હૈદરાબાદ: દસેક વર્ષ પહેલાં તે વખતના ચીનના વડાપ્રધાન વેન જિયાબાઓએ ભારત અને ચીનના સંબંધો વિશે ટીપ્પણી કરતા કહ્યું હતું કે, "છેલ્લા 2,200 વર્ષોમાંથી 99.9 ટકા જેટલો સમય આપણા બે દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સહકારનો જ રહ્યો છે." પંચશીલ સિદ્ધાંતોની ભાવનાનો ભંગ થયો હતો અને બંને દેશો વચ્ચે યુદ્ધ થયું હતું.
આ પછી હાલના સમયમાં વુહાનમાં અને મહાબલીપુરમમાં બંને દેશના વડાઓ વચ્ચે મુલાકાતો યોજાઈ ત્યારે બહુ સદભાવનો માહોલ ઊભો કરાયો હતો, પરંતુ બીજી બાજુ ચીને સરહદે લશ્કરની જમાવટ કરવાનું ચાલુ જ રાખ્યું હતું. જોકે, લાંબા વાટાઘાટોના અંતે હાલ પૂરતું બંને દેશો વચ્ચેનું વિઘાતક ઘર્ષણ ટળી ગયું છે. ચીને આક્રમક વૃતિ બતાવી હતી, પણ ભારતીય સેનાના જવાનોએ તેના ઇરાદા નાકામિયાબ બનાવ્યા હતા. ભારતીય સેનાએ ભારતીય ભૂમિ પર ચીન વ્યૂહાત્મક રીતે અડ્ડો જમાવવા માગતું હતું તે થવા દીધું નથી. ચીનના ઇરાદાને સફળ ન થવા દેવા માટે ભારતીય સેનાએ વ્યૂહાત્મક રીતે અગત્યના ઊંચાઈવાળા વિસ્તારો, પહાડીઓ પર છાવણીઓ ખડી કરી દીધી હતી.
બંને દેશો વચ્ચે તબક્કાવાર સરહદથી દળોને પાછા ખેંચવા માટેનો નિર્ણય
કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું છે કે, બંને દેશો વચ્ચે તબક્કાવાર સરહદથી દળોને પાછા ખેંચવા માટેનો નિર્ણય કર્યો છે. પરસ્પરના સહકાર સાથે એક સાથે દળો પાછળ ખેંચાશે તેમ જણાવાયું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, છેલ્લે કરવામાં આવેલી સમજૂતિ પ્રમાણે બંને દેશો વચ્ચેની સરહદ પર મે મહિનાના પ્રથમ અઠવાડિયા પહેલાં જે સ્થિતિ હતી તે પૂર્વવત કરવામાં આવશે. સંરક્ષણ પ્રધાને ઉમેર્યું હતું કે, એક પણ ઈંચ જમીન ચીન આક્રમણખોરોને કબજે કરવા દેવાશે. સંરક્ષણ પ્રધાને એમ પણ જણાવ્યું હતું કે, પેંગોગ સરોવરના ઉત્તર અને દક્ષિણના કાંઠે બંને દેશો પેટ્રોલિંગ અટકાવાશે, જેથી બંને કાંઠા પરના ઠેકાણાઓનો નિર્ણય કરી શકાય.
જોકે, ભારત અને ચીન વચ્ચેના સંબંધોના જાણકારો કહે છે કે, પોતાના જ વિસ્તારમાં પેટ્રોલિંગ અટકાવવા માટેની સહમતી આપવામાં આવી છે, તેના કારણે ભારતના હાથમાં જે વ્યૂહાત્મક ઠેકાણા છે તે હાથમાંથી સરી જશે. ચીન હઠાગ્રહ ધરાવતો દેશ છે, જે પોતાના 18 દેશો સાથે સરહદના મામલે વિખવાદો ઊભા કરી રહ્યું છે.
1962માં અને 2020માં ચીને જ ઘર્ષણની શરૂઆત કરી હતી
ચીનના ઇરાદા વિસ્તારો વધારવાના છે તે સંજોગોમાં ચીન દંભી દેખાડો કરતું હોય તેનાથી ભારતે સાવધાન રહેવાનું છે એવી ચેતવણી જાણકારો આપી રહ્યા છે. નિષ્ણાંતોની આવી ચેતવણીની અવગણના કરવી જોઈએ નહીં. માર્ચ 2013માં શી જિનપિંગ ચીનના પ્રમુખ બન્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, ભારત સાથેના સંબંધો માટે નવા પંચશીલ સિદ્ધાંતોને મજબૂત કરવામાં આવશે. એ નવા પંચશીલ સિદ્ધાંતોનો પ્રથમ મુદ્દો હતો દ્વિપક્ષી સંબંધોને ચાલુ રાખવા માટે વ્યૂહાત્મક વાટાઘાટો ચાલુ રાખવી. 1962માં અને 2020માં ચીને જ ઘર્ષણની શરૂઆત કરી હતી. બંને વખતે સંબંધોમાં આવેલા ખટરાગને સુધાર માટે ભારતે જ પહેલ કરી હતી.
વડાપ્રધાન રાજીવ ગાંધીએ 1988માં ચીનની મુલાકાત લીધી હતી. સરહદ મામલે રહેલા વિખવાદોને દૂર કરવા માટે સંયુક્ત કાર્યકારી સમિતિની રચના કરી હતી. પી. વી. નરસિંહરાવના કાર્યકાળમાં શાંતિ અને સદ્ભાવના મજબૂત બને તે માટેના પ્રયત્નો ચાલુ રાખવામાં આવ્યા હતા. અટલ બિહારી વાજપેયીના શાસન કાળમાં સરહદના વિવાદોના મુદ્દાને બાજુએ રાખીને દ્વિપક્ષી વેપાર માટેની સમિતિ બનાવાઈ હતી. દર વર્ષે બંને દેશો વચ્ચે શીખર મંત્રણાઓ યોજાતી રહી અને તે દરમિયાન સદભાવનાના નિવેદનો પણ થતા રહ્યા, પરંતુ ચીને ક્યારેય અરૂણાચલ પ્રદેશ પરનો પોતાનો દાવો છોડ્યો નહોતો. મ્યાંમાર, બાંગ્લાદેશ, માલદિવ્સ અને પાકિસ્તાનમાં ચીને બંદરો માટે કરારો કરીને નૌકા દળ માટેના મથકો ઊભા કરીને ભારતને ભીંસમાં લેવાની કોશિશ કરી છે.
ચીન હિન્દ અને પ્રશાંત મહાસાગરમાં પોતાનો પગદંડો જમાવવા માગે છે
ચીન હિન્દ અને પ્રશાંત મહાસાગરમાં પોતાનો પગદંડો જમાવવા માગે છે. તેનો સામનો કરવા માટે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ ચારેય દેશોએ સાથે મળીને સહકારની ભૂમિકા તૈયાર કરી છે. ચાર દેશો વચ્ચે આ સહકારથી ચીન ભડક્યું છે. ચીનને પોતાની મર્યાદમાં રાખવા માટે ભારત વાટાઘાટો કરતું રહે તે જરૂરી છે, પરંતુ સાથોસાથ ભારતે રાજદ્વારી માર્ગ પણ ખુલ્લો રાખવો પડશે, જેથી દ્વિપક્ષી વેપાર ચાલતો રહે. ચીન સાથેના સંબંધોની બાબતમાં વ્યૂહાત્મક ઢીલને કારણે નુકસાન થાય ચે તેનો અનુભવ આપણને થતો રહ્યો છે. તેવા સંજોગોમાં ડ્રેગનને કાબૂમાં રાખવા માટે ભારતે પોતાના વ્યૂહને વધારે ધારદાર બનાવવો જરૂરી બન્યો છે.