખ્યું હતું. સુપ્રીમ કોર્ટે તેમના પર દબાણ બનાવી રાખ્યું હતું. તેમના પર અંદાજિત 35000 કરોડનું દેવું હતું. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં તેમના પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, જો સુબ્રત 4500 કંપનીના માલિક છે તો તેમના માટે 35000 કરોડ ચૂકવવા બહુ મોટી વાત નથી. આ દબાણો વચ્ચે જ સુબ્રતનું અવસાન થઈ ગયું.
મહત્વપૂર્ણ સિદ્ધિઓઃ
- 2004- ટાઈમ મેગેઝિન દ્વારા ભારત રેલવે બાદ સૌથી મોટા એમ્પલોયર તરીકે સહારા ઈન્ડિયા પરિવારને ગણાવ્યું હતું
- 2011-દરભંગાની લલિત નારાયણ મિથિલા યુનિવર્સિટીએ ડીલિટની માનદ પદવી એનાયત કરી હતી
- 2011-લંડનમાં તેમને ધી બિઝનેસ આઈકોન ઓફ ધિ યરનો એવોર્ડ મળ્યો હતો
- 2013-લંડનની યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડને તેમને ડૉક્ટરેટની માનદ ડિગ્રીથી નવાજ્યા હતા
એવોર્ડની હારમાળાઃ
- 1992- બાબા-એ-રોજગાર એવોર્ડ
- 1994- ઉદ્યમશ્રી
- 1994- કર્મવીર સમ્માન
- 2001- નેશનલ સિટિઝન એવોર્ડ
- 2002- બિઝનેસમેન ઓફ ધિ યર એવોર્ડ
- 2004- ગ્લોબલ લીડરશિપ એવોર્ડ
- 2007- આઈટી એ ટીવી આઈકોન ઓફ ધી યર એવોર્ડ
- 2010- વિશિષ્ટ રાષ્ટ્રીય ઉડાન સમ્માન
- 2010- વોકેશનલ એવોર્ડ ફોર એક્સેલન્સ