નવી દિલ્હી : રાજધાની દિલ્હીના જહાંગીરપુરીમાં શનિવારે સાંજે બે જૂથો વચ્ચે થયેલી અથડામણને કારણે વિસ્તારમાં તણાવ સર્જાયો છે. શનિવારે સાંજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે નિકળેલી શભા યાત્રા પર કેટલાક ઉગ્રવાદીઓએ પથ્થરમારો શરૂ કર્યો હતો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. આ હંગામામાં બે પોલીસકર્મીઓ સહિત અનેક લોકો ઘાયલ પણ થયા હતા.
આ પણ વાંચો - Communal violence in Savli: સાવલીના ગોઠડા ગામમાં બે જૂથો વચ્ચે કોમી હિંસા, ત્રણ ઈજાગ્રસ્ત
શોભાયાત્રા પર થયો પથ્થરમારો - શોભા યાત્રા જહાંગીરપુરીના કુશલ સિનેમા પાસે પહોંચી કે તરત જ તેના પર પથ્થરમારો શરૂ થઈ ગયો. મળતી માહિતી પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે, બંને તરફથી પથ્થરમારો કરવામાં આવી રહ્યો હતો. હોબાળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. કેટલાક વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાલ તણાવનો માહોલ સર્જાયો છે. ઘટનાસ્થળ પર માહોલને કાબુમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળને પણ ગોઠવવામાં આવ્યો છે.
અનેક લોકો થયા ઇજાગ્રસ્ત - કોર્પોરેશનના કાઉન્સિલર અજય શર્માએ જણાવ્યું કે, હાલમાં આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સને હાજર કરવામાં આવી છે. વાતાવરણને શાંત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બંને સમુદાયના લોકો સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ મહત્વની બાબત એ છે કે હંગામો હજુ પણ ચાલુ છે. દિલ્હી પોલીસ કમિશનરે બે પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાની પુષ્ટિ કરી છે.
શાંતિપૂર્ણ માહોલ સર્જવા કરાઇ અપિલ - દિલ્હી પોલીસના સીપી રાકેશ અસ્થાનાએ કહ્યું કે, સ્થિતિ નિયંત્રણમાં છે. ઘટનાસ્થળે વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે, સાથે જ સમગ્ર દિલ્હીમાં સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ તૈનાત કરવામાં આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા છે. અમે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરીશું. વિશેષ પોલીસ કમિશનર, કાયદો અને વ્યવસ્થા, દીપેન્દ્ર પાઠકે કહ્યું કે 'અમે પરિસ્થિતિનો અભ્યાસ કરી રહ્યા છીએ. અમારી પ્રાથમિકતા પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાની છે. અમે ઇજાગ્રસ્તોનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. અમે લોકો સાથે વાત કરીને શાંતિપૂર્ણ માહોલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સૌથી વધુ અપીલ શાંતિ અને વ્યવસ્થા જાળવવાની છે. લોકોને શાંતિ જાળવવા અને કોઈપણ પ્રકારની અફવાઓમાં ન પડવા અપીલ છે.
કેજરીવાલની સરકાર નાકામ સાબિત થઇ - કેજરીવાલે શાંતિ જાળવવાની કરી અપીલઃ બીજી તરફ, જહાંગીરપુરીમાં પથ્થરમારાની ઘટના પર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે 'હું લોકોને કહેવા માંગુ છું કે તેમણે શાંતિ જાળવવી પડશે કારણ કે તેના વિના દેશ પ્રગતિ કરી શકશે નહીં. દિલ્હીમાં એજન્સીઓ, પોલીસ અને કેન્દ્ર સરકારની જવાબદારી છે, તો કેન્દ્ર સરકારે દિલ્હીમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવી જોઈએ.
ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
- તમામ સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે
- ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ સેલે તપાસ શરૂ કરી હતી
- RAFની બે કંપનીઓ જહાંગીરપુરીમાં તૈનાત
- તપાસ માટે દિલ્હી પોલીસની 10 ટીમો બનાવવામાં આવી છે
- જેએનયુની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે
- દિલ્હી હિંસા બાદ યુપીમાં એલર્ટ